<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ફરજીયાત ટોપા પહેરવવાનો અર્થ શું?: જીલ્લા કોંગ્રેસ

ફરજીયાત હેલ્‍મેટના કાયદાથી માત્ર સરકારને જ ફાયદો થશે, ઠેકઠેકાણે ‘‘કટકી''ના હાટડા ખુલી જશે, નાના માણસોને આ દંડ ભારે દઝાડશેઃ હિતેશ વોરા

 

રાજકોટઃ જિલ્‍લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વોરાની યાદીમાં જણાવેલ કે

રાજ્‍યમાં અને રાજકોટ શહેર, જિલ્‍લામાં ૮ સપ્‍ટેમ્‍બરથી ફરજીયાત હેલ્‍મેટનો કાયદો લાગુ પડનાર છે. ત્‍યારે ફરજીયાત હેલ્‍મેટના કાયદાને મરજીયાત કાયદો જાહેર કરવા સરકારને અનુરોધ કરવામાં આવે છે. હેલ્‍મેટ પહેરવાના કાયદાનો ફાયદો માત્ર હેલ્‍મેટ ઉત્‍પાદકતા, વેચનારાઓ, અને સરકાર ને જ થવાનો છે અને લાખો કરોડો રૂપિયાનો દંડ સરકારને મળવાનો છે ત્‍યારે આ કાયદો સંપૂર્ણ ગેર વ્‍યાજબી કાયદો છે. આજે લાખો માણસોમાંથી ભાગ્‍યે જ એક ટકા લોકોને દ્વિચક્રી વાહનમાં હેલ્‍મેટ ના પહેરી હોય અને માથામાં ઇજા થઈ હોય અને મૃત્‍યુ પામ્‍યું હોય તેવા બનાવો બને છે. ત્‍યારે લાખોની સંખ્‍યામાં માત્ર એક ટકા જેટલા અકસ્‍માતના કારણે લાખો લોકોને ફરજીયાત ટોપા પહેરાવવાનો અર્થ શું છે હેલ્‍મેટ પહેરવાનો કાયદો મરજીયાત હોવો જોઈએ.

હેલ્‍મેટ પહેરવી કે ના પહેરવી તે જે તે વ્‍યક્‍તિની વ્‍યક્‍તિગત સુરક્ષાનો મુદ્દો હોઈ શકે. પરંતુ જેમને માત્ર ૧૦૦ કે ૨૦૦ મીટરની ત્રિજ્‍યામાં શહેરના આંતરિક રસ્‍તા ઉપર ભારે ગીચ વિસ્‍તારમાં જવાનું છે જ્‍યાં ગમે તેમ કરો તો પણ ૨૦ થી વધુ સ્‍પીડથી દ્વિચકી વાહન ચાલી શકતું જ નથી ત્‍યાં નથી વાહનો ભટકાઈ જવાના કે નથી કોઈના માથા પણ ફાટી જવાના. આવી સ્‍થિતિમાં ફરજીયાત હેલ્‍મેટ પહેરી રાખવાની, તેને સાચવવાની અનેક સમસ્‍યાઓ ઊભી થઇ છે અને લાખો લોકો હેલ્‍મેટની ઝંઝટમાં ઝપડાઈ જવાના છે. ત્‍યારે આવા કાયદાનો કોઈ અર્થ નથી. સરકારે કાયદા કડક કરવા હોય તો કરોડો અબજો રૂપિયાના ડ્રગ્‍સ ગુજરાતમાં ઘૂસી જાય છે.ખુલ્‍લેઆમ વહેંચાય છે.દારૂ-જુગારના હાટડા લાગ્‍યા છે. ગુંડાગીરી અને ગુનાખોરી વધી છે. આવી અનેક સમસ્‍યા છે. એમાં કામ કરવું જોઈએ.

ફરજીયાત હેલ્‍મેટના કાયદાનો માત્ર સરકારને જ ફાયદો થવાનો છે. કારણ કે ફરજીયાત હેલ્‍મેટના કારણે ઠેક ઠેકાણે દંડ વસુલીના હાટડાઓ ખુલી જવાના છે જ્‍યાં રોકડાથી પણ વેપાર થશે અને પહોંચ આપીને પણ વેપાર થશે. અંતે તો નિર્દોષ અને નાના માણસો મરી જવાના છે. સુખી અને મોટા માણસો અંબાણી કે અદાણી તો પોતાની કાર માં કે હેલિકોપ્‍ટરમાં નીકળવાના હોય છે. એ કયાં હેલ્‍મેટ પહેર્યા વગર સ્‍કૂટર લઈને તો નીકળવાના છે અને તેને દંડ થવાનો છે. દંડ તો માત્ર ને માત્ર નાના માણસને ભરવાનો છે. નાનો માણસ પોતાના કામ ધંધે જનાર માણસને ધરાર હેલ્‍મેટ પહેરવાનો અર્થ શું ?

કોઈ શહેરમાં કોઈ એક પાગલ માણસ તોફાનો કરતો હોય તો તેના ભય થી લોકોને પોત-પોતાના ઘરમાં પુરી દેવાનો અને કોઈ ઘરની બહાર ન નીકળે તેવું સરકારી ફરમાન ન કરી શકાય.લોકોને ઘરમાં પૂરી દેવા ને બદલે માત્ર એક પાગલને પુરી દેવાનો હોય. આમ એકલ-દોકલ અકસ્‍માતના કારણે બધાને ટોપા ધરાર પહેરાવવાના કાયદાનો કોઈ અર્થ નથી. સરકારને હેલ્‍મેટ દંડની રકમોની જરૂરિયાત હોય તો ભલે આ કાયદો લાવ્‍યા પણ તેમાંથી શહેરી આંતરીક વિસ્‍તારને હેલ્‍મેટ મુક્‍તિ આપવી જોઈએ. માત્ર હાઇવે ટુ હાઇવે હેલ્‍મેટ ફરજિયાત કરવામાં આવે તો તે ખોટું નથી અને અમે વિરોધ પણ નથી કરતા. પરંતુ કીડીને કોસ નો ડામ સરકાર ના આપે તેવી બે હાથ જોડીને પ્રાર્થના છે

કોંગ્રેસ પક્ષ ફરજીયાત હેલ્‍મેટના ગેર વ્‍યાજબી કાયદાનું માથા ઉપર હેલ્‍મેટની બદલે રસોઈની ટોપડી પહેરીને લોકશાહી ઢબે વિરોધ કરશે. તેમ હિતેશભાઈ વોરા (પ્રમુખ) રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિએ અંતમાં જણાવ્‍યું છે.

(3:09 PM IST)