<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

વારંવાર દેહ પીંખ્‍યા પછી મોઇન ધાનાણીએ કહી દીધું હવે લગ્ન નથી કરવાઃ યુવતિએ ફિનાઇલ પીધું

સાથે ભણતા ત્‍યારે પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરીશ કહી અલગ અલગ હોટેલોમાં લઇ ગયો માલવીયાનગર પોલીસે જંગલેશ્વરના શખ્‍સ સામે દૂષ્‍કર્મનો ગુનો નોંધી ઝડપી લીધો

રાજકોટ તા. ૨૫: શહેરમાં દૂષ્‍કર્મનો વધુ એક ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં એક યુવતિ સાથે જંગલેશ્વર મહેશ્વરી મેઇન રોડ ભવાની ચોકમાં રહેતાં મોઇન ઇમ્‍તિયાઝ ધાનાણી નામના ૨૨ વર્ષના શખ્‍સે લગ્નની લાલચ દઇ તેણીને ફસાવી શરીર સંબંધો બાંધી લીધા બાદ હવે તારે જે કરવું હોય તે કર, મારે તારી સાથે લગ્ન નથી કરવા તેમ કહી દેતાં આઘાતમાં ગરક થઇ ગયેલી યુવતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં માલવીયાનગર પોલીસે દૂષ્‍કર્મનો ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ  એક યુવતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. માલવીયાનગર પોલીસે તપાસ કરતાં આ યુવતિએ પોતાની સાથે લગ્નના નામે છતેરપીડી થયાનું અને દૂષ્‍કર્મ ગુજારાયાનું કહેતાં માલવીયાનગર પોલીસે તેણીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી મોઇન ઇમ્‍તીયાઝ ધાનાણીની ધરપકડ કરી લીધી છે. યુવતિએ જણાવ્‍યું હતું કે હાલ તે નોકરી કરે છે અને અગાઉ ૨૦૨૨માં કોલેજમાં ભણતી હતી ત્‍યારે સાથે અભ્‍યાસ કરતાં મોઇન સાથે પરીચય થતાં બંને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ૨૦૨૫ સુધી બંનેએ સાથે અભ્‍યાસ કર્યો હતો. આ દરમિયાન બંને અવાર-નવાર સાથે ફરવા જતાં હતા.

આ દરમિયાન એક દિવસ મોઇને કહ્યું કે તું મને બહુ તે બહુ જ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ. ત્‍યાર પછી ૨૦૨૪ની સાલમાં નોકરી કરતી હતી ત્‍યાં આવી આરોપી તેને ટ્રુ વ્‍હીલર પર બેસાડી કુવાડવા રોડ પર આવેલી હોટલમાં લઈ ગયો હતો. જયાં શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્‍કાર કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવાના જ છે, તું મારી પર વિશ્વાસ રાખ. આ પછી તેની સાથે શરીર સંબંધ બાંધ્‍યો હતો. આ પછી તેને અવાર-નવાર બસ સ્‍ટેન્‍ડ પાછળ આવેલી જુદી જુદી હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધતો હતો. છેલ્લે ગઈ તા.૧૪ જુલાઈના રોજ હોટલમાં શરીર સંબંધ બાંધ્‍યો હતો. ત્‍યાર બાદ આરોપીને લગ્ન કરવાનું કહેતાં તેનો મોબાઈલ નંબર બ્‍લોકમાં નાખી દીધો હતો. જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. ગઈ તા.૨૦ના રોજ આરોપી તેને વિરાણી ચોકમાં મળ્‍યો હતો. તે વખતે કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા નથી, મને તારી સાથે કોઈપ્રેમસંબંધ ન હતો. આ રીતે લગ્નનો ઈન્‍કાર કરી થાય તે કરી લેવાની ધમકી આપી જતો રહ્યો હતો. આખરે આ વાત તેણે માતાને કરી ફિનાઈલ પી લીધું હતું. સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ અને રાઇટર મનુભાઇ  વાળા, અમરદિપસિંહ જાડેજાએ આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(3:31 PM IST)