<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

રેવન્‍યુ તલાટી પરીક્ષા : ઉમેદવારોને બાયોમેટ્રિક પધ્‍ધતિથી પ્રવેશ અપાશે : સાંજે DEO સાથે કલેકટરની બેઠક : રવીવારે ર થી પ પેપર

કુલ ૧૬ર કેન્‍દ્રો : ૪૯૦ર૭ ઉમેદવારો : તમામ કેન્‍દ્રો -બ્‍લોકમાં સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ ત્રણ સ્‍થળે સ્‍ટ્રોંગ રૂમ ઉભા કરાયા : લોખંડી પોલીસ બંદોબસ્‍ત : મોબાઇલ કે કોઇપણ ઇલેકટ્રોનિક ઉપકરણોની મનાઇ

રાજકોટ સહિત રાજ્‍યભરમાં આગામી તારીખ ૧૪ને રવિવારે બપોરે ૨થી ૫ વાગ્‍યા દરમિયાન રેવન્‍યુ તલાટી પરીક્ષા લેવાનાર છે.

કલેકટર ડો.ઓમપ્રકાશે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લામાં જ ૧૬૨ કેન્‍દ્ર પરથી ૪૯,૦૨૭ ઉમેદવાર બેસવાના હોવાથી શહેરમાં પરીક્ષાની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.સાંજે આ મામલે ડીઈઓ સાથે બેઠક યોજવામાં આવી છે જેમાં પરીક્ષાની અંતિમ તૈયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવશે. પરીક્ષામાં ઉમેદવારોને બાયોમેટ્રિક હાજરીથી પ્રવેશ આપવામાં આવશે.

જિલ્લામાં તલાટીના પ્રશ્‍નપત્રને લઈને ત્રણ સ્‍ટ્રોંગરૂમ પણ તૈયાર કરવામાં આવ્‍યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્‍ત, ચુસ્‍ત તપાસ તેમજ ગેરરીતિ અટકાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. પરીક્ષા ખંડોમાં મોબાઈલ અને ઇલેક્‍ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ઘણા ઉમેદવારોનો આ પ્રથમ અનુભવ હોવાથી તણાવ અને ઉત્‍સાહ બંને સાથે જોવા મળી રહ્યા છે. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ટ્રાફિક વ્‍યવસ્‍થા પણ દુરસ્‍ત રાખવામાં આવશે.મહેસૂલી તલાટીની આ કસોટી રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્‍યના નિયત કરાયેલા સેન્‍ટરો પર એકસાથે લેવાઈ રહી છે.

વહીવટી તંત્ર તથા ઉમેદવારો બંને હવે આ મહાસ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ૨૫ મે ૨૦૨૫ના રોજ મહેસૂલ વિભાગ હસ્‍તકના મહેસૂલ તલાટીની કુલ ૨૩૮૯ જગ્‍યાઓ પર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી.જેની ઓએમઆર બેઝ્‍ડ પ્રાથમિક પરીક્ષા આગામી ૧૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ બપોરે ૨થી ૫ વાગ્‍યા દરમિયાન કુલ ૨૦૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. જ્‍યારે મુખ્‍ય પરીક્ષામાં ૩ પેપર રહેશે.

જેમાં અંગ્રેજી ભાષાનું ૧૦૦ માર્ક્‍સનું પેપર, ગુજરાતી ભાષાનું ૧૦૦ માર્ક્‍સનું પેપર અને જનરલ સ્‍ટડીનું ૧૫૦ માર્ક્‍સનું પેપર રહેશે.રાજકોટમાં સ્‍કૂલ કોલેજના જે ૧૬૨ કેન્‍દ્રમાં રેવન્‍યૂ તલાટીની પરીક્ષા લેવાની છે તે તમામ કેન્‍દ્રો અને બ્‍લોકમાં સીસીટીવી કેમેરાથી પરીક્ષાનું મોનિટરિંગ કરવામાં આવશે. પેપરો શનિવારે આવી જશે. એસટી અને રાજકોટ સીટી બસ સેવા એ સમયસર બસો દોડાવવા આદેશો કરાયા છે.

(3:19 PM IST)