તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 25th August 2025
ડિજીટલ એરેસ્ટ કરી ૮૮.૫૦ લાખ પડાવવાના ગુનામાં ભાવનગરના બ્રિજેશ, મોહસીન, સોયબની ધરપકડ
ત્રણેય સામે અલગ અલગ રાજ્યોમાં ૧૨ જેટલા ગુનાઃ ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવવા એકાઉન્ટ ભાડે આપ્યા હતાં એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ એમ. જે. કૈલા, પીઆઇ એસ. ડી. ગીલવાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૫: શહેરની કોર્ટના નિવૃત આસી. ક્લાર્ક અને તેમના પત્નિને સતત ૪૫ દિવસ સુધી ડિજીટલ એરેસ્ટ કરી ડરાવી ધમકાવી અધધધ ૮૮ લાખ ૫૦ હજાર પડાવી લેવાના ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગરથી ત્રણ શખ્સોને દબોચી લીધા છે.
લાખોના ફ્રોડનો ગુનો નોંધાતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી ક્રાઇમ સી. એમ. પટેલ, પીઆઇ જે. એમ. કૈલા અને ટીમે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં ભાવનગર સુભાષનગર બાલા હનુમાન પાછળ બાપા સિતારામ પાર્ક-૧માં રહેતાં બ્રિજેશ પરેશભાઇ પટેલ (ઉ.વ.૩૬), ભાવનગર જોગીવાડની ટાંકી માવત વાળા ખાંચામાં રહેતાં મોહસીન સલીમભાઇ શેખ (ઉ.વ.૩૩) તથા ભાવનગર પ્રભુદાસ તળાવ, શીશુવિહાર સર્કલ, અલ રહેમત ફલેટ બ્લોક નં. જી-૨માં રહેતાં મહમ્મદ સોયબ અસલમભાઇ હલારી (ઉ.વ.૩૦)ને પકડી લીધા છે
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ બ્રિજેશ પરેશભાઇ પટેલે આઇડીબીઆઇ બેંકમાં પોતાનું કરન્ટ ખાતુ ખોલાવી તેમાં મોહસીન અને મહમ્મદસોયબને જોડી ફ્રોડના પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ શખ્સો વિરૂધ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ ૧૨ જેટલી ફરિયાદો દાખલ થઇ છે. ઝડપાયેલા ત્રણેયની વધુ પુછતાછ થઇ રહી છે. પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એસ. ડી. ગીલવા, એએસઆઇ જે. એમ. બોસીયા, હેડકોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, કોન્સ. સાગરભાઇ સાગઠીયા, ધર્મેશભાઇ પટેલે આ કામગીરી કરી હતી.
(3:53 PM IST)










