News of Thursday, 28th August 2025
શહેરના સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનને ગરમી-વરસાદથી કેમ બચાવવા? વર્કશોપ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT), ઈકલી (ICLEI) તથા એસ.એસ.એન (SSN)ના સહયોગથી આયોજન

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT), ઈકલી (ICLEI) તથા એસ.એસ.એન (SSN)ના સહયોગથી શહેરના સ્ટ્રીટ વેન્ડીંગ/હોકર્સ ઝોનને ક્લાઈમેટ રેઝિલિયન્ટ, મહિલાલક્ષી તથા સર્વસમાવેશી બનાવવા માટે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપનો શુભારંભ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં શહેરના હયાત તથા નવા સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનમાં ગરમી અને અતિવળષ્ટિ જેવી આબોહવાની પરિસ્થિતિ સામે સુરક્ષા આપવા માટે ઝોનની ડિઝાઇન, છતની સુવિધા, પીવાનું પાણી, મહિલા વેન્ડર્સની સુરક્ષા, જાહેર વોશરૂમ, ટ્રાફિક વ્યવસ્થા, કચરા વ્યવસ્થાપન તથા સર્વાંગી સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સરકારના સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન અધિનિયમ-૨૦૧૪ મુજબ દેશભરના શહેરોમાં આવા ઝોન રચવામાં આવે છે, પરંતુ તે ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને મહિલાલક્ષી ધોરણોને ધ્યાનમાં રાખીને બનાવવાની તાતી જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આ અહેવાલ રાજકોટ શહેર માટે જ નહીં પરંતુ રાજ્ય અને દેશના અન્ય શહેરોમાં પણ માર્ગદર્શક સાબિત થશે.
મેયરે જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સંસ્થાઓએ આ પ્રયત્નને માત્ર પ્રોજેક્ટ પૂરતું નહીં, પરંતુ સરકારના સહયોગથી લાંબા ગાળાના કામમાં રૂપાંતરિત કરવાનું છે.
આ વર્કશોપમાં મેયર નયનાબેન પેઢડીયા તથા ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મ્યુનિસિપલ કમિશ્રરશ્રી ચેતન નંદાણી પણ હાજર રહી સમગ્ર ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મહિલા હાઉસિંગ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર નીતિન મેકવાન તથા ઈકલીના પ્રતિનિધિ ધ્યેયભાઈએ અહેવાલની મુખ્ય બાબતો રજૂ કરી હતી. આ વર્કશોપમાં રાજકોટ મહાનગર પાલિકાના સિટી એન્જી.ઓ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૪.૧૧)
(3:27 PM IST)










