<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍ત દ્વારા રાજકોટમાં નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજનઃ નરેન્‍દ્રભાઈ સોલંકી

૨જી ઓકટોબર ગુરૂવાર (દશેરા) નીમીતે શાષાી મેદાન ખાતે બોમ્‍બેના પ્રખ્‍યાત બામ્‍બુ બિટસના ઓરકેસ્‍ટ્રા સાથે સાંજે ૬ થી નવરાત્રી મહોત્‍સવ યોજાશેઃ ગુ.ક્ષ કડીયા સમાજના દાતાઓ ઓળ ઘોળઃ એક દિવસના નવરાત્રી મહોત્‍સવ માટે દસ લાખથી વધુ રૂપીયાનું અનુદાનઃ ટૂંક સમયમાં જ્ઞાતીના કાર્યાલયે પાસ વિતરણની વ્‍યવસ્‍થાઓ શરૂ કરવામાં આવશેઃ ખેલૈયા માટે લાખેણા ઇનામોની વણઝાર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માં ભગવતીની આરાધના માટે નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫નું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ તા. ૨ ઓક્‍ટોબર, ૨૦૨૫, ગુરુવાર (દશેરા) ના રોજ સાંજે ૬ વાગ્‍યાથી શાષાી મેદાન, રાજકોટ ખાતે યોજાશે. આ જાહેરાત પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા કરવામાં આવી છે.

દાતાઓનું રૂ. ૧૦ લાખથી વધુનું અનુદાનઃ આ એક દિવસીય નવરાત્રી મહોત્‍સવ માટે ગુ.ક્ષ. કડીયા સમાજના દાતાઓએ દસ લાખ રૂપિયાથી વધુનું અનુદાન આપી ઉદારતા દર્શાવી છે. દાતાશ્રીઓનું  સમાજ દ્વારા સાફો પહેરાવીને અને તેમની સાથે આવેલી બહેનોનું પણ વિશિષ્ટ રીતે સન્‍માન કરવામાં આવશે.

મુંબઈના પ્રખ્‍યાત ઓરકેસ્‍ટ્રા સાથે સંગીતની રમઝટ મહોત્‍સવમાં મુંબઈનું સુપ્રસિદ્ધ બામ્‍બુ બીટ્‍સ ઓરકેસ્‍ટ્રા તેના વિશાળ સાઉન્‍ડ સાથે ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. આકર્ષક ગ્રાઉન્‍ડ, ખ્‍યાતનામ સિંગરો, અધ્‍યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, આકર્ષક લાઈટિંગ અને ચુસ્‍ત સિક્‍યુરિટી સાથેનો આ કાર્યક્રમ સંપૂર્ણ પારિવારિક માહોલમાં યોજાશે.

પ્રવેશ અને નિયમોઃ આ નવરાત્રી મહોત્‍સવ ફક્‍ત અને ફક્‍ત સમગ્ર કડીયા જ્ઞાતિના લોકો માટે જ છે. પાસનું વિતરણ આગામી દિવસોમાં જ્ઞાતિના કાર્યાલય, ગોપીનાથ કોમ્‍પ્‍લેક્ષ, જીવરાજ હોસ્‍પિટલની નીચે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી ટોકન દરે શરૂ થશે. પાસ લેતી વખતે અને મહોત્‍સવ સ્‍થળ પર પ્રવેશ સમયે રાજકોટમાં રહેતા જ્ઞાતિજનોએ પોતાનું ઓરીજનલ આધાર કાર્ડ અને તેની સહી કરેલી ઝેરોક્ષ નકલ આપવી ફરજિયાત રહેશે.

ખેલૈયાઓ માટે ખાસ સૂચનાઓઃ તમામ ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત છે. ટ્રેડિશનલ ડ્રેસ વગર કોઈને પણ ગ્રાઉન્‍ડમાં પ્રવેશ મળશે નહીં. પ્રિન્‍સ-પ્રિન્‍સેસ બનવા માટે, ખેલૈયાઓએ સાંજે ૭ વાગ્‍યા પહેલા ગ્રાઉન્‍ડ પર પહોંચીને પ્રથમ રાઉન્‍ડથી જ ફરજિયાત રમવાનું રહેશે. ત્‍યારબાદ આવનાર ખેલૈયાઓ ઈનામ માટે હકદાર રહેશે નહીં.

સંગઠન અને એકતાનો ઉદ્દેશ્‍યઃ આ ધાર્મિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સમાજમાં સંગઠન અને એકતા વધારવાનો છે. આયોજનમાં શ્રી શ્‍યામ વાડી ટ્રસ્‍ટ, વિદ્યાર્થી મંડળ સમિતિ, સમૂહ લગ્ન સમિતિ, પ્રગતિ મંડળ અને રમત-ગમત સમિતિ સહિત જ્ઞાતિના તમામ મંડળો અને સમિતિઓનો સહયોગ મળ્‍યો છે. પ્રમુખશ્રી નરેન્‍દ્રબાપુએ સમગ્ર કડીયા જ્ઞાતિને આ ભવ્‍ય મહોત્‍સવનો લાભ લેવા માટે અપીલ કરી છે.

(10:44 AM IST)