News of Wednesday, 27th August 2025
મંગલમૂર્તિનું માનભેર સ્થાપન : ગણેશોત્સવનો મંગલારંભ
‘‘વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નં કુરૂ મે દેવ સર્વકાર્યેષૂ સર્વદા'' ઢોલ, બેન્ડની સુરાવલીઓ અને ફટાકડાની આતશબાજી સાથે દાદાના વાજતેગાજતે સામૈયા : સવાર સાંજ આરતીની ઝાલરો રણઝણશે : ઉત્સવી માહોલ

ગણપતિદાદાનું ભાવભેર સ્થાપન : આજે ભાદરવી ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા રાજકોટમાં ઠેરઠેર દાદાની મુર્તિનું સ્થાપન થયુ છે. શુભ મુહુર્તમાં ઢોલ અને બેન્ડની સુરાવલીઓ ગુંજી ઉઠી હતી. ગણપતિદાદાના જયજયકાર સાથે મુર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા. અબીલ ગુલાલની છોળો ઉડાડી ભાવિકો ભાવમય બન્યા હતા. શહેરમાં ત્રિકોણબાગ, રેસકોર્ષ, ડો. યાજ્ઞીકરોડ, જે. કે. ચોક સહીતના વિસ્તારોમાં ગણેશદાદાની મોહક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૭ : કોઇ પણ શુભ કાર્યોમાં જેમની પ્રથમ પૂજા કરવામાં આવે છે એવા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી મહારાજના મહોત્સવનો આજે ભાદરવી ચોથથી ઉમંગભેર પ્રારંભ થયો છે. શુભ મુહુર્તમાં દાદાની મૂર્તિના ઢોલ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે સ્વાગત સામૈયા કરાયા હતા. ઘરે ઘરે અને ચોકે ચોકે બાપા માનભેર બીરાજમાન થયા છે.
આજથી દસ દિવસ સુધી દરરોજ સવાર સાંજ આરતી પુજન થશે અને અગિયારમાં દિવસે વિસર્જન યાત્રા સાથે ગણેશ મહોત્સવનું સમાપન થશે. ઘરે ઘરે પણ પધરામણી કરવામાં આવે છે. તેમાં એક, ત્રણ કે પાંચ દિવસનું સ્થાપન કરાતુ હોય છે.
મોં માં પાણી લાવી દયે તેવા મોદકની પ્રસાદી ગણેશજીને ધરાવી ભાવિકોમાં વિતરણ કરવામાં આવે છે. જયાં જયાં સ્થાપન કરાયુ છે ત્યાં દરરોજ સાંજે સાંસ્કૃતિક, દેશભક્તિ અને ધર્મમય કાર્યક્રમો થશે.
રાજકોટમાં ઠેરઠેર યોજાયેલ ગણેશ મહોત્સવની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
મહારાષ્ટ્ર યુવક મંડળ
મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા સોની બજાર, કોઠારીયા નાકા ચોક ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરાયુ છે. દરરોજ સવારે અને રાત્રે ૮ વાયે શ્રીજીની આરતી કરાશે. રવિવારે અભ્યાસ કરતા મરાઠી સમાજના બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. તે દિવસે સાંજે સત્યનારાયણની પૂજા પણ રાખેલ છે. કાર્યક્રમોને સફળ બનાવવા પ્રકાશ રૂપનર, મુકેશ સંકપાલુ, મયુર દેવકર, રાજુ ધાણે, મનોજ કદમ, સોહનભાઇ, સિધ્ધાર્થભાઇ, વિજય માને, સીચન રૂપનર, અમોલ માને, જનાર્દન સાળુંકે, રાજુ જાદવ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
કોઠારીયા કોલોની
ગજાનન સેવા ગ્રુપ કોઠારીયા કોલોની દ્વારા કોઠારીયા કોલોનીકા મહારાજાનું ૭/૩ માસ્તર સોસાયટી, કોઠારીયા કોલોની ખાતે સ્થાપન કરાયુ છે. દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી થશે. મહાપ્રસાદ વિતરણ થશે. દરરોજ વિવિધ કાર્યક્રમો થશે. જેમાં તા.૨૮ના ગુરૂવારે ગણેશ વંદના, તા. ૨૯ના શુક્રવારે ગેમશો, તા. ૩૦ના શનિવારે હનુમાનચાલીસા પાઠ, તા.૩૧ ના રવિવારે રાધાષ્ટમીના રાસ ગરબા, તા.૧ના સોમવારે બાળકોની વેશભુષા, તા. ૨ના મંગળવારે ૧૦૮ દીપદાન દીપમાળા, ધુન ભજન, તા. ૩ના જલજીલણી એકાદશીએ કાનુડાને જલાભિષેક, તા.૪ના ગુરૂવારે સંકટષાોત પાઠ, તા. ૫ના શુક્રવારે અન્નકોટ દર્શન, તા. ૬ના શનિવારે ગણેશયજ્ઞ યોજાશે. ધર્મપ્રેમીજનોએ દર્શન આરતીનો લાભ લેવા ગજાનન સેવા સંસ્થાના કિરણબેન વડગામા, સત્યદીપસિંહ જાડેજા, રાજુભાઇ વડગામા, રાજદીપસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, મુકેશભાઇ પરમાર, નિમેષભાઇ પરમાર, પ્રતિકભાઇ જાલેરા, દાઉદભાઇ, હેતલબેન વડગામા, ગીરીશભાઇ વ્યાસ, દીપસિંહ પરમાર, અમિતભાઇ, પારસભાઇ, શોભાબા જાડેજા, રેખાબેન ટાંક, ઉર્વશી વૈષ્ણવી તથા મહીલા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.
હિન્દુ સોશિયલ ગ્રુપ જંકશન
હિન્દુ સોશિયલ ગ્રુપ તેમજ શ્રી સિધ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તા. ૨૭ થી ગજાનન મહારાજના મહોત્સવનો પ્રારંભ થશે. ‘જગના દાદા જંકશનના મહારાજ'ની ૧૫/૩ જંકશન પ્લોટ ખાતે સ્થાપના કરાશે. તા. ૬ના સવારે ૧૧ વાગ્યે વિસર્જનયાત્રા યોજવામાં આવશે. ધર્મપ્રેમીજનોએ ગણેશમહોત્સવમાં દર્શનનો લાભ લેવા રાજેશભાઇ મહેતા અને શૈલેષભાઇ આહ્યાની યાદીમાં જણાવાયુ છે.
(2:58 PM IST)










