News of Tuesday, 9th September 2025
મોરવાડના દક્ષાબા પરમાર પર પડધરીના રાદડ ગામમાં જમાઇ, વેવાણનો હુમલો
રાજકોટ સારવારમાં: પિતાની તિથી હોઇ માવતરે આવેલી દિકરી આરતીબાને દક્ષાબા પરત રાદડ સાસરીયે મુકવા જતાં માથાકુટ થઇઃ પતિનો અનહદ ત્રાસ હોવાનો આરતીબાનો આક્ષેપ

રાજકોટ તા. ૯: સાયલાના મોરવાડ ગામે રહેતાં દક્ષાબા લખધીરસિંહ પરમાર (ઉ.વ.૪૨) નામના મહિલા પર પડધરીના રાદડ ગામે તેમના જમાઇ રાજદિપસિંહ અને વેવાણ દિલસુખબાએ હુમલો કરી ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
દક્ષાબાએ જણાવ્યું હતું કે મારા પતિનુ઼ એક વર્ષ પહેલા અવસાન થયું છે. તાજેતરમાં તેમની તિથી હોઇ તેના કારણે દિકરી આરતીબા પડધરીના રાદડ ગામે સાસરેથી અમારા ગામ પિયરે આવી હતી. આ પછી ગઇકાલે હું દિકરીને પરત તેણીના સાસરીયે મુકવા ગઇ ત્યારે જમાઇ રાજદિપસિંહ સતત મારી દિકરીને હેરાન કરી ત્રાસ આપતાં હોઇ આ બાબતે તેમને સમજાવતાં તે રોષે ભરાઇ ગયા હતાં અને મને માર મારવા માંડયા હતાં. સાથે વેવાણ દિલસુખબાએ પણ મારકુટ કરી હતી. આરતીબા માતા દક્ષાબાને બચાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. આરતીબાએ પોતાને લગ્ન થયા ત્યારથી ત્રાસ હોવાનો આક્ષેપ કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:22 PM IST)










