<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

મનપામાં પ્રથમ વખત જામનગર રોડ પર સફાઇ કામદારો માટે બનશે કોમ્‍યુનિટી હોલ

સફાઇ કામદાર યુનિયન દ્વારા લગ્ન હોલ બનાવવા માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરેલ ૭.૬૨ કરોડના ખર્ચે આધુનિક લગ્ન હોલ બનાવવા ટેન્‍ડર પ્રસિદ્ધ

રાજકોટ તા.૫: મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને અન્‍ય વિભાગોમાં ફરજ બજાવતા સફાઇ કામદારો દ્વારા તેમનો અલાયદો કોમ્‍યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી અને આ મુદ્દે માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરેલ જેના પગલે માનવ અધિકાર આયોગે મહાનગરપાલિકાને સૂચના આપતા જામનગર રોડ પર ફકત સફાઇ કામદારો માટેનો કોમ્‍યુનિટી બનાવવાનો નિર્ણય લીધો છે. અને રૂા.૭.૬૨ કરોડના ખર્ચે લગ્ન હોલ બનાવવાનું ટેન્‍ડર પ્રસિદ્ધ કર્યુ છે.

મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સફાઇ કામદાર યુનિયન દ્વારા લગ્ન હોલ બનાવવા માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ આ મુદ્દે માનવ અધિકાર આયોગમાં પણ મુદ્દો ઉઠાવેલ હતો. જેના પગલે માનવ અધિકાર આયોગે સૂચના બાદ મહાનગરપાલિકાએ તમામ સફાઇ કામદારો માટે અલગથી લગ્ન હોલ બનાવવાનો નિર્ણય લીધો છે.

જામનગર રોડ ઉપર ક્રાઇમ બ્રાન્‍ચની કચેરીની સામે આવેલા મનપાના ખાલી પ્‍લોટ ઉપર રૂા.૭.૬૨ કરોડના ખર્ચે આદ્યુનિક લગ્ન હોલનુ નિર્માણ કરવામાં આવશે જેનુ ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યુ છે. ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂરી મેળવી હોલનુ કામ શરૂ કરવામાં આવશે.

(3:24 PM IST)