તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 28th August 2025
કુવાડવામાં સેન્ટ્રીંગના ડેલામાંથી રોકડ, બોલેરોની ચોરી દિક્ષીતભાઇના પુર્વ ભાગીયાએ કરી હતી!
હિસાબના મનદુઃખમાં બારવણના ભૂપતે મિત્ર હરેશ સાથે મળી હાથફેરો કર્યો હતોઃ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યોઃ કૃષ્ણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ અને મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૮: કુવાડવામાં આવેલા સેન્ટ્રીંગના ડેલામાંથી ઓફિસના તાળા તોડી રોકડ અને ત્યાં પાર્ક કરાયેલી બોલેરો ગાડી ચોરી જવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી તરઘડીયા, બારવણના બે શખ્સોને પકડી લીધા છે. જેમાં એક શખ્સ ફરિયાદીનો જુનો ભાગીયો હોવાનું ખુલ્યું છે. જુના હિસાબ મામલે મનદુઃખ થયું હોઇ આ કારણે આ શખ્સે મિત્રની મદદથી ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
કુવાડવા પોલીસમાં ચોરીનો ગુનો દાખલ કુવાડવામાં શિવધારા સોસાયટીમાં કુંટુંબ પરિવારની માલિકીની જગ્યામાં શીવધારા સેન્ટ્રીંગ નામે ડેલો ચલાવતાં રાજકોટના દિક્ષીતભાઇ કિશોરભાઇ ઢોલરીયાએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડેલામાં આવેલી ઓફિસના તાળા તોડી રોકડા રૂા. ૧,૩૫,૦૦૦ તથા ડેલામાં પાર્ક કરેલી ં જીજે૦૩બીવી-૪૬૧૩ નંબરની એક બોલેરો મેક્સી રૂા.૩,૪૦,૦૦૦ની મળી કુલ ૪,૭૫,૦૦૦ની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઇ હતી.
આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચના કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ઉકેલી રાજકોટના બારવણ ગામના વતની અને હાલ તરઘડીયા ગામની સીમ ક્રિષ્ના વોટર પાર્ક પાસેની વાડીમાં રહેતાં ભૂપત વેલજીભાઇ મકવાણા (ઉ.વ.૨૮) તથા તેના મિત્ર બારવણના હરેશ લાલજીભાઇ ચુડા (ઉ.વ.૩૦)ને પકડી લઇ બોલેરો ગાડી કબ્જે કરી છે. તપાસમાં ખુલ્યું હતું કે અગાઉ ફરિયાદીની વાડી આરોપી ભૂપત ભાગીયા તરીકે વાવતો હતો. હાલ તે બીજાની વાડી રાખે છે. અગાઉના હિસાબ મામલે મનદુઃખ હોઇ તેના કારણે ચોરી કરી હોવાનું રટણ કર્યુ હતું. કુવાડવા પોલીસ વધુ તપાસ કરશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, હેડકોનસ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, કોન્સ. મહાવીરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા, સંજયભાઇ અલગોતર, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.
(2:42 PM IST)










