તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 5th September 2025
કુવાડવા પંથકમાંથી ધો-૧૧ની ૧૬ વર્ષની છાત્રા અને ૧૭ વર્ષની સગીરાના અપહરણ
છાત્રા ભણવા માટે શાળાએ જવા ગયા પછી ગૂમ, બીજી સગીરા બહેનપણીને મળવા નીકળ્યા બાદ લાપત્તાઃ કુવાડવા રોડ પોલીસે બે ગુના દાખલ કર્યા

રાજકોટ તા. ૫: કુવાડવા પંથકમાંથી બે સગીરાના અપહરણ થયા છે. જેમાં એક ૧૧મા ધોરણની છાત્રા છે. પંથકના ગામથી તે કુવાડવા ભણવા ગયા બાદ ગાયબ થઇ ગઇ છે. બીજા બનાવમાં નવાગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરા બહેનપણીને મળીને આવે છે કહીને નીકળ્યા બાદ ગાયબ થઇ હતી. બંને બનાવમાં પોલીસે અપહરણના ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પોલીસે પંથકના એક ગામમાં રહેતાં બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતાં ફરિયાદી યુવાનને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે, આ દિકરી ૧૫ વર્ષની છે અને ૧૧માં ધોરણમાં અભ્યાસ કરે છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે દિકરી તા. ૧/૯ના રોજ નિત્યક્રમ મુજબ કુવાડવા શાળાએ જવા માટે ગામના એક ભાઇની ઇકો ગાડી બાંધી હોઇ તેમાાં બીજા બાળકો સાથે ગઇ હતી. એ પછી હું મારા કામે નીકળી ગયો હતો. બપોરે સાડા બારેક વાગ્યે ઇકો ગાડીવાળા ભાઇએ મને ફોન કર્યો હતો કે તમારી દિકરી અહિ નિશાળે નથી તમે ઘરે ફોન કરીને પુછો તો કે તે ઘરે તો નથી પહોંચી ગઇ ને? જેથી મેં ઘરે ફોન કરતાં દિકરી ત્યાં નહિ હોવાનું જણાતાં હું તરત શાળા ખાતે ગયો હતો. અહિથી જાણવા મળ્યું હતું કે તે સ્કૂલની અંદર આવી જ નથી. ઇકોવાળાએ તેને સ્કૂલના દરવાજે ઉતારી હતી. બે દિવસ સુધી ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં કુવાડવા રોડ પોલીસે અપહૃત બાળાના માતાની ફરિયાદ પરથી અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. નવાગામ વિસ્તારમાં રહેતાં મહિલાએ જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. જેમાં નાની દિકરી ૧૭ વર્ષની છે. ૧૫/૮ના રોજ દિકરી સાંજે સાતેક વાગ્યે પોતાની બહેનપણીને મળવા જાય છે, અમણા આવે છે તેમ કહીને ઘરેથી ગયા બાદ મોડે સુધી પરત આવી નહોતી. ગામમાં તેમજ અલગ અલગ જગ્યાએ તપાસ કરવા છતાં તે મળી નહોતી. આબરૂ જવાની બીકે અમે અત્યાર સુધી પોલીસને જાણ કરી નહોતી. પરંતુ દિકરીની કોઇ ભાળ ન મળતાં અંતે ફરિયાદ કરી હતી. બંને બનાવમાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરા અને હેડકોનસ. પી. જી. અગ્રાવતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:24 PM IST)










