News of Friday, 12th September 2025
શેરબજારના નામે ૧૦ લોકો સાથે ૧.૧૮ કરોડની ઠગાઇ
રાજકોટમાં સમય ટ્રેડીંગ-આશિષ ક્રેડીટ કો-ઓપરેટીય સોસાયટીના ચેરમેન-ભાગીદાર-એજન્ટ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો : મંડળીના સંચાલક પ્રદિપ ડાવેરા, ભાગીદાર દિવ્યેશ કાલાવડીયા અને એજન્ટ હિતેષ લુકકા સામે પરસાણાનગરના મનોજભાઇ નૈયરની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ થયો : શેરબજારમાં રોકાણ પર સારુ રીટર્ન મળશે તેવી લાલચ દઇ કાવત્રુ ઘડી રૂપિયા ઉઘરાવી લીધા બાદ મંડળીને તાળા મારી દીધાનો આરોપ

રાજકોટ તા. ૧૨: શહેરી સમય ટ્રેડિંગ કંપનીના સંચાલક-ભાગીદાર એજન્ટ સહિતની સામે દસ લોકો સાથે ૧ કરોડ ૧૮ લાખની ઠગાઇનો વધુ એક ગુનો દાખલ થયો છે. શેર બજારમાં રોકાણ પર નફા ઉપર દસ ટકા લેખે રીટર્ન આપવાની લાલચ દઇ આ તમામે છેતરપીંડી કરી હતી.
આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરસાણાનગર-૯માં રહેતાં મનોજભાઇ પરષોત્તમભાઇ નૈયા (ઉ.વ.૩૧) નામના યુવાનની ફરિયાદ પરથી સાઇ સમય ટ્રેડીંગ તથા આશિષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના ચેરમને પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, ભાગીદાર દિવ્યેશ કાલાવડીયા અને હિતેષ લુક્કા તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદીના ૨૩ લાખ અને બીજા રોકાણકારોના ૯૫,૫૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૧૮,૦૦,૦૦૦ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે. શેરબજારરમાં રોકાણ પર સારુ રીટર્ન મળશે કહીને આ બધાએ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો છે.
મનોજભાઇ નૈયર ગીત ગુર્જરી સોસાયટીમાં આરએમસીની ઓફિસમાં પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે જણાવ્યું છેક ે આઠેક વર્ષ પહેલા હું નાણાવટી ચોક્મા આવેલ જાસલ કોમ્પલેક્ષમા નોકરી કરતો હતો ત્યારે મેં કમાણીમાથી બચત કરી હતી. તે દરમ્યાન સંબંધી તથા મિત્ર જનકભાઈ ઝાલાએ જણાવેલ કે, સમય ટ્રેડીંગમાં એક સ્કીમ ચાલે છે, જેમા શેરબજારમાં રોકાણ કરવાથી નફા ઉપર રોકાણના ૧૦ ટકા લેખે રીટર્ન દર મહિને મળશે તેમ વાત કરેલ હતી. જેથી ઘરના સભ્યોને વાત કરી સમય ટ્રેડીંગમાં રોકાણ કરવાનું નકકી કરેલ હતુ. ત્યારબાદ બાદ મેં તા.૦૧/૦૧/૨૦૧૯ના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર કોમ્પલેક્ષમાં સમય ટ્રેડીંગની ઓફીસ આવેલ છે, ત્યા રૂ.૧ લાખ ભરેલ અને જે રકમ જનકભાઈ ઝાલાએ જમા લીધેલ હતા. જે બાબતે સમજુતી કરાર કરી આપેલ અને ત્યાર બાદ તા.૧૫/૦૧/૨૦૨૦ સુધીમા કૂલ ૨૩ લાખ અલગ અલગ સમયે સમય ટ્રેડીંગ કંપનીમા જમા કરાવેલ હતા. જે બાબતે પણ સમજુતી કરાર કરી આપેલ હતો.
મેં જમા કરાવેલ કુલ ૨૩ લાખ રૂપિયામાંથી શરૂઆતમા રૂ. ૫ લાખ જેટલો નફો મળ્યો હતો. મળેલ હતુ. ત્યારબાદ પ્રદિપ ડાવેરાએ કહેલ કે, હવે પછી તમને ત્રણ મહીનાનુ પ્રોફીટ એક સાથે આપી દઇશ. બાદમાં પ્રદિપ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા તથા હીતેશ લુક્કાએ સમય ટ્રેડીંગ નામની કંપની બંધ કરી આશિષ કો.ઓપરેટીવ સોસાયટી નામની મંડળી ચાલુ કરેલ હતી. મને કરી આપેલ સમજૂતી કરાર પ્રદિપ ડાવેરાએ જમા કરાવવાનું કહેતા કરાર જમા કરાવી આપેલ હતા. તેઓએ આશીષ કો.ઓપરેટીવ સોસાયટી મંડળીમા એફ.ડી. કરી આપેલ હતી. બે મહીના બાદ કહેલ કે તમને કરી આપેલ એફડી જમા કરાવી દો, હુ તમને એક મહીના અંદર રોકડા રૂપિયા આપી દઇશ તેમ જણાવતા મેં એફડી જમા કરાવેલ હતી.
