News of Thursday, 4th September 2025
રૈયા રોડ વૈશાલીનગરમાં ગેસની લાઇનમાં ભંગાણઃ લોકોના શ્વાસ રૂંધાયા : જુઓ વિડિઓ
ગેસ કંપની જીએસપીસી દ્વારા યુધ્ધના ધોરણે સમારકામ :મનપા દ્વારા ડીઆઇ પાઇપલાઇન બીછાવતી વખતે બની ઘટનાઃ ફાયર બ્રિગેડ દ્વારા અવર-જવર બંધ કરાઇ

શહેરના રૈયા રોડ સ્થિત વૈશાલીનગર-૨માં આજે સવારે ડીઆઇ પાઇપલાઇન નાખતી વખતે ગેસની લાઇનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગયેલ. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રીગેડ, જીએસપીસી ગેસની ટીમો તથા અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં પાઇપલાઇનનું ચાલી રહેલ કામ, ભંગાણ થયેલ સ્થળ તથા ગેસ કંપની દ્વારા કરવામાં આવી રહેલ સમારકામ દર્શાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩.૧૩)
રાજકોટઃ તા.૪: આજે સવારે રૈયા રોડ સ્થિત વૈશાલીનગર-૨માં કોર્પોરેશન દ્વારા ડીઆઇ પાઇપલાઇન બીછાવતી વખતે ગેસની લાઇન તુટતા વિસ્તારમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
મળતી વિગતો મુજબ આજે સવારે ૧૧:૩૦ કલાક આસપાસ ડીઆઇ પાઇપ લાઇન નાખતી વખતે જેસીબી દ્વારા વૈશાલી નગર-૨માં ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા દેકારો મચી ગયો હતો. સ્થાનીકો દ્વારા તુરંત તંત્રને જાણ કરવામાં આવતા ફાયર બ્રીગેડનો સ્ટાફ તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તુરંત લાઇન બંધ કરાવી હતી.
જો કે ગેસનું ગળતર મોટી માત્રામાં થવા લાગતા રહેવાસીઓ શ્વાસ લેવામાં તકલીફ થતા ભાગ દોડ મચી ગઇ હતી કોઇને બીજી મુશ્કેલી ન થયાનું જાણવા મળી રહયું છે. મનપાના ફાયર બ્રીગ્રેડ દ્વારા સલામતી ના પગલારૂપે વૈશાલીનગર-૨માં અવર-જવર બંધ કરાવી હતી. જીએસપીસી દ્વારા મેઇન્ટેનન્સ વાને સ્થળ ઉપર પહોંચી ગેસની લીકેજ લાઇનનું સમારકામ હાથ ધર્યુ હતું. (૩.૧૩)
(3:06 PM IST)










