તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 30th August 2025
કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાં ટોળકીની પોતાના જ સગાના બે મકાનમાં તોડફોડઃ પાળતુ કુતરીને પતાવી દીધી!
ક્યાં છે સંજય આજે તો મારી જ નાખવો છે...કહી પહેલા સંજયના ઘરે તોડફોડ કરી પછી નજીકમાં રહેતાં તેના મામાના દિકરા અમિતના ઘરે પણ તોડફોડ કરી ફળીયામાં બેઠેલી પાળતુ કુતરી ટીનુ ઉપર પણ ખાર ઉતાર્યો : જયશ્રીબેન ચોૈહાણની ફરિયાદ પરથી તેના સગામાં થતાં અનિલ સંઘાણી, અક્ષય સંઘાણી, હિતેષ ઉર્ફ ઘઉં, સંજય ઉર્ફ માઇકલ, અજય સોલંકી અને સુરેશ સંઘાણી વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો : અનિલ સહિતે જયશ્રીબેનના ભાઇ સંજય સાથે જુનુ મનદુઃખ હોઇ અને સંજય તેના મામાના દિકરા અમિત સાથે ફરતો હોઇ બેંનેના ઘરે ટોળકીએ ધમાલ મચાવી

તસ્વીરમાં પાળતુ શ્વાન ટીનું નિષ્પ્રાણ દેહ અને બંને ઘરમાં તોડફોડ થઇ તે દ્રશ્યો જોઇ શકાય છે
રાજકોટ તા. ૩૦: કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાં રહેતાં છ શખ્સોએ પોતાને આ વિસ્તારના પોતાના જ સગા એવા યુવાન સાથે જુનુ મનદુઃખ ચાલતું હોઇ આ યુવાનના ઘરે જઇ ક્યાં છે સંજય? આજે તો મારી જ નાખવો છે કહી દેકારો મચાવી ઘરના બારી દરવાજામાં ધોકાથી તોડફોડ કરી હતી. બાદમાં નજીકમાં રહેતાં સંજયના મામાના દિકરા અમિતના ઘરે જઇ ક્યાં છે અમિત? એ સંજય સાથે ફરે છે એટલે એને પણ મારી નાંખવો છે કહી આ મકાનમાં પણ તોડફોડ કરી હતી અને આ પરિવારની પાળતું કુતરી ટીનુને ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર સાથે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ રેલ્વે સ્ટેશન પાછળ નારાયણનગરમાં રહેતાં જયશ્રીબેન બચુભાઇ ચોૈહાણ-કોળી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અનિલ સંઘાણી, અક્ષય સંઘાણી, હિતેષ ઉર્ફ ઘઉં મકવાણા, સંજય ઉર્ફ માઇકલ, અજય સોલંકી અને સુરેશ સંઘાણી વિરૂધ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ઘરકામ કરી ઘરમાં મદદરૂપ થાવ છુ. ગત ગઈ તારીખ.૨૫/૦૮/૨૦૨૫ના રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ હું તથા મારા માતા મુક્તાબેન તથા મારા મોટા બહેન રંજનબેન અમારા ઘરે હતા ત્યારે અમારી આગળની શેરીમાં રહેતા અમારા અમારા દુરના સગા અનીલ સંઘાણી તથા તેનો ભાઈ અક્ષય સંઘાણી તથા હિતેશ ઉર્ફે ઘંઉ મકવાણા તથા અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરની બહાર શેરીમા આવી ‘સંજય કયાં છે આજે તો તેને મારી નાખવો છે‘... તેમ કહી ગાળો બોલતા હોઇ જેથી અમો બહાર ગયેલ અને તેઓને ‘સંજય અમારી સાથે રહેતો નથી તે તેના ઘરે હશે' તેમ કહેતા આ લોકો ઉશ્કેરાઇ ગયેલ અને અમને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતાં.
આ ચારેયના હાથમા લાકડાના ધોકા હતા જેનાથી તેઓ અમારા ઘરના દરવાજા પર તથા બારી પર આડેધડ ઘા ફટકારી તોડફોડ ચાલુ કરી હતી અને થોડીવાર પછી સુરેશ સંઘાણી તથા અજય સોલંકી પણ ત્યાં આવી ગયેલ અને તેઓ પણ મને કહેવા લાગેલ કે ‘તારો ભાઈ સંજય કયાં છે આજે તો તેને મારી જ નાખવો છે' તેમ કહી ગાળો બોલવા લાગેલ. જેથી અમો અમારા ઘરની અંદર જઈ દરવાજો બંધ કરી દીધેલ . આ પછી પણ આ લોકો બહાર જોર જોરથી ગાળો બોલી ઘરના દરવાજા તથા બારીઓ પર લાકડીઓના ધોકા મારી તોડફોડ કરતાં હતાં અને બાદમાં જતાં રહ્યા હતાં.
થોડીવાર પછી મારા મામાના દિકરા અમીતભાઈના પત્નિ હેમાંશીબેન અમારા ઘરે આવેલ અને અમોને કહેલ કે અનીલ સંઘાણી, તેનો ભાઈ અક્ષય, હિતેશ ઉર્ફે ઘંઉ તથા અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરે પણ આવ્યા હતા અને કહેલ કે ‘તારો ઘરવાળો અમીત કયાં છે તે સંજય સાથે ફરે છે તેને પણ મારવો છે' તેમ કહી ગાળો બોલી અમારા ફળીયામા રહેલ અમારી પાળતું કુતરી (ટીનુ)ને લાકડાના ધોકા વડે મારવા લાગતાં જેથી હું ડરી જતા ભાગીને અહી આવતી રહી છું. આ પછી અમે હેમાંશીબેનના ઘરે જઈ જોતા ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખેલ હતી અને કુતરી (ટીનુ) મરી ગયેલ હતી જેથી અમો ખુબ જ ડરી ગયેલ હતા અને આ કુતરી (ટીનુ) ની અમોએ અમારી રીતે દફન કરી હતી.
દરમિયાન મારા ભાઈ રવિ ચૌહાણ જે ઉજ્જૈન ગયેલ હોઇ તે તથા મારો બીજો ભાઈ સંજય આવી જતા તેઓને ઘટનાની જાણ કરતાં અમે ફરિયાદ નોંધાવી હતી. જયશ્રીબેને વધુમાં જણાવ્યું હતું કે આ બનાવનું કારણ એ છે કે મારા ભાઈ સંજય સાથે આ લોકોને અગાઉ ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી મારા ઘરે આવી મારા ભાઇ સંજયને કહી ધમકી આપી અમારા ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખી નુકશાન કરી તેમજ અમારા સગા હેમાંશીબેનના ઘરે જઈ તેઓના ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખી નુકશાન કરી તેમજ તેઓની પાળતુ કુતરી (ટીનુ)ને ધોકા વતી માર મારી મારી નાખી હતી. તોડફોડને કારણે બંને મકાનમાં ૨૫ હજારનું નુકસાન થયું છે. આ બનાવ અંગે પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. એ. જ.ે રાણાએ ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. અંગત ડખ્ખામાં હુમલાખોરોએ નિર્દોષ પાળતુ શ્વાનને પતાવી દેતાં વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી.
(3:20 PM IST)










