News of Monday, 8th September 2025
હેલ્મેટ કાયદા પર દેવાયત ખવડએ વ્યથા ઠાલવી : કહ્યું કે સામાન્ય જનતા ખૂબ જ પરેશાન : સરકાર પુનર્વિચાર કરે
તેમણે સરકારને ભાવુક અપીલ કરતાં કહ્યું કે સરકાર આ મામલે પુનર્વિચાર કરે અને હેલ્મેટ કાયદામાં રાહત આપે તેવી મારી નમ્ર વિનંતી

રાજકોટ શહેરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતનો કાયદો સખત રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાના અમલથી જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે લોકસાહિત્યકાર દેવાયત ખવડએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
દેવાયત ખવડએ જણાવ્યું હતું કે હેલ્મેટ કાયદાથી સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. આ કાયદો લાગુ થવાથી નાગરિકોને ભારે અગવડતા પડી રહી છે. તેમણે સરકારને ભાવુક અપીલ કરતાં કહ્યું કે સરકાર આ મામલે પુનર્વિચાર કરે અને હેલ્મેટ કાયદામાં રાહત આપે તેવી મારી નમ્ર વિનંતી છે.
રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક અમલવારી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. શહેરીજનોનો આક્રોશ એટલો ચરમસીમાએ પહોંચ્યો કે કેટલાક લોકોએ પોલીસને રોષપૂર્ણ શબ્દોમાં કહ્યું કે,ભલે અમને બંદૂકથી ભડાકે દઈ દો કે પાકિસ્તાન મોકલી દો, પણ અમે હેલ્મેટ નહીં પહેરીએ.
લોકોનો મુખ્ય આક્રોશ શહેરના બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓ પ્રત્યે છે. લોકોનું કહેવું છે કે સરકાર અને તંત્ર પહેલા શહેરના રસ્તાઓનું સમારકામ કરે અને તેને વાહન ચલાવવા યોગ્ય બનાવે, ત્યારબાદ જ હેલ્મેટ જેવા કાયદાનું કડક પાલન કરાવે. વાહનચાલકોનું માનવું છે કે ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતોનું જોખમ વધુ રહે છે અને હેલ્મેટ પહેરવાથી આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ અને ગોંડલ રોડ પર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને વાહનચાલકોમાં રોષ વધ્યો હતો.
(9:00 PM IST)










