News of Friday, 22nd August 2025
મનપાના ઇતિહાસમાં પ્રથમ ઘટનાઃ સેક્રેટરી પદેથી હરીશ રૂપારેલીયા મુકતઃ કમિશનરના હવાલે
અરજન્ટ બીઝનેસ દરખાસ્તને સ્ટેન્ડીંગ કમીટીની લીલીઝંડીઃ દક્ષીણ ઝોનનો હવાલો સોંપાય તેવી ચર્ચા

રાજકોટ તા. રર :.. મનપાના ઇતિહાસમાં સૌપ્રથમવાર સેક્રેટરીને પદ ઉપરથી હટાવી કમિશનરને હવાલો સોંપાવાની ઘટના બની છે. હાલ સેક્રેટરી રૂપારેલીયાને પદ ઉપરથી મુકત કરવાની અરજન્ટ બીઝનેસ દરખાસ્તને આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટીએ મંજૂર કરી છે. તંત્રની લોબીમાં ચર્ચા મુજબ શહેરમાં નવા બનેલ દક્ષિણ ઝોનનો હવાલો હરીશ રૂપારેલીયાને સોંપાવાની શકયતા છે.
મહાનગરપાલિકામાં વર્ષોથી તટસ્થ રીતે ફરજ બજાવતા ડો. એચ.પી. રૂપારેલીયાને સેક્રેટરીપદેની ફરજ મૂકત કરી હવે મ્યુની. કમિશનરના તાબા હેઠળ કામ કરવા માટે મુકવામાં આવ્યા છે. આ કાટાળા પદ ઉપર ફરજ બજાવવી અતિમુશ્કેલ છે.
મહાનગરપાલિકાની સેક્રેટરી પદ મોભાનુ પદ ગણવામાં આવે છે. આ પદ ઉપર વર્ષો પહેલા ડો.એચ.પી.રૂપારેલીયાની નિમણુક કરવામાં આવેલ અને તેમના કાર્યકાળ દરમિયાન અનેક પદાધિકારીઓની નવી બોર્ડી સાથે સંકલન સાધી વહીવટી કાર્યશૈલીનો નમૂનો પ્રસ્તુત કર્યો છે. અને હાલમા પણ આ પદ ઉપર સેવા આપી રહ્યા છે. થોડા સમય પહેલા તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે પદગ્રહણ કરેલ પરંતુ થોડા સમયમા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણથી કંટાળી ફરી વખત મનપાના સેક્રેટરી પદે આરૂઢ થયા હતા.
મનપાના સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાને તેમના પદ ઉપરથી બદલીના નામે દૂર કરવામાં આવ્યા છે અને હવે તેઓ કમિશનર વિભાગમાં મ્યુનિ.કમિશનરના તાબા હેઠળની તમામ પ્રકારની કામગીરી કરશે અને હવે તેમની જગ્યાએ પદાધિકારીઓના કહ્યાગરા અધિકારીની સેક્રેટરી પદે નિમણુક કરવામાં આવશે અને તેનુ નામ પણ કમિશનરને પદાધિકારીઓજ જણાવશે તેમજ ડો.રૂપારેલીયાને નવા દક્ષિણ ઝોનનો હવાલો સોંપવામાં આવે તેવી પણ ચર્ચાએ જોર પકડયુ છે.
(3:33 PM IST)










