<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કાલાવડ રોડ પર અરિવા વેલનેસ એન્‍ડ હેલ્‍થ કેર સ્‍પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું

દિલ્‍હી, બિહાર, મેઘાલય, ગુજરાત, આસામની ૮ યુવતિ પાસે લોહીનો વેપલો કરાવાતો હતો ટેલિકોલર તરીકે કામ કરતાં તિર્વાર સચિન, ગ્રાહકો શોધતા ઉજ્જવલ ઢાંકેચા અને જગદીશ મકવાણાની ધરપકડઃ સંચાલક સૂરજ પરીયાર અને મેનેજર રમેશ શર્માની શોધખોળઃ પીઆઇ બી. એમ. ઝણકાત અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: શહેરમાં વધુ એક સ્‍પામાં પોલીસેડમી ગ્રાહક મોકલી દેહવેપલાનો પર્દાફાશ કર્યો છે. કાલાવડ રોડ પર જસ્‍ટ ડોગની ઉપર બીજા માળે અરીવા વેલનેસ એન્‍ડ હેલ્‍થ કેર સ્‍પામાં સંચાલક છોકરીઓ રાખી સ્‍પા મસાજના નામે દેહવિક્રયનો ધંધો કરાવતો હોવાની બાતમી પરથી એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડયો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતીતયારે બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્‍યો હતો. હેડકોનસ. મહમદઆરીફ અંસારીની ફરિયાદ પરથી યુનિવર્સિટી રોડ ઇન્‍દિરા સર્કલ પાસે બીઝનેસ કોર્નર પાસે રહેતાં સુરજ ગણેશ પરીયાર, યુનિવર્સિટી રોડ દોશી પ્‍લાઝા પાછળ રહેતાં રમેશ વિષ્‍ણુ શર્મા, બાલાજી હોલ પાછળ ટાઇમ સ્‍ક્‍વેરમાં રહેતાં તિર્વાર સચીન સુરેશભાઇ, જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ઉજ્જવલ અશોકભાઇ ઢાંકેચા અને આસ્‍થા ચોક આંબેડકરનગર-૫માં રહેતાં જયદીશ દિનેશભાઇ મકવાણા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

મહમદઆરીફ અંસારીએ જણાવ્‍યું હતું કે અમને માહિતી મળી હતી કે અરીવા વેલનેસ એન્‍ડ હેલ્‍થ કેર સ્‍પામાં કૂટણખાનુ ચાલી રહ્યું છે. તેના આધારે ડમી ગ્રાહકને મોકલાયો હતો અને દરોડો પાડવામાં આવ્‍યો હતો. સ્‍પામાં કાઉન્‍ટર પર ત્રણ શખ્‍સ હાજર હતાં. જેમાં એકે પોતે રિસેપ્‍સનીસ્‍ટ કમ ટેલીકોલર તરીકે કામ કરતો હોવાનું અને પોતાનું નામ તિર્વાર સચીન સુરેશ-નેપાળી  કહ્યું હતું. બીજાએ પોતે ઉજ્જવલ ઢાંકેચા અને ત્રીજાએ જગદીશ મકવાણા નામ જણાવ્‍યા હતાં. આ ત્રણેયએ સ્‍પાના મેનેજરનું નામ વિષ્‍ણુ શર્મા હોવાનું અને સંચાલક સુરજ પરીયાર હોવાનું કહ્યું હતુ. અન્‍ય બે શખ્‍સો હાઉસ સ્‍કીપીંગનું કામ કરવાવાળા હતાં.

બાદમાં એક રૂમ ચેક કરતાં અંદર પુરૂષ (ડમી ગ્રાહક) અને યુવતિ મળી આવ્‍યા હતાં. ૨૪ વર્ષની યુવતિએ પોતે મેઘાલયની હોવાનું  કહ્યું હતું. તેણે કહેલુ કે ગ્રાહકને તિર્વાર સચીન, ઉજ્જવલ અશોક અને જગદીશ મકવાણા લાવે છે. સ્‍પાની એન્‍ટ્રી ફી ૧૦૦૦ છે અને છોકરી સાથે શરીર સંબંધ બાંધવાના ૩૦૦૦ લેવામાં આવે છે. જેમાંથી ૨૦૦૦ તેણીને અપાય છે. બાકીના સંચાલક લઇ લે છે.

પોલીસે સ્‍પામાં તપાસ કરતાં અન્‍ય ૭ છોકરીઓ પણ મળી આવી હતી. જેમાં ગુજરાતની બે, દિલ્‍હી, મણીપુરની એક અને મેઘાલયની બે તથા બિહાર આસામની યુવતિઓ પણ હતી. પોલીસે સ્‍પામાં હાજર અને ટેલિકોલર તરીકે કામ કરતાં બાલાજી હોલ પાસે રહેતા તિર્વાર સચિન સુરેશ, જામનગર રોડ પરના સ્‍લમ ક્‍વાર્ટર્સમાં રહેતા ઉજ્જવલ અશોક ઢાકેચા, આંબેડકરનગરના જગદીશ મકવાણાની ધરપકડ કરી હતી તેમજ સ્‍પા સંચાલક સૂરજ ગણેશ પરિયાર અને મેનેજર રમેશ વિષ્‍ણુ શર્માની શોધખોળ શરૂ કરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી.એમ. ઝણકાત, પીએસઆઇ એ. કે. ગોસ્‍વામી, હેડકોન્‍સ. હસમુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, કોન્‍સ. ભુમિકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદ, લોકરક્ષક જ્‍યોતિબેન બાબરીયા, ડ્રા.સુર્યકાંતભાઇએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)

(2:47 PM IST)