<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

સમાન અધિકારના મુદે રાજકોટથી દલિત સ્‍વાભિમાન સંમેલનનું બ્‍યુગલ ફુંકાયુ

અનુસુચિત જાતી ડીપાર્ટમેન્‍ટના ચેરમેન એડ. રાજેન્‍દ્રપાલ ગોૈતમ અને ડો.આંબેડકરના પોૈત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકરના પ્રમુખસ્‍થાને રાજકોટમાં દલિતો, વંચિતોને ન્‍યાય માટે સરકાર સામે એક સુરે ઉઠયો વિરોધ : રાજકોટના બાબા સાહેબ આંબેડકર ભવન (મ્‍યુ.કોર્પોરેશન)માં બાબા સાહેબની પ્રતિમા મુકવાની માંગણી, પ્રેમ મંદિર પાસેથી પીપીપી ના બહાને હટાવાયેલી બાબા સાહેબની પ્રતિમાની વિઝીલન્‍સ તપાસ, કાળીપાટમાં ખેતી મંડળીઓને ૧૯૭૫ માં ખાલસા કરી ફાળવાયેલી ૧૫૩ એકર જમીન અનુસુચીત જનજાતી પાસેથી આંચકી મુળ માલીકોને પરત સોંપવામાં ભાગ ભજવનાર અધિકારીઓ સામે કડક રાહે પગલા અને પીપીપી યોજના માટેની કમિટીમાં અનુસુચિત જાતી- જનજાતીના સભ્‍યોનો સમાવેશ કરવાના સ્‍થાનિક મુદે થઇ રહેલા અન્‍યાય સામે સંમેલનમાં ઠલવાયો રોષ : અનુસુચિત જાતી-જનજાતી, અને વંચિતોના પ્રશ્‍ને સરકાર યોગ્‍ય નહી કરે તો ૧૮ એપ્રીલ ૨૦૨૬માં રાજકોટમાં મહાસંમેલન ભારતભરના રાષ્‍ટ્રીય નેતાઓની હાજરીમાં બોલાવાશેઃ ડો.બાબાસાહેબ આંબેડકર ૧૮ એપ્રીલ ૨૦૪૯માં રાજકોટ મુલાકાતે આવેલા માટે આ દિવસે જ સરકાર વિરોધી આંદોલનના મંડાણ થશેઃ એડ.રાજેન્‍દ્રપાલ ગોૈતમ, ડો.ભીમરાવ યશવંતરાય આંબેડકર

આજે હોટેલ મીન્‍ટ ખાતે દલિત સ્‍વાભીમાન સંમેલનના મુદે પત્રકાર પરીષદ રાષ્‍ટ્રીય નેતાઓએ સંબોધી હતી. (ફોટોઃ અભિજીત બગથરીયા)(૨.૧૯)

રાજકોટ તા.૧૫: આજે જુના એરપોર્ટ નજીક છોટુનગરમાં આવેલી હોટલ મીન્‍ટના પાર્ટી પ્‍લોટમાં સમાન અધિકારના મુદે દલિત સ્‍વાભીમાન સંમેલન યોજાયુ હતું. આ પુર્વે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબના આંબેડકરના પોૈત્ર ડો.ભીમરાવ યશવંતરાય આંબેડકર અને અનુસુચિત જાતી ડીપાર્ટમેન્‍ટ ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસના ચેરમેન એડ. રાજેન્‍દ્રપાલ ગોૈતમે પત્રકાર પરિષદ સંબોધી સરકારની મનુવાદી નિતી સામે ભારોભાર રોષ પ્રગટ કર્યો હતો. બંન્ને અગ્રણીઓએ માત્ર દલિત આદિવાસી જ નહી પરંતુ જનરલ કેટેગરીના ગરીબોને સરકાર દ્વારા થઇ રહેલા અન્‍યાયનો મુદો પણ ગંભીર ગણાવ્‍યો હતો.

