તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 25th August 2025
પટેલનગરમાંથી પીસીબીએ પકડેલો ૩૨ બ્રાન્ડનો રૂપિયા ૨૬.૬૮ લાખનો દારૂ હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં આવ્યો'તો
જગ્યા ભાડે રાખી આનંદનગરના અભિષેક ઠાકરે સ્કોચ-વ્હીસ્કીનો માલ ઉતાર્યો હતોઃ તેને ઝડપી લેવા તપાસ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયાની ટીમની કામગીરી મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: શહેરમાં દારૂની રેલમછેલ થાય એ પહેલા પીસીબીની ટીમોએ બે સ્થળે દરોડા પાડી લાખોનો દારૂ પકડી લીધો હતો. જેમાં કોઠારીયા રોડ સુતા હનુમાન નજીક આવેલા પટેલનગર સદ્દભાવના સોસાયટી-૩માં ખોડિયાર ઓટો સર્વિસ સામેના મકાનમાં રહેતાં અભિષેક વિપુલભાઇ ઠાકરે ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઆઇ ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હેડકોન્સ. હરદેવસિંહ રાણાને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે અહિ અભિષેક હાજર નહોતો. પરંતુ ઘરમાં સ્કોચ-વ્હીસ્કીનો રૂા. ૨૬,૬૮,૬૮૦નો ૭૮૦ બોટલ દારૂનો જથ્થો મળતાં કબ્જે કર્યો હતો. અલગ અલગ ૩૨ જેટલી બ્રાન્ડનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફત ખાસ પાર્સલોમાં આવ્યાની પ્રાથમિક વિગતો મળતાં આનંદનગરમાં રહેતાં અભિષેકની શોધખોળ થઇ રહી છે. દોઢ બે વર્ષથી ભાડાની આ જગ્યામાં તે દારૂ ઉતારતો હોવાની શંકાએ તપાસ શરૂ થઇ છે.
જપ્ત થયેલા સ્કોચ વ્હીસ્કીના જથ્થામાં વ્હાઇટ લેબલ, બોટાનીકલ ર્હબલ, જાપાનીઝ સ્મુધ, શીવાસ રીગલ, લંડન ડ્રાઇ જીન, બ્લેન્ડર્સ પ્રાઇડ, જેક ડેનીયલ, એબ્સ્યુલેટ વોડકા, મંકી સોલ૯ર, મહારાણી માનસર, ટ્રીપલવૂડ સ્કોચ, બ્લેક બેરલ આઇરીસ, રેડલેબલ, ટીચર્સ, ધ ગ્લેન વોક, ટોકી સનટોરી, ઓલ સીઝન્સ, ઓફિસર ચોઇસ સહિતની ૩૨ અલગ અલગ બ્રાન્ડનો જથ્થો સામેલ છે. પીસીબીની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ ભાડાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતારતો હતો. આ તમામ જથ્થો હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફત આવ્યાની પ્રાથમિક વિગતો ખુલી છે. અભિષેક ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે.
બીજા એક દરોડામાં પીસીબી મયુરભાઇ પાલરીયા, નગીનભાઇ ડાંગર, હીરેનભાઇ સોલંકીની બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ વાટીકા-૧ સામે પટમાંથી આશિષ દિનેશભાઇ સૈજા (ઉ.વ.૨૭-રહે. ગોવર્ધન ચોક પાસે, માવધ વાટીકા-૧)ને રૂા. ૬૦૧૫૬ના ૨૨૮ નંગ ૧૮૦ એમએલના ચપલા-દારૂ સાથે પકડી લેવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(2:14 PM IST)










