News of Saturday, 13th September 2025
આર્મીમાં જવા તૈયારી કરતાં ગજેરા પાર્કના વિદ્યાર્થી પર જ્યુબીલી બાગની લાયબ્રેરી પાસે છરીથી હુમલો
લાયબ્રેરીમાં મિત્રો સાથે વાંચવા ગયો હતોઃ અજાણ્યા શખ્સોએ તે કેમ આર્મી જેવા વાળ રાખ્યા છે? કહી અજાણ્યાએ હુમલો કર્યોઃ પોલીસે એક શકમંદને પુછતાછ માટે ઉઠાવ્યો

રાજકોટ તા. ૧૩: શહેરના જ્યુબીલી બાગમાં આવેલી લાયબ્રેરીમાં મિત્ર સાથે વાંચન કરવા ગયેલા આજીડેમ ચોકડી પાસે ગજેરા પાર્કમાં રહેતાં કયુર જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.૧૯) નામના કોલેજીયન છાત્ર પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરીના ઘા મારી પડખા, માથામાં ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો છે. આ વિદ્યાર્થી અભ્યાસ સાથે આર્મીમાં ભરતી થવા તૈયારી કરી રહ્યો છે. તેણે ટુંકા વાળ રાખ્યા હોઇ અજાણ્યાએ તે કેમ આર્મીમેન જેવા વાળ રાખ્યા છે? કહી ઝઘડો કરી હુમલો કર્યાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી એક શખ્સને ઉઠાવી પુછતાછ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ કેયુર મકવાણા સવારે દસેક વાગ્યે જ્યુબીલી બાગની લાયબ્રેરીમાં વાંચન કરવા મિત્ર સાથે આવ્યો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરીથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
કેયુર જસાણી કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણે છે અને સાથે આર્મીમાં ભરતી થયા તૈયારી કરે છે. તેણે જણાવ્યું હતું કે પોતે અને મિત્ર વાંચન માટે લાયબ્રેરીમાં ગયા ત્યારે કોૈશીક અને અજાણ્યા શખ્સે તે કેમ આર્મી જેવા ટુંકા વાળ રાખ્યા છે? તને હવા છે? કહી ઝઘડો કરી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો. એ-ડિવીઝન પોલીસે એક શખ્સને પુછતાછ માટે અટકાયતમાં લીધો હતો. કેયુર બે ભાઇમાં મોટો છે અને પિતાને કરિયાણાની દૂકાન છે.
(3:58 PM IST)










