News of Monday, 15th September 2025
દૂધસાગર રોડના મોહસીન ચૌહાણ અને માસીયાઇ ભાઇ પર હડમતીયા ગામના પાટીયે હુમલો કરી રોકડની લૂંટ
અમારે અલ્ફાઝ સાથે માથાકુટ ચાલે છે, તું કેમ તેની સાથે ફરે છે અને એના કામ કરે છે? કહી મોહસીનશા શાહમદાર, તેનો સાળો સદામ કુરેશી સહિત ચાર જણા ધારીયા-પાઇપથી તૂટી પડયા :મિત્ર અલ્ફાઝની બોલેરોમાં ડીઝલ ખુટતાં તેણે આજીડેમ-૨ ખાતે પૈસા આપી જવા કહેતાં મોહસીન અને માસીયાઇ ભાઇ ત્યાં જતાં હતાં ત્યારે રસ્તામાં આંતરી લેવાયાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: શહેરના દૂધસાગર રોડ પર રહેતાં અને અમુલ ડેરીમાં નોકરી કરતાં યુવાનને તે પોતાના મિત્રને આજીડેમ-૨ ખાતે બોલેરોમાં ડીઝલ ખુટી ગયું હોઇ પોતાના માસીયાઇ ભાઇને લઇ ટુવ્હીલર પર મિત્રને પૈસા આપવા નીકળ્યો ત્યારે હડમતીયાના પાટીયે ડેરી વિસ્તારના જ શખ્સ અને તેના સાળા સહિત ચાર જણાએ તેને આંતરી તું અમારે જેની સાથે ડખ્ખો ચાલે છે તેની સાથે કેમ ફરે છે, તેના કામ શું કામ કરે છે? કહી ધારીયા-પાઇપથી માર મારી તેની પાસેની રોકડ રકમ લૂંટી લઇ માથે જતાં ખૂનની ધમકી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે દૂધસાગર રોડ લાખાજીરાજ નગર શેરી નં. ૪માં ફારૂકી મસ્જીદ પાસે રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં મોહસીન આરીફભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી લાખાજીરાજ શેરી નં. ૩૪માં રહેતાં મોહસીનશા હબીબશા શાહમદાર તથા ભગવતીપરામાં ભારત પાન નજીક રહેતાં સદામ સિદીકભાઇ કુરેશી અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોહસીન ચોૈહાણે જણાવ્યુ છે કે હું પરિવાર સાથે રહુ છું અને ચુનારાવાડ ચોકથી આગળ આવેલી અમુલ ડેરીમાં નોકરી કરુ છું. રવિવારે ૧૪મીએ બપોરે અઢી આસપાસ મારા મિત્ર અલ્ફાઝ મયુદ્દીનભાઇ કુરેશીએ મને ફોન કરી કહ્યું હતું કે હું આજીડેમ-૨ ઉપર હાજર છું અને મારી ગાડીમાં ડીઝલ પુરાવવું છે, તું મારા ઘરે જઇ પૈસા લઇને આજીડેમ-૨ ખાતે મને આપી જા. આથી હું મિત્ર અલ્ફકાઝના ઘરે ગયો હતો અને ત્યાંથી તેનું એક્સેસ જીજે૦૧વાયએચ-૯૬૦૭ લઇ હું તથા મારા માસીનો દિકરો નોઇન નઝીરભાઇ યુસુફી એમ બંને રૂા. ૪૭૦૦ લઇને અલ્ફાઝને આપવા માટે નીકળ્યા હતાં. ત્રણેક વાગ્યે અમે ગવરીદડથી બેડી ગામના રસ્તે જતાં હતાં ત્યારે હડમતીયા ગામના પાટીયે પહોંચતા થોડે દૂર જઇ મેં અલ્ફાઝને ફોન કરી તું ક્યાં ઉભો છો? તેમ પુછ્યું હતું.
આથી અલ્ફાઝે કહેલુ કે હું બેડી ચોકડી તરફ આવું છું, આથી મેં એક્સેસ પાછુ વાળ્યું હતું અને બેડી ચોકડી તરફ અમે જતાં હતાં ત્યાં દૂધની ડેરી પાસે રહેતો મોહસીનશા, તેનો સાળો સદામ કુરેશી તેની રિક્ષા અને બાઇક લઇને ઉભા હતાં. તેની સાથે બીજા બે શખ્સો પણ હતાં. આ ચારેયએ મને બૂમ પાડીને ઉભા રહેવાનું કહેતાંમેં મારુ વાહનઉભુ રાખ્યું હતું. આ સાથે જ આ લોકો મને ગાળો દઇ કહેવા લાગેલા કે અમારે અને અલ્ફાઝને માથાકુટ ચાલે છે અને તું તેની સાથે કેમ ફરે છે, તેનું કામ શું કામ કરે છે? કહી ઉશ્કેરાઇ ગયા હતાં. આ પછી મોહસીનશાએ ધારીયાથી હુમલો કરી મારા માથામાં ઘા મારી દીધો હતો જેથી લોહી નીકળવા માંડયા હતાં. ત્યાં તેના સાળા સદામે છરી કાઢી હુમલો કરતાં મેં હાથ આડો રાખતાં આંગળીમાં ઇજા થઇ હતી. અજાણ્યા બે જણાએ લોખંડના પાઇપથી મને માર માર્યો હતો.
જેથી મારા માસીનો દિકરો નોઇનખાન વચ્ચે પડતાં આ લોકોએ તેના ઉપર પણ હુમલો કરી ઇજા કરી હતી. મોહસીને બાદમાં મને ગળુ પકડી જકડી રાખ્યો હતો અને હાથ પર માર મારતાં ઇજા થતાં હું પડી ગયો હતો. બાદમાં સદામ, મોહસીને મારા પેન્ટના પાછલા ખિસ્સામાં રહેલી ૪૭૦૦ની રોકડ લૂંટી લીધી હતી. જતાં જતાં મને ધમકી આપી હતી કે જો હવે પછી તું અલ્ફાઝ ભેગો જોવા મળીશ તો જાનથી મારી નાખશું. આ બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં આ ચારેય ભાગી ગયા હતાં. બાદમાં મને મારો માસીયાઇ ભાઇ હોસ્પિટલે લઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. પી. જી. અગ્રાવતે હોસ્પિટલે પહોંચી મોહસીનની ફરિયાદ નોંધી હતી. પીએસઆઇ બી. વી. ભગોરાએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(4:52 PM IST)










