News of Monday, 1st September 2025
ચંદ્રીકાએ દિકરીને જન્મ આપતાં પતિ, સાસુ, સસરાને ન ગમ્યું: પતિને પ્રેમિકા સાથે રૂમમાં પકડી લેતાં વાળ પકડી મારકુટ-ધમકી
વાવડી ગોૈતમબુધ્ધ નગરની પરિણીતાની ફરિયાદ પરથી પતિ જીતેન્દ્ર ઉર્ફ જીતુ રાઠોડ, સાસુ ભાનુબેન, સસરા રમેશભાઇ, પતિની પ્રેમિકા જયશ્રી અને જયશ્રીના ભાઇ હિતેષ વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧: શહેરના વાવડીમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દિકરીને જન્મ આપતાં પતિ, સાસુ, સસરાને ન ગમતાં ત્રાસ આપવાનું ચાલુ કરી દેતાં અને પતિને બીજીસ્ત્રી સાથે પ્રેમ હોઇ પરિણીતા દવાખાને બતાવવા જતી હોઇ પોતાનો મોબાઇલ, પર્સ ભુલી જતાં તે લેવા પરત ઘરે આવી ત્યારે પતિ અને પ્રેમિકાને એક જ રૂમમા સાથે જોઇ જતાં બંનેના ફોટા પાડતાં મારકુટ કરી ધમકી દીધી હતી. પતિની પ્રેમિકાના ભાઇને આની જાણ કરતાં તેણે પણ ગાળો દઇ ધમકાવતાં પાંચેય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે વાવડી ગોૈતમબુધ્ધનગર-૩ નર્સરીની સામે કરીયાણાની દૂકાન ઉપર રહેતી ચંદ્રીકાબેન જીતેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી પતિ જીતેન્દ્ર ઉર્ફ જીતુ રાઠોડ, સસરા રમેશભાઇ, સાસુ ભાનુબેન, જયશ્રીબેન તથા જયશ્રીબેનના ભાઇ હિતેષ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ચંદ્રિકાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ, સાસરીયા સાથે રહુ છું અને મારે સંતાનમાં એક દિકરી છે. મારા લગ્ન છ વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. દિકરીના જન્મ બાદ સાસુ-સસરા નારાજ રહેતાં હતાં. આ કારણે અવાર-નવાર મેણાટોણા મારતાં હતાં. તે કહેતાં કે તું માવતરેથી કરિયાવર ઓછો લાવી છો. મારા પતિને બીજીસ્ત્રી સાથે પ્રેમસંબંધ હોઇ તેની મને જાણ થઇ જતાં આ બાબતે પુછતાં તેણે ઝઘડો કરી ગાલ પર ઝાપટ મારી લીધી હતી. આથી હું માવતરે જતી રહી હતી. પણ બાદમાં પતિ મને પરત તેડી ગયા હતાં. આ પછી પણ પતિ, સાસરીયા નાની નાની વાતે ઝઘડા કરી હેરાન કરતાં હતાં.
ફરીથી માથાકુટ થતી હોઇ એકાદ વર્ષ પહેલા દિકરીને લઇ માવતરે જતી રહી હતી. ત્યાં નવેક મહિના રહી હતી. બાદ મારા માતા-પિતાને વાત કરી શાપરમાં રહેતી મારી નાની બહેનના ઘર પાસે રૂમ ભાડે રાખી ત્યાં રહેવા માડી હતી. આ પછી મારા નણંદ અને બીજા સગા સંબંધી સમજાવીને અગીયારસનો તહેવાર કરવા ઘરે લઇ ગયા હતાં. જ્યાં મારા પતિન જયશ્રી સાથે પ્રેમસંબંધ હોવાની મને જાણ થતાં આ અંગે પુછતાં તેણે ફરી ઝઘડો કરી મારકુટ કરી લાફો મારી દીધો હતો. સાસુ-સસરાને કહેતાં તેણે ધ્યાન ન દઇ તેના પુત્રનો પક્ષ લીધો હતો.
દરમિયાન તા. ૨૭/૮ના રોજ મારા પેટમાં ગર્ભ હોઇ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. મેં પતિને હોસ્પિટલે બતાવવા સાથે આવવાનું કહેતાં તેણે ના પાડી દેતાં હું સવારે સાડા નવેક વાગ્યે એકલી હોસ્પિટલે જવા નીકળી હતી. મારો મોબાઇલ અને પાકીટ ઘરમાં ભુલી ગઇ હોઇ પરત લેવા જતાં મારા પતિ અને તેની પ્રેમીકા રૂમમાં હોઇ બંનેને જોઇ ગઇ હતી. મેં આ બંનેનોે ફોટો પાડતાં પતિની પ્રેમિકા જયશ્રીએ મારો ફોન લઇ ફોટા કાઢી નાખ્યા હતાં. જેથી મેં શેટી પરથી પતિનો ફોન લઇ તેમાંથી જયશ્રીના ભાઇને ફોન કરી વાત કરી હતી. જેથી તે પણ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. એ પછી પતિ અને જયશ્રીએ મને માર માર્યો હતો અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતાં હું દોડીને નીચે ફળીયામાં જતી રહી હતી. પતિએ પાછળ આવી ફરીથી વાળ પકડીને માર માર્યો હતો.
આ વખતે મારા સાસુ-સસરાએ મને છોડાવી હતી. દુઃખાવો થતાં હું સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં દાખલ થઇ હતી. હું એકલી જ સારવાર માટે દાખલ થઇ હોઇ જેથી ફરિયાદ કરવામં મોડુ થયું હતું. તેમ વધુમાં ચંદ્રીકાબેને કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(2:51 PM IST)










