<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડે નકલી આઇડી બનાવતાં ધોરણ-૧૨ની છાત્રાએ ફિનાઇલ પી લીધું

જુનાગઢ રહી ભણતી રાજકોટના છાત્રાએ ઢુવાના શખ્‍સ વિરૂધ્‍ધ સાયબર ક્રાઇમમાં અરજી પણ કાર્યવાહી નહિ થયાનો તેણીના માતાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: શહેરમાં પરિવાર સાથે રહેતી અને હાલ જુનાગઢ હોસ્‍ટેલમાં રહી ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતી છાત્રાનો ઇન્‍સ્‍ટાગ્રામ મારફત મોરબીના ઢુવાના એક શખ્‍સ સાથે સંપર્ક થયા બાદ બંને વચ્‍ચે ફ્રેન્‍ડશીપ થતાં બાદમાં આ યુવાને આ છાત્રાના નામનું ફેક આઇડી બનાવી નાખતાં તેણીને માઠુ લાગતાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે.હાલ યુનિવર્સિટી રોડ પર રહેતી ૧૭ વર્ષની છાત્રાએ રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આ છાત્રા એક ભાઇથી નાની છે. તેના પિતા હયાત નથી. તેણીના માતાએ વિગતો આપતા કહ્યું હતું કે દિકરી સત્તર વર્ષથી થઇ ગઇ હોઇ અમે તેની સગાઇ જ્ઞાતિના જ યુવાન સાથે કરી નાંખી છે. જો કે હાલ મારી દિકરી જુનાગઢ હોસ્‍ટેલમાં રહી ભણે છે. દરમિયાન અમારા જમાઇને મારી દિકરીના નામે ઇન્‍સ્‍ટાગ્રામ  આઇડી જોવા મળી હતી. આથી તેણે મને જાણ કરતાં હોસ્‍ટેલમાં ફોનનો ઉપયોગ થતો ન હોવા છતાં આઇડી કેમ બન્‍યું? તેની અમે તપાસ કરતાં મોરબીના ઢુવાના શખ્‍સે નકલી આઇડી બનાવ્‍યાનું જાણવા મળ્‍યું હતું. આ શખ્‍સ મારી કિદરીનો ઇન્‍સ્‍ટાગ્રામ પર ફ્રેન્‍ડ હોઇ તેણે મારી દિકરીની જાણ બહાર આવુ ફેક આઇડી ઉભુ કરી લીધું હોઇ જેથી અમે સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦માં ફરિયાદ કરી હતી.

 દિકરી પાસે ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ એવા ઢુવાના શખ્‍સે ખરાબ માંગણી કરતાં તેણીએ ના પાડી દેતાં કદાચ તેણે નકલી આઇડી બનાવી લીધાની શક્‍યતા છે. અમે ફરિયાદ કરી હોવા છતાં નક્કર કાર્યવાહી થઇ ન હોઇ જેથી મારી દિકરીએ ચિંતામાં ફિનાઇલ પી લીધું હતું. તેમ વધુમાં માતાએ જણાવ્‍યું હતું. આક્ષેપોમાં કેટલી સત્‍યતા છે તેની તપાસ પોલીસ કરી રહી છે. (૧૪.૧૧)

(2:57 PM IST)