News of Saturday, 30th August 2025
ડ્રોપઆઉટ દીકરીઓના પુનઃ શાળા પ્રવેશ થકી જીલ્લાના તંત્રે જનસેવાનું મોટુ કાર્ય કર્યુઃ ભાનુબેન
રાજકોટ જીલ્લા પંચાયતની નવી પહેલઃ દિકરી આગળ વધેઃ ફિર સે સ્કુલ ચલો વહાલી દિકરીને નવુ જીવન મળ્યું:સ્ત્રી સશકિત કરણમાં સાચુ પગલુઃ કલેકટર

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ જિલ્લા પંચાયતની ‘નવી દિશા.. દીકરી આગળ વધો' પહેલ અંતર્ગત આજે રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે જિલ્લાની ‘ડ્રોપઆઉટ' ૧૦૫ દીકરીઓનો શાળા-આઈટીઆઈ.માં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો છે.જેમાં ૮૫ દીકરીઓનો ધો.૭થી ૧૨માં પુનઃપ્રવેશ જ્યારે ૨૦ દીકરીઓનું તેમની રૂચી મુજબ, આઈ.ટી.આઈ.માં વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન કરાવાયું છે. જેના પગલે આ દીકરીઓમાં ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં આગળ વધવાની નવી આશાનો સૂર્યોદય થયો છે અને તેમને ‘જીવનમાં આગળ વધવાની નવી દિશા' મળી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના દિશાનિર્દેશ મુજબ,રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ‘ડ્રોપ આઉટ' દીકરીઓના પુનઃ અભ્યાસ માટે ‘નવી પહેલ' અંતર્ગત ‘નવી દિશા... દીકરી આગળ વધો' પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આજે અભ્યાસ છોડી ચૂકેલી દીકરીઓના શાળા પુનઃપ્રવેશનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસમાં પુનઃ પ્રવેશ બદલ મંત્રીશ્રીએ તમામ ૧૦૫ દીકરીઓને તથા જિલ્લાના સમગ્ર તંત્રને આવી ઉત્તમ કામગીરી બદલ રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, દીકરીઓના પોષણ, અભ્યાસ અનેસ્ત્રી સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ થતી કન્યાભ્રૂણ હત્યાના દૂષણનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો' કાર્યક્રમને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું, જેના પગલે રાજ્યમાં દીકરીઓના જન્મદરના વધવા સાથે શિક્ષણદર પણ સુધર્યો છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીએ કહ્યું હતું કે, એક સમય હતો કે દીકરીઓ મોટી થાય પછી ઘરની બહાર ના નીકળી શકતી. મોટી દીકરી પર તો ઘરની જવાબદારી આવી પડતી અને તેમનો અભ્યાસ છૂટી જતો. પરંતુ ‘બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન થકી આજે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને સમાજમાં આગળ વધી રહી છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે કહ્યું હતું કે, આ પહેલથી વ્હાલી દીકરીઓને નવું જીવન મળ્યું છે અનેસ્ત્રી સશક્તિકરણની દિશામાં આ ઉત્તમ અને સાચું પગલું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે સમગ્ર પહેલની રૂપરેખા આપતા કહ્યું હતું કે, સામાજિક, આર્થિક કે અન્ય કારણોસર દીકરીઓ અભ્યાસ છોડી દેતી હોય છે ત્યારે તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવા અનેસ્ત્રી સશક્તિકરણના હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૫થી ડ્રોપઆઉટ દીકરીઓનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. ૧૩૬૦ આંગણવાડીમાં નોંધાયેલી પૂર્ણા કિશોરીઓ પૈકી શાળાએ ના જતી દીકરીઓને શોધવાની કામગીરીમાં આઈ.સી.ડી.એસ. સાથે શિક્ષણવિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો. આ માટે સ્થાનિક લોકો અને જન પ્રતિનિધિઓનો પણ સહયોગ મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનાની સખત મહેનતથી ૮૫ દીકરીઓનો નવા સત્રથી ધો.૭થી ૧૨માં જ્યારે ૨૦ દીકરીઓનો આઈ.ટી.આઈ.માં વ્યવસાયલક્ષી કોર્સમાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. જનકસિંહ ગોહિલે જ્યારે આભારવિધિ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમે કરી હતી.
આ તકે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે દીકરીઓને અભ્યાસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ પહેલ માટે વિશેષ જહેમત લેનારા સરકારી અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા બાળવિકાસ સમિતિ ચેરમેન શ્રીમતી કંચનબેન બગડા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી અલ્પાબેન તોગડીયા, અન્ય સરકારી અધિકારી, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(
(4:12 PM IST)










