<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

મુંજકામાં ત્રણ ફલેટમાંથી ૭.૭૭ લાખની ચોરી

રાજકોટમાં તસ્‍કરોએ પણ સાતમ આઠમની ઉજવણી કરીઃ શ્રી સીટી એપાર્ટમેન્‍ટમાં બનાવ : ભેદ ઉકેલવા પોલીસની મથામણ : નિલેષભાઇ કારોતરા પરિવાર સાથે સસરાના ઘરે મોરબી ગયા ને ફલેટમાંથી ૫.૮૧ લાખ ચોરાઇ ગયાઃ મયુરભાઇ લાવડીયાના ફલેટમાંથી ૧.૧૦ લાખની અને નરેન્‍દ્રભાઇ અગ્રાવતના ફલેટમાંથી ૮૬૩૦૦ની મત્તા ગઇઃ નિલેષભાઇની બાજુનો ફલેટ ખાલી પડયો હોઇ ચોર તેમાંથી ઘુસી બારીની કબુતર જાળી તોડી અંદર આવ્‍યા

ચોરી થઇ તે શ્રી સીટી એપાર્ટમેન્‍ટ, કબૂતરની જાળી તોડી તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: શહેરમાં સાતમ આઠમની રજાની તસ્‍કરોએ પોતાની રીતે ઉજવણી કરી હતી. રાજકોટમાં  મુંજકા ગામમાં આવેલા શ્રી સીટી એપાર્ટમેન્‍ટમાં ત્રણ ફલેટમાં ત્રાટકી તસ્‍કરો રૂા. ૭,૭૭,૩૦૦ની માલમત્તા ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ મુંજકા ગામમાં હરિવંદના કોલેજ સામે આવેલા શ્રીસીટી એપાર્ટમેન્‍ટ એ-વીંગમાં બ્‍લોક નં. ૯૦૧માં રહેતાં અને છગનભાઇ પટેલના ડ્રાઇવર તરીકે નોકરી કરતાં નિલેષભાઇ વાસાભાઇ કારોતરા (ઉ.વ.૪૪)એ આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નિલેષભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે ચાર વર્ષથી આ ફલેટમાં રહુ છું. મારી સાથે પત્‍નિ સીમાબેન, દિકરો મિતાશ રહે છે. અમે તા. ૧૪ના રોજ બપોરે ત્રણેક વાગ્‍યે મારા સસરા ભીખાભાઇ રાણાભાઇ ગરચર જે મોરબી રહેતાં હોઇ તેમના ઘરે સાતમ આઠમ કરવા ગયા હતાં. ૧૭મીએ રાતે આઠેક વાગ્‍યે પરત આવ્‍યા હતાં. અમે થાકી ગયા હોઇ જેથી સુઇ ગયા હતાં. ૧૮મીએ સવારે મારા પત્‍નિ ઘરમાં સાફસફાઇ કરતા હતાં ત્‍યારે કબાટમાં જોતાં તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ જોવા ન મળતાં તપાસ કરી હતી.

મેં ગેલેરીમાં જોતાં કબુતરની જાળી તૂટેલી હોઇ ચોર ત્‍યાંથી અંદર ઘુસ્‍યાનું લાગ્‍યું હતું. બાદમાં કબાટમાં ચેક કરતાં તસ્‍કરો અંદરની સોનાનો હાર ૧ાા લાખનો,  કાનની જુમ્‍બર ૭૫ હજારની, લેડીઝ ચેઇન ૫૦હ જારનો, સોનાનની વીટી ૫૦ હજારની, ચાંદીના સાંકળા બે જોડી, સોનાની કંગન એક જોડી, રોકડા ૭૦ હજાર મળી રૂા. ૫,૮૧,૦૦૦ની માલમત્તા ગાયબ જણાઇ હતી. અમારી બાજુમાં આવેલા બ્‍લોક નં. ૯૦૨માં કોઇ રહેતું ન હોઇ તેમજ દરવાજખો ખાલી બંધ કરેલો હોઇ તસ્‍કરો આ ફલેટમાં થઇ તેની પાછળની ગેલેરીમાંથી અમારી ગેલેરેની કબુતર જાળી તોડી બારી તોડી અંદર ઘુસી ચોરી કરી ગયા હતાં.

અમે તપાસક રતાં આઠમા માળે આવેલા ૮૦૩ નંબરના બ્‍લોકમાં રહેતાં નરેન્‍દ્રભાઇ હિમતરાય અગ્રાવત પણ તા. ૧૨મીથી બહારગામ હોઇ તેમના ફલેટમાં પણ ચોરી થઇ હતી. તેમના ફલેટમાંથી સોનાના પાટલા, સોનાની બંગડી, સાોનાની નાકની ચુંક, ચાંદીના સાંકળા, બંગડી, કડલી, બાળકોની લક્કી, ચાંદીની બાળકોની ઝાંઝરી, સોનાનો રૂદ્રાક્ષ મઢેલો પારો મળી રૂા. ૮૬૩૦૦ની ચોરી થયાનું જણાયુ હતું.

તેમજ અમારી જ એ-વિંગમાં બ્‍લોક નં. ૮૦૧માં રહેતાં મયુરભાઇ સુરેશભાઇ લાવડીયાનો ફલેટ પણ ૧૪મીથી બંધ હતો. તેઓ પણ સાતમ આઠમ કરવા ગામડે ગયા હતાં. તેમના ફલેટમાંથી તસ્‍કરો સોનાની વીંટીઓ, બુટી, રોકડા ૩૫ હજાર મળી ૧,૧૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતાં. આમ અમારા ત્રણેયના ફલેટમાંથી તસ્‍કરો કુલ મળીને ૭,૭૭,૩૦૦ની ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફ, એલસીબી ઝોન-૧, ડીસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગ્‍યા છે. (૧૪.૧૨)

(2:40 PM IST)