એડ. રાજેન્‍દ્રપાલ ગોૈતમે પત્રકારોને સંબોધતા જણાવ્‍યું હતુ કે, રાજકોટની મ્‍યુ. કચેરી વાળા બાબા સાહેબ આંબેડકર ભવનમાં બાબા સાહેબની પ્રતિમા મુકવા તત્‍કાલીન કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ સ્‍ટેન્‍ડિંગ કમીટી સમક્ષ મુકેલી માંગના પ્રત્‍યુતર રૂપે સ્‍થાનીક ભાજપની સતાધારી પાંખે ૨૦૧૭માં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મુકવા બતાવેલી તૈયારી સંદર્ભે આજસુધી કોઇ કાર્યવાહી નથી થઇ તે અત્‍યંત દુઃખદ બાબત છે. ભારતના બંધારણના ઘડવૈયાના અપમાન રૂપ આ બાબત છે. આ ઉપરાંત પ્રેમ મંદિર નજીક ટાઉન પ્‍લાનીંગના ફાઇનલ પ્‍લોટ ૨૮૮માં વર્ષોથી સ્‍થાપીત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પીપીપી યોજનાના બહાને ઝુપડપટ્ટી ન હોવા છતાં ઉખાડી ફેંકવાની ઘટના સંદર્ભે વિઝીલન્‍સ તપાસ ઉપરાંત ૧૯૭૫માં કાળીપાટ નજીક અનુસુચિત જનજાતીની ખેતી મંડળી માટે ફાળવાયેલી ૧૫૩ એકર જમીન ફરી મુળ ખેડુતોને સોંપી આચરાયેલા ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલા કલેકટર તંત્રના અધિકારીઓ સામે આકરા પગલા લેવા અને પીપીપી ધોરણે બનાવામાં આવતી યોજનાની કમીટીમાં એસ.સી., એસ.ટી. અને ઓબીસીના એકપણ સભ્‍યોનો સમાવેશ નહી કરી બંગલામાં મહાલતા સર્વણોનો સમાવેશ કરી થઇ રહેલા અન્‍યાય સહિતના મુદે જો હકારાત્‍મક અભિગમ અપનાવામાં નહી આવે તો ૧૮ એપ્રીલ ૧૯૪૯ ના દિવસે ડો.આંબેડકર રાજકોટની મુલાકાતે આવ્‍યા તે જ દિવસે ૧૮ એપ્રીલ ૨૦૨૬ના રાજકોટમાં ભારત ભરના દલિત આગેવાનોની હાજરીમાં એક લાખ જેટલી સંખ્‍યામાં મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી.

