<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ડિપ્રેશન સિસ્ટમ બનાસકાંઠા પર સ્થિર : આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - હવામાન નિષ્ણાત ગૌરવ રાણીંગા

સિસ્ટમની ધીમી ગતિને કારણે હવામાન એજન્સીઓ વચ્ચે ટ્રેકને લઈને મતમતાંતર : સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર અને નાગરિકોને સાવધ રહેવા સૂચના

રાજકોટ : ગુજરાત ઉપર સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમ હાલમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ઉપર સ્થિર છે, તેમ હવામાન નિષ્ણાત ગૌરવ રાણીંગાએ જણાવ્યું છે. આ સિસ્ટમ અત્યંત ધીમી ગતિથી આગળ વધી રહી છે, જેના કારણે તેના આગામી માર્ગ અંગે હવામાન એજન્સીઓમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે, આ સિસ્ટમ વધુ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને ગુજરાતના કચ્છ જિલ્લાના વિસ્તારો તરફ જશે. જ્યારે વિદેશી હવામાન એજન્સીઓના ટ્રેક મુજબ, આ સિસ્ટમ અહીંથી પહેલા પશ્ચિમ અને ત્યારબાદ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને કચ્છ-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પછી પાકિસ્તાનના સિંધ પ્રાંત તરફ જાય તેવી શક્યતા વધુ છે. હવામાન નિષ્ણાતોના મતે, વિદેશી એજન્સીઓનો આ ટ્રેક વધુ વિશ્વાસપાત્ર લાગી રહ્યો છે.
સિસ્ટમની અત્યંત ધીમી ગતિને કારણે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ અખાતને અડીને આવેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની પણ શક્યતા ગણી શકાય. આ પરિસ્થિતિને જોતા આ વિસ્તારોના લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને સંભવિત પૂરની સ્થિતિ માટે આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી ધ્યાને લેવી અત્યંત આવશ્યક છે.

 

(1:55 PM IST)