News of Saturday, 13th September 2025
રાજકોટ શહેર જીલ્લાની તમામ કોર્ટેમાં મેગા લોક- અદાલત યોજાઈઃ બપોર સુધીમાં ૨૫ ટકા કેસોનો નિકાલ
૩૦ હજારની વધુ કેસો નિકાલ માટે મુકાયાઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોનું વળતર અપાયું: લેણાની રકમમાં લાખોની રકમની રીકવરીઃ સાંજ સુધીમાં મોટાપાયે કેસોનો નિકાસ થવાની સંભાવનાઃ પ્રિલીટીગેશનના અંદાજે લાખો કેસો વિચારણામાં લેવાશેઃ લગ્ન વિષયક કેસોમાં પતિ-પત્નિના જીવન મહેકતા કરાયા

રાજકોટ, તા.૧૩: રાજકોટ શહેર જિલ્લાની તમામ કોર્ટમાં આજે તારીખ ૧૩ સપ્ટેમ્બરે મેગા લોક અદાલત યોજાઈ હતી. જેમાં અંદાજે ૩૦ હજારથી વધુ કેસો મુકાયાછે. આજે ૩૦ હજારથી વધુ સમાધાનયોગ્ય કેસો હાથ પર લેવા ન્યાયિક વર્તુળોના પ્રયાસો બાદ સાંજ સુધીમાં ૫૦ ટકાથી વધુ કેસોનો નિકાલ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
ગુજરાત રાજય અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા તા. ૧૩.૦૯.૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેગા લોક અદાલતમાં રાજકોટ શહેરની અને તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં કેસ દાખલ થાય તે પહેલાંના પ્રિલીટિગેશન કેસો સહિત અંદાજે અડધો લાખ જેટલા સમાધાન યોગ્ય કેસો વિચારણા ઉપર લેવામાં આવ્યા હતા. તેમાં અન્ય સમાધાન યોગ્ય કેસોમાં નેગોશીએબલ એક્ટના ચેક રિટર્ન અંગેના કેસો, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો,લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા, રેવન્યુ કેસીસ, દિવાની -કારના, ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના, કરાર પાલનના દાવા તેમજ અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવેલ હતાં.
આ તકે રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક અદાલતમાં તેઓના કેસ નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો ઝડપી નિકાલ થાય છે તથા બંને પક્ષની રાજી ખુશી જોવાતી હોય કોઈનો વિજય નહી તેમજ કોઈનો પરાજય નહીં તેવી પરીસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.
આજે તારીખઃ- ૧૩,૦૯,૨૦૨૫ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારોએ મોટી સંખ્યામાં સક્રીય ભાગ લેણા ખેલ જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો આગામી લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકતા હોવાનું જણાવ્યું હતું.
આજે યોજાયેલ લોક અદાલતમાં અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજૂર કરાયા હતા. જ્યારે લેણાના કેસોમાં પક્ષ લાખો રકમની રીકવરી કરવામાં આવી હતી. પ્રથમ બે કલાકમાં ૨૫ ટકા જેટલા કેલોનો નિકાલ થયાનું જાણવા મળે છે. આજની આ લોક અદાલતમાં જ્યુડીશનલ ઓફીસરો, બેંક, વિમા, કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. લગ્ન વિષયક કેસોમાં પણ સમાધાન કરી દંપતિના જીવન મહેકતા કરવામાં આવ્યા હતા.
(3:15 PM IST)