 આ ઉપરાંત શિક્ષા, સંપતિ અને શિક્ષણમાં સમાન અધિકાર માટે દલિતો અને વંચિતો માટે અવાજ ઉઠાવનાર જયોતીબાઇ ફુલે અને સાવિત્રબાઇ ફુલેના પગલે ૧૯૪૮માં દલિતો માટે શરૂ થયેલી પ્રથમ સ્‍કુલ કોંગ્રેસ સરકારે શરૂ કરી અને ત્‍યારબાદ દલિતોને સમાન અધિકાર આપવા કરેલા નિર્ણયોને યાદ કરી વર્તમાન ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષમાં દેશભરમાં ૨ હજારથી વધુ સરકારી સ્‍કુલો બંધ કરી દલિતો, વંચિતો અને ગરીબોને વધુ નિમ્‍નસ્‍તરે લઇ જવા કરેલા હિન કક્ષાના નિર્ણયોને બાબા સાહેબ આંબેડકરના સંવિધાન વિરોધી ગણાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે આઝાદી બાદ અનુસુચિત જાતી, જનજાતીને ફાળવેલી ખેતીની જમીનો લેન્‍ડ લોર્ડસને ફાળવી કરેલા અન્‍યાય, કલાસ-૪ની નોકરીઓના રસ્‍તા બંધ કરવા રૂપ બંધ કરવાનુ કોન્‍ટ્રેક પધ્‍ધતીને લાગુ કરવાની નીતી ઉપરાંત ખાનગી શિક્ષણ ને પ્રોત્‍સાહન આપી ગરીબોના વિદ્યાર્થીઓ ભણી ન શકે તેવા પ્રયાસોને વખોડી કાઢયા હતા. આર્ટીટેકટની એક ડીગ્રી સામાન્‍ય વર્ગ માટે પણ મેળવવી આર્થિક રીતે પોસાય તેમ નથી તો ગરીબોનું તો ગજુ જ નથી. સરકારી કોલેજોના ફી ના ધોરણ વધી ગયા છે. પાંચમાં પગાર પંચમાં ચોથા વર્ગના કર્મચારીઓને થયેલા અન્‍યાયથી સામાજીક સલામતી રહી નથી. જે સરકારી સફાઇ કામદારને ૫૦-૫૫ હજારનો પગાર મળે તે જગ્‍યાએ કોન્‍ટ્રેકટ પ્રથા લાગુ કરી ૧૫ હજારનો પગાર ઉધારી ૭ હજાર માત્ર ગરીબ સફાઇ કામદારને પકડાવી કોન્‍ટ્રેકટર ૮ હજારની મલાઇ તારવી ગરીબોની ભંયકર મશ્‍કરી કરી રહયા છે. આ બધુ સરકાર પ્રેરીત છે. પ્રાઇવેટ પ્રીમીયમ એજ્‍યુકેશનમાં ૧ % દલીત વિદ્યાર્થીઓ નથી જયારે આદિવાસીનું પ્રમાણ ૦.૫%નું છે. નેશનલ લો યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને વર્ષના ૫ લાખ લેખે ૨૫ લાખ અને એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ માટે ત્રણથી ચાર લાખ રૂપીયાના અલગ ખર્ચ સાથે ૩૦-૩૦ લાખનો ખર્ચ વેંઢારવો પડી રહયો છે. સામાન્‍ય કેટેગરીને પણ આ ખર્ચ પોસાય તેમ નથી ત્‍યારે ગરીબોનું પુછવું શું. તેવા વેધક સવાલો ઉઠાવી સરકારની નીતી-રિતીઓ ખુલ્લી પાડી હતી.

 ડો.ભીમરાવ યશવંતરાય યાદવે પણ વર્તમાન ભાજપ સરકારની દલિતો અને વંચિતો વિરૂધ્‍ધની નિતી અંગે ઝાટકણી કાઢી હતી અને કોંગ્રેસ સરકારના અનુસુચિત જાતી- જનજાતી અને વંચિતોના ઉધ્‍ધાર માટે લીધેલા પગલાઓની સરાહના કરી હતી. તેમણે જણાવ્‍યુ કે, વર્તમાન સરકારની મનુવાદી નિતીને લઇને દલિતો આદિવાસીઓને જ નહિ પરંતુ સર્વણ જાતીના આર્થિક નબળા લોકોને પણ વધુને વધુ માર પડી રહયો છે. અદાણી- અંબાણી એક-એક ક્ષણે અબજો કમાઇ રહયા છે અને સામાન્‍ય જનને પરિવાર ચલાવવાના ફાંફા પડી રહયા છે. આજે રાજકોટથી દલિત સ્‍વાભીમાન સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે જે આવતા ૭ મહિનામાં તાલુકે-તાલુકે, જીલ્લે-જીલ્લે અને શહેરે- શહેરે પ્રબળ બનાવી સમાન અધિકારના મુદે પ્રબળ જાગૃતિ લાવવામાં આવશે. જો વર્તમાન સરકાર અનુસુચિત જાતી- જનજાતીની પેન્‍ડીંગ માંગણીઓ પરત્‍વે યોગ્‍ય ધ્‍યાન નહી આપે તો પરિવર્તન પવન ફુંકાઇ ને જ રહેશે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સ સમયે જામનગરના અગ્રણી અને પૂર્વ આરોગ્‍ય મંત્રી દિનેશભાઇ પરમાર, રાજકોટ મ્‍યુ.કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, પૂર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમાર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઇ ડાભી સહિતના અસંખ્‍ય દલિત નેતાઓ ઉપસ્‍થિત રહયા હતા

(4:43 PM IST)