<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સ્‍વયંભુ શ્રી રામનાથ મહાદેવની વાજતે ગાજતે વર્ણાંગી

બેન્‍ડની સુરાવલીઓ અને રાસ ગરબાની રમઝટ સાથે રામનાથ મહાદેવનો જયજયકાર ગુંજયો : શનિવારે શિવ આરાધના

રાજકોટ : નગરજનોની સુખાકારી માટે અમીના આશીર્વાદ વરસાવતા રાજકોટની આજી નદીના કાંઠે બિરાજતા  સ્‍વયંભુ શ્રી રામનાથ મહાદેવની વર્ણાંગી વાજતે ગાજતે યોજાઇ હતી. સૌપ્રથમ શોડષોપચાર પૂજન કરાયા બાદ બેન્‍ડવાજાની સુરાવલી અને રાસની રમઝટ સાથે હર હર મહાદેવના નાદ ગજાવતા ૧૦૨મી વર્ણાંગી આજી નદી કાંઠે રામનાથપરા નિજ મંદિર ખાતેથી પ્રસ્‍થાન પામી હતી. કોઠારીયાનાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિર પાછળનો માર્ગ, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્‍લોટ, હાથીખાના થઇ રામનાથ મહાદેવ મંદિરે પરત ફરી સમાપન થયેલ. ઉલ્લેખનીય છે કે રાજકોટના રાજવી સ્‍વ. લાખાજીરાજ બાપુ તથા કૈ.વા. મહંતશ્રી હરીગીર બાપુએ શ્રી રામનાથ દાદાના ફુલેકા (વર્ણાંગી)ની પ્રેરણા આપેલ. ત્‍યારથી દર વર્ષે મહાદેવની વર્ણાંગી યોજવામાં આવે છે. આ વર્ષે ૧૦૨મી વર્ણાંગી નિકળી હતી. મહંતશ્રી અરવિંદગીરી ગોસ્‍વામી, મહંતશ્રી હરસુખગીરી ગોસ્‍વામી, મહંતશ્રી નલીનગીરી ગોસ્‍વામી, મહંતશ્રી શાંતિગીરી ગોસ્‍વામી, મહંતશ્રી કપીલગીરી ગોસ્‍વામી, મહંતશ્રી પંકજગીરી ગોસ્‍વામી, મહંતશ્રી નિશાંતગીરી ગોસ્‍વામીની રાહબરી હેઠળ યોજવામાં આવેલ આ વર્ણાંગીમાં બહોળી સંખ્‍યામાં ભાવિક ભકતો જોડાયા હતા.  દરમિયાન શ્રાવણ વદ અમાસ (સર્વપિતૃ અમાસ)ના તા. ૨૩ ઓગષ્‍ટના શનિવારે રાત્રે ૯ વાગ્‍યે સ્‍વયંભુ શ્રી રામનાથ દાદાના સાનિધ્‍યમાં શિવની ઉપાસના સાથે મહાદેવ આરાધનાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. જેમાં સંગીતજ્ઞ શ્રી દેવ ભટ્ટ અને સાથી કલાકારો   અમૃતવાણીનું રસપાન કરાવશે. વર્ણાંગી સમયની તસ્‍વીરમાં દાદાની સુશોભિત પાલખી અને બહોળી સંખ્‍યામાં જોડાયેલ ભાવિકજનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:09 PM IST)