<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજકોટની રાજકુમાર કોલેજના ધોરણ-૭ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારી લીધો!

શાળાએ કોઈ પગલાં ન ભરતા વાલીએ પોલીસ ફરિયાદ કરી : પિતાની અરજીમાં આક્ષેપઃ અભ્‍યાસમાં જવાબ ન આવડતા ગુસ્‍સે થયેલા શિક્ષક ચેતન જોશીએ ફડાકો માર્યોઃ પ્રિન્‍સિપાલ યશ સક્‍સેનાએ શિક્ષાત્‍મક કાર્યવાહીનું આશ્વાસન આપીને વાતને ટાળી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: શહેરની પ્રતિષ્‍ઠીત રાજકુમાર કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ ૭ના એક વિદ્યાર્થીને તેના શિક્ષક દ્વારા લાફો મારવામાં આવ્‍યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. આ ઘટના બાદ શાળા સંચાલકોએ કોઈ નક્કર પગલાં ન ભરતા વિદ્યાર્થીના પિતાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.

સુરેન્‍દ્રનગરના વતની વિજયસિંહ કનુભા પલાણીયાએ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને ઉદ્દેશીને આપેલી લેખિત અરજીમાં જણાવ્‍યું છે કે, તેમનો ૧૦ વર્ષનો પુત્ર રૂદ્રવિરસિંહ વિજયસિંહ પલાણીયા રાજકુમાર કોલેજમાં ધોરણ ૭માં અભ્‍યાસ કરે છે. ગત ૬ ઓગસ્‍ટ, ૨૦૨૫ના રોજ રાત્રે ૯ વાગ્‍યે પ્રપ સ્‍ટડી દરમિયાન ટીચર ચેતન જોશીએ અભ્‍યાસ સંબંધી પ્રશ્ન પૂછયો હતો. જ્‍યારે રૂદ્રવિરસિંહ તેનો જવાબ આપી શકયો નહીં ત્‍યારે શિક્ષક ગુસ્‍સે થઈ ગયા અને તેના ગાલ પર લાફો મારી લીધો હતો.

આ ઘટનાની જાણ રૂદ્રવિરસિંહે એક કલાક બાદ ફોન પર તેના પિતાને કરી હતી. આ બનાવ અંગે વિજયસિંહે તાત્‍કાલિક શાળાના પ્રિન્‍સિપાલ યશ સક્‍સેનાને મેસેજ દ્વારા જાણ કરી હતી. આ મેસેજને પગલે પ્રિન્‍સિપાલે આ બનાવ અંગે જવાબદાર શિક્ષક સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્‍યું હતું.

જો કે બે-ત્રણ દિવસ બાદ જ્‍યારે વાલીએ ફરીથી મેસેજ દ્વારા પૂછપરછ કરી ત્‍યારે પ્રિન્‍સિપાલ ગોળગોળ જવાબ આપીને વાતને ટાળવાની પ્રવળત્તિ કરતા હોય તેવું લાગ્‍ય હતું. વિજયસિંહ પલાણીયાએ અરજીમાં આક્ષેપ કર્યો છે કે પ્રિન્‍સિપાલ તેમના શિક્ષકને છાવરી રહ્યા હોય અને તેમના કહેવાથી જ આ પગલું ભરવામાં આવ્‍યું હોય તેવું તેમના વર્તન પરથી લાગી રહ્યું છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે, સાતમ-આઠમના વેકેશનમાં ઘરે પરત ફરતા પુત્રએ જણાવ્‍યું કે આ ઘટનાને કારણે તે ખુબ જ ઊંડા આઘાતમાં સરી પડ્‍યો છે અને તે ફરીથી શાળાએ જતા ડરનો અનુભવ કરી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં શિક્ષક સામે કોઈ પગલાં ન ભરવાથી બાળકના નાજુક માનસ પર ગંભીર અસર થઈ રહી છે. વાલીએ ‘રાઇટ ટુ એજયુકેશન એક્‍ટ'નો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું છે કે બાળકને માર મારવો ગુનો બને છે.

વાલીએ એ પણ આક્ષેપ કર્યો છે કે આ ઘટનાનો મૂળભૂત ખાર બે-ત્રણ દિવસ પહેલાં થયેલી એક નાની ઘટના પરથી રાખવામાં આવ્‍યો હતો. રૂદ્રવિરસિંહને પગમાં ઈજા થવાને કારણે ડૉક્‍ટરે તેને બૂટ પહેરવાની ના પાડી હતી, જેનું કારણ તેણે શિક્ષકને જણાવ્‍યું હતું. આ વાતનો ખાર રાખીને શિક્ષકે તેને લાફો માર્યો હોવાનું અરજીમાં જણાવાયું છે. વિજયસિંહ પલાણીયાએ પોલીસ સમક્ષ નમ્ર અરજ કરી છે કે રાજકુમાર કોલેજના પ્રિન્‍સિપાલ યશ સક્‍સેના અને ટીચર ચેતન જોશી વિરૂધ્‍ધ લાગુ પડતી ભારતીય ન્‍યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધીને કડક શિક્ષાત્‍મક પગલાં ભરવામાં આવે. (૧૪.૫)

(2:32 PM IST)