News of Wednesday, 10th September 2025
લોક સંસદ વિચાર મંચનો આક્રોશઃ પોલીસે લાખોનો દંડ વસૂલ્યા બાદ ગુલાબો આપવાનું નાટક શરૂ કર્યું

રાજકોટઃ તાજેતરમાં રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાની અમલવારીને લઈને પોલીસ અને પ્રજા વચ્ચે થયેલા ઘર્ષણ બાદ, આ મુદ્દો હાલ પૂરતો શાંત પડ્યો છે. લોક સંસદ વિચાર મંચના આગેવાનો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી અને નાગજીભાઈ વિરાણીએ એક સંયુક્ત યાદી દ્વારા આ મામલે પોલીસ અને રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. યાદીમાં જણાવાયું છે કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પોલીસ દ્વારા ૮મી સપ્ટેમ્બરથી હેલ્મેટ કાયદાનું કડક પાલન કરાવવાની જાહેરાતો કરવામાં આવી હતી, જે પ્રજાને હેરાન કરવા માટેનું એક નાટક હતું. ૮મી સપ્ટેમ્બરે ટુ-વ્હીલર ચાલકો પાસેથી લાખોનો દંડ વસૂલવામાં આવ્યો, જેના કારણે પ્રજામાં ભારે રોષ ભભૂક્યો અને પોલીસ-પ્રજા વચ્ચે ઘર્ષણ થયું.
આ ઘટના બાદ, યુવા એડવોકેટો અને નાગરિક હેલ્મેટ સમિતિ મેદાનમાં આવતાં, અત્યાર સુધી ભરનિદ્રામાં રહેલા ધારાસભ્યો પણ સફાળા જાગી ઉઠ્યા હતા. તેમણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને બદલે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ પ્રજાની વેદના રજૂ કરી હતી. લોક સંસદ વિચાર મંચે પોલીસ કમિશનર પર પણ આક્ષેપ કર્યો છે. પહેલા દિવસે લાખોનો દંડ વસૂલ્યો અને બીજા દિવસે ગુલાબો આપવા નીકળી પડ્યા. જો પોલીસે દંડ વસૂલ્યો જ હોય તો ગુલાબ આપવાને બદલે દંડ પેટે વસૂલવામાં આવેલા રૂા. ૫૦૦ માંથી રૂા. ૧૦૦ હેલ્મેટ પહેરનાર નાગરિકને આપવા જોઈએ, જેથી સરકારને તો પણ રૂા. ૪૦૦ નો ફાયદો જ થાય.
વધુમાં, મંચે એક અનોખું સૂચન પણ કર્યું છે. તેમણે કહ્યું કે જો સરકારને દરેક નાગરિકના માથાની સાચે જ કિંમત હોય, તો શહેરમાં સ્વેચ્છાએ હેલ્મેટ પહેરીને નીકળનારા અને હેલ્મેટ પહેરેલી હોવા છતાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વાહનચાલકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાતપણે રૂા. ૧૫ લાખનું વળતર આપવાની જોગવાઈ બનાવવી જોઈએ.
યાદીમાં અંતે જણાવાયું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ભૂતકાળમાં પણ અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેનો અમલ થઈ શક્યો નથી. હાલમાં ચૂંટણીના કારણે પોલીસને ઉપરથી સૂચના મળતા આ મુદ્દો ઢીલો પડ્યો છે, પરંતુ ચૂંટણી બાદ હેલ્મેટનું ભૂત ફરીથી સપાટી પર આવી શકે છે. મંચના આગેવાનોનું કહેવું છે કે, પોલીસ વારંવાર પ્રજાના રોષને પારખવામાં નિષ્ફળ રહી છે.
(3:37 PM IST)