ત્યારબાદ એક મહીના સુધી રાહ જોયેલ અને પ્રદીપ ડાવેરા કે તેમના ભાગીદારો કોઈએ જમા કરાવેલ રકમ આપવા આવેલ નહીં, જેથી આરોપીઓ તેમજ જનકભાઈ ઝાલાનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થતો ન હતો અને તેમની ઓફીસ તથા મંડળીએ તપાસ કરતા મળી આવતા ન હતા. દરમિયાન જાણવા મળેલ કે યુવાનની સાથે તથા તેમના સમાજના ધણા લોકો તેમજ અન્ય લોકોના રૂપીયા આ સ્કીમ રોકાયેલ છે અને તેઓના રૂપીયા પરત મળેલ નથી. તેઓના સમાજના લોકોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડમાં રોકાણ કરેલ હતુ. જેથી સમાજના લોકો ભેગા મળી ગઇ તા.૦૫/૧૦/૨૦૨૦ તથા તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ અરજીઓ કરેલ હતી.
ત્યાર બાદ ગઈ તા.૧૧/૧૧/૨૦૨૦ ના પ્રદીપ ડાવેરાએ સમાજના જે રૂપીયાનું રોકાણ થયેલ હોય તે રૂપીયા છથી આઠ માસમાં પરત ચુકવી દેશે તેમ વાત કરી લખાણ કરી આપેલ હતુ. છતાં પણ સમાજના લોકોના રૂપીયા આજ સુધી પરત મળેલ નથી. આરોપીઓ રૂપીયા બાબતે સમય આપે છે. જેમાં મંડળી તરફથી એજન્ટ તરીકે હિતેશ લુકકા, જનકભાઇ ઝાલા, અશોક કાલરીયા સહિતના એજન્ટોએ સમાજના લોકો પાસેથી રૂપીયા લઇ આ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગમાં રોકાણ કરેલ છે. સમાજના લોકો તથા અન્ય લોકોએ આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીની અલગ અલગ રૂપીયાની એફડી લીધેલ અને સમાજના અલગ અલગ એકાઉન્ટ ખોલાવી એફડી કરાવેલ હોય જેથી તે એફડી વિથડ્રો કરવી હોય તેમ છતા તેના ચેરમેન પ્રદીપ ડાવેરાએ એફ.ડી.ના રૂપીયા પરત આપ્યા નથી.
આમ મારા રૂપિયા ૨૩ લાખ અને બીજા રોકાણકારોના રૂા. ૯૩ લાખ ૫૦ હજાર મળી કુલ રૂા. ૧,૧૮,૫૦,૦૦૦ સમય ટ્રેડિંગ, સાંઈ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીમાંથી લેવાના નીકળતા હોઇ જે પરત ન આપી છેતરપીંડી આચરવામાં આવતાં ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં મનોજભાઇએ કહેતાં પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ એસ. વી. જોરા અને સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
કોણે કેટલા નાણા ગુમાવ્યા?
રાજકોટઃ સમય ટ્રેડિંગ મંડળીનો કંપનીના સંચાલક-ભાગીદાર સહિતે જેને છેતરી લીધા છે તેમાં ફરિયાદી મનોજભાઇ ઉપરાંત બીજા પણ સામેલ છે. યશભાઈ ભરતભાઈ ઘાવરીના રૂ. ૯ લાખ, કાળીબેન ભવાનભાઈ વાઘેલાના રૂ. ૩ લાખ, મીનાબેન બાબુલાલ સોઢાના રૂ. ૨૭.૫૦ લાખ, શોભનાબેન અર્જુનભાઇ સોઢાના રૂ. ૨૦ લાખ, સતિષભાઈ લવજીભાઈ રાઠોડના રૂ. ૪ લાખ, ગીરીશભાઇ લવજીભાઇ રાઠોડના રૂ. ૨૦ લાખ, જયેન્દ્રભાઈ હીરભાઇ ઘાવરીના રૂ. ૨ લાખ, હેંમતભાઈ સોમાભાઈ વાઘેલાના રૂ. ૫ લાખ અને જયાબેન હેમતભાઇ વાઘેલાના રૂ. રૂ. ૫ લાખ મળી કુલ રૂ.૯૫.૫૦ લાખનું રોકાણ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીમાં કર્યુ હતું. આ બધાએ રકમ ગુમાવી છે.
(2:50 PM IST)










