News of Saturday, 6th September 2025
રાજકોટમાં સોમવારથી હેલ્મેટ ફરજીયાતપોલીસ શહેરભરમાં કાયદાનું પાલન કરાવશે
ફરજીયાત હેલ્મેટનો ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઘર્ષણ થવાની શક્યતા : ટુવ્હીલરના ચાલક-પાછળ બેઠેલા બંનેને ફરજીયાત પહેરવાના : પકડાય તો રોકડ ૫૦૦નો દંડ, ઇ-ચલણથી ૯૦ દિવસનો સમય : નિયમનો અમલ કરાવવાની સાથે વાહનચાલકોમાં પોતાની સલામતિ માટે જાગૃતિ આવે તે રીતે તબક્કાવાર કાર્યવાહી થતી રહેશેઃ લોકોએ પોલીસથી ડરવાની જરૂર નથીઃ પોલીસ કર્મચારીઓ પણ ફરજીયાત હેલ્મેટ પહેરશેઃ ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા

રાજકોટ તા. ૬: સોમવારથી રાજકોટ શહેરમાં ફરજીયાત હેલ્મેટનો કાયદાનો કડકપણે અમલ કરાવવા પોલીસ કટીબધ્ધ બની છે. જો કે રાજકોટમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ જરૂરી નથી તેવો મત મોટા ભાગના ટુવ્હીલર ચાલકો ધરાવી રહ્યા છે અને વિરોધ પક્ષના નેતાઓ, અલગ અલગ સમિતીઓ, સંસ્થાઓ અગાઉની જેમ જ શહેરી વિસ્તારમાં હેલ્મેટ જરૂરી નથી એ સહિતના મુદ્દા આગળ ધરી વિરોધ કરી રહ્યા છે ત્યારે સોમવારે વાહનચાલકો, આગેવાનો, પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જો કે ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજીયાત છે જેનો અમલ પોલીસ કરાવશે અને શહેરભરના મુખ્ય માર્ગો, ચોક, સર્કલ પર સવારથી જ હેલ્મેટની ઝુંબેશનો કડકપણે અમલ કરાવવા સ્ટાફ કામગીરી શરૂ કરી દેશે.
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે કાયદો છે એટલે પોલીસને તેનો અમલ કરાવવો પડે છે. જેમ મકર સંક્રાંતિ ઉપર પોતાની ડોકની સેફટી માટે વાહનચાલકો માટે કોઇપણ કાયદો અમલમાં નથી છતાં જાગૃતિ આવી જાય છે તે રીતે હેલ્મેટ એ તમારી અને તમારા પરિવારની સલામતિ માટે ખુબ જરૂર છે, અકસ્માત ક્યારે થાય એ કોઇને ખબર હોતી નથી. મોટા ભાગે જે વાહનચાલકો સવારથી સાંજ સુધી ઓફિસ કે અન્ય કામ ધંધા પર જતાં હોય છે તે ઘરના મોભી હોય છે અને તેમની સલામતિ તેમના પરિવાર માટે અત્યંત જરૂરી હોય છે.
સોમવારથી ટ્રાફિક પોલીસ અને શહેરભરની પોલીસ લોકોની જાગૃતિ માટે હેલ્મેટ માટેની ઝુંબેશ ચાલુ કરશે જે તબક્કાવાર વર્ષભર કે તેથી પણ વધુ સમય સુધી ચાલુ રહેશે, લોકો પાસેથી દંડ ખંખેરી લેવાનો આશય પોલીસનો નથી રહેતો, હાજર સમાધાન શુકલ રોકડા રૂા. ૫૦૦ રહેશે. જો રોકડા ન હોય અને વાહન ચાલક ઇ-ચલણ જનરેટ કરાવે તો તેમને આ રકમ ૯૦ દિવસમાં ભરપાઇ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પણ રાજકોટમાં હેલ્મેટને ફરજીયાત બનાવવામાં આવ્યું છે ત્યારે તેનો વિરોધ થયો છે અને બાદમાં શહેરમાં હેલ્મેટ ફરજીયાત નથી તેમ કહીને છુટ આપી દેવામાં આવી છે. ત્યારે આ વખતે પણ પણ વિરોધ થઇ રહ્યો છે તેથી પોલીસ અને અલગ અલગ સમિતીઓ, આગેવાનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાતી નથી. (૧૪.૧૧)
(5:30 PM IST)










