<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

હે બાપ્પા આવજા, આવતા વર્ષે વહેલા પધારજા

‘‘ગણપતિ અપને ગાંવ ચલે કૈસે હમકો ચૈન પડે, જીસને જો માંગા ઉસને વો પાયા રસ્‍તે પે હૈ સબ લોગ ખડે'' ગણેશ મહોત્‍સવનું સમાપન : ભારે હૈયે અને ભીની આંખે દુંદાળા દેવને વિદાય : પંડાલો ખાલી : મુર્તિ વિસર્જન : અબીલ ગુલાલ અને પુષ્‍પ પાંદડીઓથી માર્ગો લથબથ.. નાચતા કુદતા ભાવિકો વિસર્જન યાત્રામાં જોડાયા : મેઘરાજાની પધરામણી થતા વરસતા વરસાદ વચ્‍ચે વિઘ્‍નહર્તા દેવને અપાઇ વિદાઇ

ભાવભેર મુર્તિ વિસર્જન : ગણેશ ચતુર્થીથી લઇને આજ સુધી રાજકોટ આખુ  ગણેશ ભક્‍તિમાં ઓળઘોળ બન્‍યુ હતુ. વિવિધ વિસ્‍તારોમાં પંડાલો ઉભા કરી ગણેશ મહોત્‍સવ ઉજવાઇ રહ્યો હતો. જેનું આજે મૂર્તિ વિસર્જન સાથે સમાપન કરવામાં આવ્‍યુ હતુ. તંત્રની ગાઇડ લાઇનને અનુસરી નિરધારીત જળાશયોમાં મૂર્તિ વિસર્જન માટે આજે સવારે અને બપોરે વાજતે ગાજતે વિસર્જન યાત્રા નિકળી હતી. અબિલ ગલાલની છોળો ઉડાવી ભાવિકોએ ગણપતિ બાપા મોરીયાના નારાઓથી માર્ગો ગજાવી

રાજકોટ તા. ૬ : ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ હતુ. રાજકોટમાં ઠેરઠેર સ્‍થાપિત કરાયેલ દુંદાળા દેવની મુર્તિઓને આજે ભારે હૈયે અને ભીની આંખે વિદાય આપી વિસર્જન યાત્રાઓ યોજવામાં આવી હતી.

તમામ સ્‍થળોએ પંડાલો આજે ખાલી થઇ ગયા હતા. જે ચોકમાં દરરોજ રોશનીના ઝળહળાટ અને નયનરમ્‍ય શણગાર વચ્‍ચે આરતી પૂજન અને સાંસ્‍કૃતિ કાર્યક્રમોનો ધમધમાટ ચાલતો હતો ત્‍યાં આજે શાંતિ છવાઇ ગઇ હતી.

કયાંક બપોરે તો કયાંક બપોર બાદ દુંદાળા દેવની વિસર્જન યાત્રા નિકળી હતી. પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયા હતા. ‘ગણપતિ અપને ગાંવ ચલે' જેવા ગીતો અને ‘ગણપતિ બાપા મોરીયા, પુડચ્‍યા વર્ષી લવકરીયા'ના નાદોથી માર્ગો ગુંજી ઉઠયા હતા. અબીલ ગુલાલ અને પુષ્‍પવર્ષાથી વિસર્જન યાત્રાના માર્ગો લથબથ ગઇ ગયા હતા.

આજે રાજકોટમાં વરસાદ હોય જાણે ગણપતિ બાપાને વિદાય આપવા મેઘરાજાની પણ હાજરી હોય તેવો ભાવ સૌએ અનુભવ્‍યો હતો. વરસતા વરસાદે પણ ગણેશ ભકતો ગણેશબાપાની વિસર્જન યાત્રામાં સામેલ થયા હતા.

રાજકોટમાં મૂર્તિ વિસર્જન માટે કેટલાક સ્‍થળો તંત્ર દ્વારા નિરધારીત કરાયા છે. જે મુજબ આજીડેમ ઓફરફલો પાસે ખાણ નં. ૧ અને ર, આજી ડેમ ઓવરફલો ચેકડેમ, પાળગામ જખરાપીરની જગ્‍યા પાસે મવડી બહાર, ન્‍યારાના પાટીયા પાસે જામનગર રોડ, વાગુદડના પાટીયા પાસે કાલાવડ રોડ ખાતે મૂર્તિ વિસર્જન માટે અલાયદી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.

જગના દાદા જંકશનના મહારાજને વાજતે ગાજતે વિદાય

૧૫/૩ જંકશન પ્‍લોટ ખાતે હિન્‍દુ સોશિયલ ગ્રુપ અને શ્રી સિધ્‍ધી વિનાયક ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા જય અંબે ગરબી મંડળના સંયુકત ઉપક્રમે ‘જગના દાદા જંકશનના મહારાજા'નું સ્‍થાપન કરી ૧૧ દિવસ ગણેશ મહોત્‍સવ ઉજવાયો હતો. આજે તા. ૬ ના બપોરે ૧૧ વાગ્‍યે વાજતે ગાજતે દાદાને વિદાય આપી મૂર્તિ વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી.

ભૂદેવ સેવા સેવા સમિતિ

દ્વારા ગણેશ મહાયજ્ઞ

ભૂદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞિક રોડ ખાતે ‘રાજકોટ કા મહારાજા'નું સ્‍થાપન કરાયુ હતુ. જયાં આજે તા. ૬ના શનિવારે સવારે ગણેશ મહાયજ્ઞ સાથે મહોત્‍સવનું સમાપન કરવામાં આવેલ. વાજતે ગાજતે દાદાની મૂર્તિના વિસર્જન માટે યાત્રા યોજવામાં આવી હતી.

શ્‍યામ ગ્રુપ

શ્‍યામ ગ્રુપ દ્વારા સ્‍વામિનારાયણ ચોકમાં ગણેશ મહોત્‍સવનું આયોજન કરાયુ હતુ. આજે તા. ૬ના શનિવારે વિસર્જન યાત્રા સાથે મહોત્‍સવનું સમાપન કરવામાં આવેલ.

(4:18 PM IST)