<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

જીવનમાં હતાશ થવા વગર નવી તકો ઝડપી લેવાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘ફરી ઍક વાર: શુક્રવારથી સીનેમા ઘરોમાં રીલીઝ

મુખ્‍ય ભુમિકા કરતા ટીકુ તલસાણીયા અને અવની મોદીએ વર્ણવી રસપ્રદ વિગતો : મોટાભાગનું શુટીંગ : અમદાવાદમાં : ‘ઓ સાથી રે' અને ‘પાટણના પટોળા' ગીતો જમાવટ કરે છે : મ્‍યુઝીક અઘોરી બેન્‍ડનું

રાજકોટ તા. ૯ : કોઇપણ ઉંમરે જીવનમાં ખાલીપો આવે તો પણ ફરી નવી શરૂઆત થઇ શકે છે તેવો જ કઇક સંદેશ લઇને બનેલ ગુજરાતી ફિલ્‍મ ‘ફરી એકવાર' આગામી તા.૧૨ના શુક્રવારથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મમાં ઋષિકેશનું પાત્ર ભજવનાર દિગ્‍ગજ અભિનેતા ટીકુ તલસાણીયાએ જણાવ્‍યુ હતુ કે જીવનમાં હંમેશા આગળ વધવાનું હોય છે કયારેય નાશીપાસ થવાનું નથી. કદાચ કયારેક મુશ્‍કેલી ભર્યુ જીવન બની જાય તો નિરાશ થવાનું નથી. ફરી એક ચાન્‍સ લેવાનો અને જીવનને ફરી ધબકતુ કરી દેવાનું. બસ આવો જ સંદેશ આ ફિલ્‍મ આપે છે.

ફિલ્‍મમાં લાવણ્‍યાનું પાત્ર કરનાર અવની મોદીએ જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મ એટલી સરસ બની છે કે મને પોતાને પણ તેના માટે ગર્વ થાય છે. સંબંધોથી ડરેલ વ્‍યક્‍તિ હતાશાની ગર્તામાં ધકેલાય ગયો હોય તો તેનામાં ફરી પ્રાણ પુરવાનું કામ આ ફિલ્‍મના માધ્‍યમથી થયુ છે. લગ્ન તુટે તો પણ કઇ મુંજાવાનું ન હોય ફરી નવી શરૂઆત થઇ શકે છે. તો વણી પ્રેમના અંકુરોને ઉંમરના બંધન નડતા નથી. ગમે ત્‍યારે શરૂઆત થઇ શકે છે. એકંદરે કયારેય હાર ન માનો બસ જયારે અટકો ત્‍યારે ફરી નવી શરૂઆત કરો તેવો સંદેશ આ ફિલ્‍મ આપે છે. લોકોને જરૂર ગમશે. તેવો આશાવાદ અવની મોદીએ વ્‍યકત કર્યો હતો.

ફિલ્‍મના દિગ્‍દર્શક અખિલ કોટકે જણાવેલ કે મોટી ંઉંમરે પોતાના સાથી ગુમાવનારની એકલતા ખાલીપો કેવો હોય છે અને તેમાં ફરી ખુશી કઇ રીતે લાવી શકાય તેવી વાત આ ફિલ્‍મમાં છે. ટુંકમાં સાથ, સહકાર, પ્રેમ, મિત્રતા, હુંફ અને લાગણીઓ જીવનબાગને મહેકાવવા પાયાની જરૂરીયાત છે તે સમજાવવા પ્રયાસ કરાયો છે.

 મધુ એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ડ મીડિયા પ્રાઇવેટ લી. હેઠળ બનેલ આ ફિલ્‍મમાં ટીકુ તલસાણીયા, અવની મોદી ઉપરાંત ઉત્‍સવ નાયક, નેત્રી ત્રિવેદી, ભરત ઠકકર, કોમલ પંચાલ, મોરલી પટેલ, સુપ્રિયા પાઠક સહીત અનેક જાણીતા કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.

ફિલ્‍મમાં ત્રણેક ગીતો છે. જેમાં એક ‘ઓ સાથી રે' અને બીજુ ‘પાટણથી પટોળા'  લવ સોંગ છે. જયારે ત્રીજુ ટાઇટલ સોંગ પણ જમાવટ કરે છે. ફિલ્‍મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદમાં આટોપવામાં આવ્‍યુ છે.

ફિલ્‍મના લેખિકા કાજલ મહેતાએ મરોડદાર કલમ ચલાવી છે. મ્‍યુઝીક અઘોરી બેન્‍ડ દ્વારા પીરસાયુ છે. ટુંકમાં એન્‍ટરટેઇનમેન્‍ટ સાથે લોકોને જીવનને ફરી ધબકતુ કરવાની ટકોર કરતુ આ ફિલ્‍મ આગામી તા. ૧૨ના શુક્રવારથી દેશભરમાં અને ૧૯ મી સપ્‍ટેમ્‍બરથી વિદેશોમાં પણ રીલીઝ થવા જઇ રહ્યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ‘ફરી એક વાર' ફિલ્‍મના કલાકારો ટીકુ તલસાણીયા, અવની મોદી અને દિગ્‍દર્શક અખિલ કોટક નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:54 PM IST)