<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

વ્‍યાજખોરીઃ સરધારના લોધીડાના ખેડૂત જગાભાઇ ઝાપડીયાએ રણછોડનગરના પ્રકાશ ચાવડા પાસેથી ૩૦ લાખ લઇ ૯૧ લાખ ૬૦ હજાર ચુકવ્‍યા છતાં વધુ ૧ કરોડ ૪૮ લાખની પઠાણી ઉઘરાણીઃ ખેડૂત ઝેર પી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

ખેડૂતે ભાણેજને રાજકોટમાં ઓફિસ કરવી હોઇ તેને આ રકમ લઇ દીધી હતીઃ પણ ભાણેજ ગામ મુકી ગાયબ થઇ જતાં ખેડૂતે પોતે વ્‍યાજ ભર્યુઃ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએઅસાઇ આર. ડી. વાંકે તપાસ હાથ ધરી

રાજકોટઃ વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ સુધી પહોંચ્‍યો છે. જેમાં રાજકોટ તાબેના લોધીડા ગામના ખેડૂતે ભાણેજને ઓફિસ લેવા માટે રણછોડનગરના શખ્‍સ પાસેથી રૂા. ૩૦ લાખ વ્‍યાજે લઇ આપતાં બે ત્રણ મહિના વ્‍યાજ ભર્યા બાદ ભાણેજ ગામ મુકી ગાયબ થઇ જતાં તેની બદલે આ ખેડૂતે અત્‍યાર સુધીમાં ૩૦ લાખ સામે કુલ ૯૧,૬૦,૦૦૦ જેવી રકમ ભરી દીધી હોવા છતાં તેની પાસે વધુ રૂા. ૧,૪૮,૦૦,૦૦૦ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોઇ અને ખેડૂતે ખેતીની જે જમીન પર આ રકમ લીધી હતી તે જમીનનું સાટાખત આ શખ્‍સ પોતાના નામે કરી નાખવાની સતત ધમકી આપતો હોઇ અંતે ખેડુતે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં આજીડેમ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં આજીડેમ પોલીસે રાજકોટના લોધીડા ગામે દૂધ મંડળીની સામે રહેતાં જગાભાઇ વિસાભાઈ ઝાપડીયા-કોળી (ઉ.વ.૪૮) નામના ખેડુતની ફરિયાદ પરથી રાજકોટ રણછોડનગર કડવા ભનુ રોડ શેરી નં. ૧૦ લક્ષ્મી પેલેસ ખાતે રહેતાં પ્રકાશ પ્રભાતભાઇ ચાવડા વિરૂધ્‍ધ મની લેન્‍ડ એક્‍ટ હેઠળ વ્‍યાજખોરી, ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેડુત જગાભાઇ ઝાપડીયાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે ત્રણ દિકરા છે. આજથી દસેક વર્ષ પહેલા સને-૨૦૧૪માં હું રાજકોટ રણુજા મંદીર સામે આવેલ કનૈયા ચોક ખાતે બેસતો અ ને મારી સાથે મારા મામાની દિકરીના દિકરા વિનોદ જસમતભાઇ ચૌહાણ તથા વિરમભાઈ ભગુભાઈ બાબરીયા તથા વિ ક્રમભાઇ ગીડા બેઠા હતા તે દરમ્‍યાન મને આ વિનોદ જસમતભાઇ ચોહાણએ કહેલ કે મામા મારે રાજકોટ ખાતે ઓફીસ ખરીદ કરવી છે જેના માટે રૂા.૩૦,૦૦,૦૦૦ની જરૂરીયાત છે તો તમે તમારી ઓળખાણથી મને કરાવી આપો. જેથી રાજકોટ રણુજા મંદીર પાસે આવેલ કનૈયા ચોક માં મારી સાથે બેસતા મારા મિત્ર વિરમભાઇ ભગુભાઇ બાબરીયાએ મને કહેલ કે, અમારી જ્ઞાતીના પ્રકાશ ચાવડા છે તેને તમે તમારી પાસે કાંઈ કીમતી વસ્‍તુ હોય તે ગીરવે મુકશો એટલે તેઓ તમને પૈસાનું કરાવી આપશે.

