News of Tuesday, 26th August 2025
લોધિકામાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવામાં પડેલા વ્યક્તિનું રેસ્કયુ
તંત્રની સમય-સૂચકતાથી યુવાનને બહાર કાઢી જીવ બચાવાયોઃ ફાયર, હેલ્થ અને વહીવટી તંત્રની મોકડ્રિલ

રાજકોટ, તા. ૨૬: હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લા તેમજ તાલુકા ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં રહી કોઈ જાનહાઈ ન થાય તે માટે સજજ છે. તેવામાં લોધિકા તાલુકા કંટ્રોલ રૂમમાં ફરિયાદ આવી કે, લોધિકા ગામથી સાંગણવા જવાના રસ્તે આવેલ જસમતભાઈના ખેતરના કુવામાં એક વ્યક્તિ પડી ગયેલ છે.
આ મેસેજ મળતાં જ ઘટનાની જાણ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં કરવાંમાં આવી. તેમજ ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તાલુકા હેલ્થ ઓફિસરને બનાવના સ્થળે જરૂરી વ્યવસ્થા સાથે તાત્કાલિક પહોચવા માટે જાણ કરવામાં આવી.
બનાવના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને તરત જ કુવામાં પડેલા વ્યક્તિને બચાવવા માટે જવાનો પાણીમાં જીવન રક્ષક ટયુબ સાથે કુદી પડયા હતા. તરવૈયાઓએ કૂવામાં પડેલ વ્યક્તિનું સફળ રેસ્કયુ કરી તેને કૂવામાંથી બહાર કાઢયો હતો. કુવામાં ડૂબતા યુવકને પ્રાથમિક સારવારની જરૂર હોઇ ઘટના સ્થળે ઉપસ્થિત એમ્બ્યુલન્સમાં ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, વધુ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર, લોધિકા ખાતે ખસેડવામાં આવ્યો હતો.
યુવકના સફળ રેસ્કયુ અને આરોગ્ય સારવારની પ્રક્રિયા બાદ મામલતદાર લોધિકાએ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું
(11:44 AM IST)










