<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

દાસીજીવણપરામાં ૭૦ વર્ષના લક્ષ્મીબેન મુછડીયાને પોૈત્ર મહેશે નશાની હાલતમાં પાઇપથી ફટકારી લાફો માર્યો

પહેલા ઘરના ડેલામાં પાઇપ ફટકાર્યા પછી સીસીટીવી કેમેરા તોડી નાંખી બાદમાં ઘરમાં ઘુસી ગયો ખૂનની ધમકી પણ દીધીઃ માલવીયાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૧: લક્ષ્મીનગર રોડ પર દાસીજીવણપરામાં રહેતાં સિત્તેર વર્ષના વૃધ્‍ધાને તેના ઘર નજીક જ રહેતાં પોૈત્રએ દારૂ પીધેલી હાલતમાં ઘરમાં આવી પાઇપથી માર મારી તેમજ ગરદન પકડી આજે તો તને મારી જ નાખીશ કહી ધમકાવી લાફો મારી દેતાં અને ઘરના ડેલામાં પાઇપના ઘા ફટકારી તેમજ સીસીટીવી કેમેરા તોડી નાંખી ડખ્‍ખો કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર મેઇન રોડ દાસીજીવણપરા શેરી નં. ૫માં રહેતાં લક્ષ્મીબેન રામજીભાઇ મુછડીયા (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી વૃજભુમિ એપાર્ટમેન્‍ટમાં રહેતાં મહેશ ભનુભાઇ મુછડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

લક્ષ્મીબેન મુછડીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. સંતાનમાં દિકરો અશ્વીનભાઇ તથા પોૈત્ર કલ્‍પેશ પણ મારી સાથે રહે છે. બીજા દિકરા મારાથી અલગ રહે છે. ૨૦મીએ સાંજે સવા ચારેક વાગ્‍યે હું અને ઘરના સભ્‍યો ઘરે હતાં ત્‍યારે મારા દિકરા ભનુભાઇ રામજીભાઇ મુછડીયાનો દિકરો મહેશ જે મારા ઘરની સામે જ વૃજભુમિ એપાર્ટમેન્‍ટમાં રહે છે તે નશાની હાલતમાં આવ્‍યોહ તો અને મારા ઘરની ડેલી પાસે લોખંડનો પાઇપ લઇને ઉભો હતો. તેણે પાઇપથી ડેલામાં ઘા ફટકાર્યા હતાં. પછી તેણે તેના ઘરમાં જઇ ખુરશી લાવી ખુરશી ઉપર ચડી મારા ઘર બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી.

આ પછી મહેશ ઘરમાં આવી ગયો હતો અને મને જોઇ જતાં મારી પાસે આવી બોલાચાલી કરી ઝઘડો કરી મારી ગરદન પકડી લીધી હતી અને આજે તો તને મારી જ નાખવી છે તેમ કહી લોખંડના પાઇપથી મને માર મારી દેતાં મુંઢ ઇજા થઇ હતી. તેમજ મને લાફો પણ મારી દીધો હતો. એ પછી તે ફરીથી વૃજભુમિ એપાર્ટમેન્‍ટમાં જતો રહ્યો હતો. આ પછી મારો બીજો પોૈત્ર મિલન હર્ષદભાઇ મુછડીયા આવી જતાં ૧૮૧માં ફોન કર્યો હતો અને અમે પોલીસ સ્‍ટેશને ગયા હતાં. પોત્ર મહેશ ખુજ માથાભારે હોઇ મારી સાથે વારંવાર ઝઘડા કરતો રહે છે. તેમ વૃધ્‍ધા લક્ષ્મીબેને જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. ડી. પી. બગડાએ ગુનો નોંધ્‍યો હતો. 

(3:14 PM IST)