આથી તા.૧૮/૦૯/૨૦૧૪ ના રોજ હું તથા મારા પિતા વિસાભાઈ ઝાપડીયા તથા મારા મિત્ર વિરમભાઈ બાબરીયા તથા વિનોદભાઈ ચૌહાણ તથા વિક્રમભાઈ ગીડા એમ બધા પ્રકાશ ચાવડાની રણછોડનગર ખાતે આવેલ રવેચી નામની ઓફીસે ગયેલ અને મારા પિતાશ્રીની માલીકીની જમીનનો  સાટાખતનો કરાર કરેલ અને તે કરારમાં આ જમીનની કિંમત રૂા.૫,૦૦,૦૦૦ ગણી તેની અવેજીમાં રૂા.૩,૦૦,૦૦૦ રોકડા મળેલના કરારમાં મારા પિતાજીએ સહી કરી આપેલ અને આ પ્રકાશ ચાવડાએ રૂ.૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ પુરા) ત્રણ ટકા વ્‍યાજે અમોને આપેલ જે પૈસા ત્‍યાં ઓફીસ ખાતેથી જ મારા ભાણા વિનોદભાઈ ચૌહાણે પ્રકાશભાઇ પાસેથી લીધેલ હતા બાદ આ રૂા.૩૦,૦૦,૦૦૦ નું ત્રણ ટકા લેખે રૂા.૯૦,૦૦૦ વ્‍યાજ પેટે વીનોદભાઇ એ ત્રણ માસ સુધી વ્‍યાજ આપેલ.

 બાદ આ મારો ભાણો વીનોદ ચૌહાણ ફરાર થઇ ગયેલ અને આજદિન સુધી મને મળેલ નથી અને આ ઉપરોકત વ્‍યાજ ન ભરતા મે દર મહીને રૂા.૯૦,૦૦૦ લેખે આશરે બે વર્ષ સુધી આ પ્રકાશને વ્‍યાજ આપેલ બાદ મારાથી વ્‍યાજની સગવડ ન થતા ધમકી ચાલુ થઇ હતી. આથી મેં ખેતીની ઉપજમાંથી ૧૦ લાખ પ્રકાશને આપી દીધા હતાં. એ પછી ફરીથી મને ધમકાવતાં તે વખતે મારા પત્‍નિ ગામમાં સરપંચ હોઇ આબરૂ જવાની બીકે હું ગામ મુકી વીસેક દિવસ ભાવનગર જતો રહ્યો હતો. ત્‍યારબાદ મેં જમીન વેંચી ૬૦ લાખ રોકડા પ્રકાશને આપયા હતાં. આમ છતાં તે જ્‍યાં ભેગો થાય ત્‍યાં ધમકી આપી વ્‍યાજ માંગતો હોઇ અને જમીનનું સાટાખત પોતાના નામે કરી લેવાની ધમકી દેતો હોઇ મેં ગયા મહિને તા. ૪/૭/૨૫ના રોજ સોડીયા ગામે ઝેર પી લેતાં ગોંડલની હોસ્‍પિટલમાં સાત દિવસ સારવાર લીધી હતી. હવે હું સ્‍વસ્‍થ થયો હોઉ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું.

 મેં મારા ભાણેજ વિનોદભાઈ ચૌહાણને ઓફીસ લેવા માટે રૂા. ૩૦,૦૦,૦૦૦ માસીક ૩ ટકા લેખે વ્‍યાજે લીધેલ હોઇ તેની સામે રૂ. ૯૧,૬૦,૦૦૦ ચુકવી આપેલ હાઇ  તેમ છતા પ્રકાશ ચાવડા વધુ રૂ. ૧,૪૮,૦૦,૦૦૦ની માંગણી કરી સતત ધમકાવતો હોઇ અંતે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં જગાભાઇ ઝાપડીયાએ કહેતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. ડી. વાંકે ગુનો નોંધી તપાસ આદરી છે.

(11:42 AM IST)