<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

બેડી યાર્ડના વેપારી સાથે ફ્રોડ કરનારના ૫૮ હજાર બ્‍લોક થઇ જતાં ગાળો-ધમકી ચાલુ કરી

વેપારીના ખાતામાં બે હજાર જ હતાં: આ દરમિયાન તેના ખાતામાં ૪૯૯૯૯ અને ૮૦૦૦ જમા થયાઃ પછી કુલ ૬૦ હજાર ઉપડી જતાં વેપારીએ બેંક મારફત તમામ રકમ બ્‍લોક કરાવી દીધીઃ આથી ઉશ્‍કેરાઇ ગઠીયાએ ગાળો-ધમકી ચાલુ કર્યાઃ પ્ર.નગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: સાયબર ફ્રોડના સતત વધી ગયેલા બનાવો વચ્‍ચે એક કિસ્‍સામાં મોરબી રોડ બેડી યાર્ડમાં પેઢી ધરાવતાં અને રેફયુજી કોલોનીમાં રહેતાં વેપારીના બેંક એકાઉન્‍ટમાં બે વખત મળી ૫૮ હજાર જેવી રકમ જમા થઇ હતી. આ વખતે વેપારીએ પોતાના ખાતાની રકમનું થોડા સમય પહેલા જ ટ્રાન્‍જેક્‍શન કરી નાખ્‍યું હોઇ બે-અઢી હજાર જ તેમના ખાતામાં હતા. થોડીવાર બાદ બેંકમાંથી મેસેજ આવ્‍યો હતો કે તેના ખાતામાંથી ૬૦ હજાર ઉપડયા છે. આથી ખબર પડી હતી કે ૫૮ હજાર જમા કરાવનારે જ ફ્રોડ કરી બાકીના બે હજાર જે વેપારીના હતાં તે પણ ઉપાડી લીધા છે. ફ્રોડ થયાની ખબર પડતાં બેંકમાં જાણ કરતાં બેંક દ્વારા આ ગઠીયાની રકમ ૫૮ હજાર કે જે તેણે જમા કરાવી હતી તે બ્‍લોક થઇ ગઇ હતી. આથી તેણે વેપારીને સતત ગાળો, ધમકી આપવાનું ચાલુ કરતાં ફરિયાદ થઇ છે.

આ અંગે રેફયુજી કોલોની પાસે શ્રધ્‍ધા શક્‍તિ સોસાયટી રેફયુજી કોલોની પાસે રહેતાં ગોપીચંદ તોતલમલ મંગલાણી (ઉ.વ.૪૮)એ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરિયાદ કરી છે. ગોપીચંદ મંગલાણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મોરબી રોડ પર બેડી યાર્ડમાં વેપાર કરુ છું. મંગળવારે તા. ૨/૯ના રોજ બપોરે પોણા ત્રણેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા ફોનમાં મેસેજ આવ્‍યો હતો.  આ મેસેજમાં કોઇ અજાણ્‍યાએ મારા બેંક એકાઉન્‍ટમાં રૂા. ૪૯૯૯૯ જમા કરાવ્‍યા હોવાની વિગત હતી. ત્‍યારબાદ બીજો મેસેજ સવા ત્રણ આસપાસ આવ્‍યો હતો, જેમાં ફરી મારા એકાઉન્‍ટમાં રૂા. ૮૦૦૦ જમા થયાની વિગત હતી. આ પછી ત્રીજો મેસેજ બેંક તરફથી આવ્‍યો હતો અને તેમાં બેંક એકાઉન્‍ટમાંથી ૬૦ હજાર ઉપડી ગયાનો મેસેજ હતો.

આથી મારી સાથે ફ્રોડ થયાની ખબર પડી હતી અને બેંક અધિકારીનો સંપર્ક કરતાં અલગ અલગ રકમો બ્‍લોક કરી નખાઇ હતી. ત્‍યારબાદ સાંજે છએક વાગ્‍યે એક ફોન આવ્‍યો હતો અને મને મરાઠી, હિન્‍દી ભષામાં વાત કરી ગાળો દઇ ધમકી આપી હતી કે જે પૈસા બ્‍લોક કરાવ્‍યા છે તે મને આપી દે. આ પછી સતત અલગ અલગ નંબર પરથી મને ધમકી આપવાનું ચાલુ કરાયું હોઇ અંતે મેં ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ સાંજે પોણા આઠ આસપાસ સાયબર યુનિટે મને મેસેજ કરી નજીકના પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરિયાદ આપવા જણાવ્‍યુ હતું. જેથી મેં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં જઇ ફ્રોડની વિગતો જણાવી હતી.  જો કે મને સામેવાળા તરફથી સતત ધમકી, ગાળો અપાતી હોઇ આ બાબતે પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવવા જણાવાયું હતું. (૧૪.૧૨)

(3:27 PM IST)