News of Tuesday, 19th August 2025
ગાંધીગ્રામના સેલ્સમેન અદનાન મેમણને મિત્ર ભરત ટકો, નરેન્દ્રસિંહ, મુસાએ ધોકા-ઢીકાપાટુનો બેફામ માર માર્ર્યો
બે પંખાના લેણા નીકળતાં રૂપિયાની ઉઘરાણી કરતાં મિત્રએ નાણાવટી ચોકમાં આવીને લઇ જવાનું કહી હુમલો કર્યો હવે પૈસા તો ભુલી જ જજે કહી મારી નાખવાની ધમકી દઇ ટુવ્હીલરમાં પણ તોડફોડ કરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામમાં રહેતાં અને સેલ્સમેન તરીકે નોકરી કરતાં યુવાને નાણાવટી ચોક ક્વાર્ટરમાં રહેતાં પોતાના મિત્રને બે પંખા આપ્યા હોઇ તેના પૈસાની ઉઘરાણી કરતાં મિત્રએ નાણાવટી ચોક રવેચી હોટલ પાસે આવી પૈસા લઇ જવાનું કહેતાં સેલ્સમેન યુવાન ત્યાં જતાં મિત્રએ પોતાની સાથેના બીજા બે શખ્સો સાથે મળી હવે પૈસા ભુલી જાજે કહી ઢીકાપાટુ, ધોકાથી બેફામ માર મારતાં અને આજે તો મારી જ નાખવો છે તેવી ધમકી આપતાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ શેરી નં. ૭માં રહેતાં અદનાન અલ્ફતાભાઇ વિંધાણી (ઉ.વ.૨૨) નામના યુવાનની ફરિયાદ પરથી નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં તેના જ મિત્ર ભરત કોળી ઉર્ફ ટકો, નરેન્દ્રસિંહ અને મુસા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અદનાન વિંધાણી-મેમણ પવિરાર સાથે રહે છે અને સેતુબંધ સોસાયટીમાં આવેલ યુનિક માર્કેટીંગમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. અદનાને જણાવ્યું હતું કે હું ૧૮મીએ રાતે સાડા નવથી દસની વચ્ચે મારા ઘરે હતો ત્યારે મિત્ર ભરત ઉર્ફ ટકો કોળી કે જે નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટરમાં રહે છે તેને મેં ફોન કરી કહેલું કે-મેં તને હેવેલ્સ કંપનીના બે પંખા આપ્યા છે તેના રૂા. ૩૫૦૦ થાય છે આ રકમ તું મને આપી દે. આથી તેણે કહેલુ કે હું અત્યારે રવેચી હોટલ પાસે મારા ઘરની નજીક બેઠો છું, તું આવીને પૈસા લઇ જા તેમ કહેતાં હું મારુ વાહન લઇને ત્યાં ગયો હતો.
આથી ભરતે મને થોડીવાર રાહ જો હમણા નરેન્દ્રસિંહ દરબાર આવે એટલે તને પૈસા આપુ છું તેમ કહેતાં હું રાહ જોવા ઉભો રહ્યો હતો. થોડીવાર બાદ નરેન્દ્રસિંહ આવેલ આથી મેં ભરત સાથે ફરીથી મારા લેણા પૈસાની વાત કરતાં નરેન્દ્રસ્ંિહે હવે તું તારા પૈસા ભુલી જા, તને આપવાના થતાં નથી તેમ કહી ગાડી નીચેથી ધોકો કાઢી ગાળો દઇ મને ધોકાથી આડેધડ માર માર્યો હતો. ભરતે પણ ઢીકાપાટુ મારી લીધા હતાં. ત્યાં આ બંનની સાથે મુસા નામનો શખ્સ હોઇ તેણે પણ મને ઢીકાપાટુ માર્યા હતાં અને મને પકડી રાખી આજે જીવતો નથી જવા દેવો મારી જ નાખવો છે કહી ધમકી દઇ ગાળો દીધી હતી.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હું બચવા માટે દોટ મુકી ભાગી રિક્ષામાં બેસી ગયો હતો. મને ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યાંથી મારા પિતાને અને માતાને જાણ કરતાં તે પણ આવી ગયા હતાં. તબિબે નિદાન કરતાં મને ડાબા હાથન કોણી, નાક પર ઇજા હોઇ સારવાર બાદ રજા લીધી હતી. આ પછી ઘરે જઇ મેં માર મિત્ર નિરવ રજપૂતને ફોન કર્યો હતો અને મારુ એક્સેસ જીજે૦૩એનસી-૭૯૮૮ જ્યાં માથકુટ થઇ તે રવેચી પાન પાસે જ પડયું હોઇ તે લેવા જતાં તેમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું જણાયું હતું. તેમ વધુમાં અદનાને જણાવતાં પીઆઇ એચ. એન. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધ્યો હતો.
(2:30 PM IST)










