News of Friday, 12th September 2025
પાંચ દિવસ પહેલા ગૂમ થયેલા યુવાનની સોખડાના તળાવમાંથી લાશ મળી આવી
મુળ દાહોદનો યુવાન રાજકોટ સેન્ટીંગ કામ કરવા આવ્યો હતોઃ લપસી પડતાં ડૂબી ગયાનું અનુમાનઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૨: કુવાડવાના સોખડા ગામની નદીમાંથી ગઇકાલે અજાણ્યા યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. આ યુવાનની ઓળખ થઇ છે. મુળ દાહોદનો યુવાન ચાલીને જતો હોઇ પગ લપસી જતાં તળાવમાં પડી ગયા બાદ ડુબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ગઇકાલેસોખડાના તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગૂમ થયેલા લોકોની યાદી તપાસમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં ૭/૯ના રોજ રમેશ નામના યુવાનની ગૂમ નોંધ હોઇ તેના આધારે તપાસ થતાં આ યુવાન મુળ દાહોદના દેવગઢ બારીયાના ભડભા ગામનો રમેશભાઇ રામસિંગભાઇ કોળીપટેલ (ઉ.વ.૪૦) હોવાનું ખુલ્યું હતું. તે કેટલાક દિવસ પહેલા સોખડા ગામે સેન્ટીંગ કામ કરવા આવ્યો હતો. ગત ૭મીએ તે આટો મારવા નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી. દરમિયાન તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
તે છ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે દિકરી છે. ચાલીને જતી વખતે પગ લપસતાં તળાવમાં પડી ગયાની વિગતો ખુલી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા કરાવ્યું હતું.
(2:46 PM IST)










