News of Wednesday, 27th August 2025
૮ મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટના નિર્ણયનો વિરોધ ઉઠવાનું શરૂ
પહેલા સ્પીડ લીમીટનું પોલીસ પાસે ચુસ્તપણે પાલન કરાવોઃ સીટી એરીયામાં હેલ્મેટ જરૂરી નથીઃ એડવોકેટ અશ્વિન મહાલીયાઃ આમ આદમી પાર્ટી લીગલ સેલ દ્વારા પણ સોશ્યલ મીડીયામાં વિરોધઃ ભાજપ લીગલ સેલ વિરોધ ઉઠાવે તેવી વકીલોમાં વ્યાપક ચર્ચાઃ ધીમે ધીમે ફરજીયાત હેલ્મેટના વિરોધનો સુર ઉઠવા લાગ્યો

રાજકોટઃ તા.ર૭, આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટની તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા થઇ રહી છે ત્યારે વકીલોને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવા જીલ્લા કાનુની મંડળ હસ્તક થઇ રહી છે. ત્યારે ફરજીયાત હેલ્મેટના મુદ્દે વકીલોમાં ધીમેધીમે વિરોધનો સુર ઉભો થઇ રહયો છે. આ મુદ્દે ભાજપ લીગલ સેલ વકીલોનું મોટું સંગઠન હોય સોશ્યલ મીડીયા અને વકીલોના ગ્રુપમાં પણ ભાજપ લીગલ સેલ મૌન તોડીને ફરજીયાત હેલ્મેટનો વિરોધ કરવો જોઇએ તેવી વકીલોમાં માંગણી ઉઠી રહી છે. રાજકોટના યુવા એડવોકેટ અશ્વિન મહાલીયાએ એક અખબારી યાદીમાં ફરજીયાત હેલ્મેનો વિરોધ કરી સીટી એરીયાને હેલ્મેટમાંથી બાકાત રાખવા જણાવ્યું છે.
એડવોકેટ અશ્વિન મહાલીયા એ જણાવેલ કે, ગઈ કાલ રાજકોટ કોર્ટ કેમ્પસ માં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને રાજકોટ શહેર પોલિસ પોલીસ કમિશ્નર કચેરી, રાજકોટ દ્વારા વકીલો ને હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી દ્વારા પ્રવચન આપવામાં આવેલ કે ‘‘અમે જ્યારે લોકોને ચેકીંગ દરમિયાન હેલ્મેટ વગર રોકીએ છીએ ત્યારે ઘણાં લોકો એવી દલીલ કરે છે કે અમે તો ધીમી સ્પીડે અને શાંતિથી વાહન ચલાવીએ છીએ, અમારે હેલ્મેટની જરૂર નથી કે અમારા જીવને જોખમ નથી તો અમે પોલીસ અધિકારીઓ કહીએ છીએ કે તમે શાંતિ થી અને ધીમી સ્પીડે વાહન ચલાવતાં હશો પણ જે લોકો ફુલ સ્પીડે અને બેફિકરાઈ અને બેદરકારીથી વાહન ચલાવે છે તેઓ તમારી સાથે અકસ્માત કરે તો તમારા જીવને જોખમ છે એટલે ફરજિયાત હેલ્મેટ પહેરો. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી ની આ વાત અજુગતી અને તર્ક વિહિન લાગી એટલે કે જાહેર રોડ ઉપર ફક્ત વાહન ચાલકો જ રોડનો ઉપયોગ કરતાં નથી દેશ અને રાજ્યોના હજારો લોકો રોડનો ઉપયોગ કરે છે તો શુ આવા બેફિકર, બેદરકાર અને બીજાંનાં જીવને જોખમમાં મુકનાર લોકો ઉપર અંકુશ લગાવવાને બદલે આવાં વાહન ચાલકોથી બચાવવા સમગ દેશ અને રાજ્યની પ્રજાને ફરજિયાત હેલ્મેટનાં ભારરૂપ બોજાથી દબાવવાનાં? શું આવાં વાહન ચાલકોથી બચવા માટે રોડ ઉપર પગપાળા ચાલતાં લોકોને પણ ભવિષ્યમાં હેલ્મેટ પહેરવા પડશે.?
ખરેખર જો સરકાર અને પોલીસ લોકો ને અકસ્માત નાં જોખમો થી નિવારવા માંગતી હોય તો મોટર વ્હિકલ એક્ટ ની હેલ્મેટ અને સીટ બેલ્ટ સિવાય ની બીજી જોગવાઈઓનો ચુસ્ત અમલ કરાવવો જોઈએ, શહેરમાં સ્પીડ લિમિટ નું ચુસ્ત પણે પાલન કરાવવું જોઈએ, બેફિકરાઈ અને બેદરકારી અને બીજા લોકો ની સલામતી જોખમાઈ તે રીતે વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ને તેમની ઉપર લગામ કસવી જોઈએ.આ બધું કરવાને બદલે પોતાની કામગીરી અને જવાબદારીમાંથી છટકવા માટે સરકાર અને પોલીસ પ્રજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે, જે પ્રજા માટે ખુબ જ અન્યાયી અને હેરાન પરેશાન કરનારો અને તર્ક વગરનો નિર્ણય છે. હાલમાં આપણા ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર અને શાસન કાર્યરત છે. તેમજ વકીલોનું મોટું સંગઠન ભાજપ લીગલ સેલ કાર્યરત છે.
રાજકોટ શહેરમાં ૮ સપ્ટેમ્બરથી ટુ વ્હીલરમાં વાહન ચાલક તેમજ પાછળ બેસેલ રાઈડર માટે હેલ્મેટ ફરજીયાત માટે સરકાર તેમજ પોલીસ અમલવારી કરવા માટે તલપાપડ થઇ રહી છે.
આ પરિસ્થિતિમાં ભાજ્પ લીગલ સેલ - રાજકોટ દ્વારા સરકારશ્રી ને હેલમેટ રાજકોટ શહેરની અંદર ફરજીયાત ન કરવા અંગે વકીલો તેમજ પ્રજાલક્ષી વહેલી તકે ગુજરાત રાજ્યની ભાજપ સરકારશ્રી ને સફળ રજૂઆત કરવી જોઈએ અને નક્કર પરિણામ લાવવું જોઈએ.
તેમજ માત્ર ને માત્ર ચૂંટણી કે પેપર પબ્લીસીટી માટે તેમની કામગીરી સીમિત ન કરવી જોઈએ. અને સરકારશ્રી માં તેમની રજુઆતના સંદર્ભે યોગ્ય કાર્યવાહીઓ હાથ ધરવી જોઈએ. તેમ આમ આદમી પાર્ટી લીગલ સેલ દ્વારા માંગણી ઉઠી છે. આ ઉપરાંત ૮ મી સપ્ટેમ્બર નજીક આવે તે પહેલા જ વકીલો અને કોંગ્રેસ- આમઆદમી પાર્ટી તેમજ ભાજપ લીગલ સેલ દ્વારા વિરોધના આંદોલનમાં જોડાઇ તેવી વ્યાપક માંગણીઓ ઉઠવા પામી છે. તે જોતા આગામી દિવસોમાં આ આંદોલન જોર પકડશે તેવું લાગી રહયું છે. (૩પ-૧૭)
(3:32 PM IST)










