News of Tuesday, 16th September 2025
નરેન્દ્રભાઇના ૭૫મા જન્મદિને સંજય જેઠવા દ્વારા ૭૫ મીટર કાપડની મહાપાઘડીનું નિર્માણ
પીએમ મોદીના રાજકોટના ચાહકની અનોખી ગીફટઃ નરેન્દ્રભાઇને મળી ભેટ આપવાની ઇચ્છા

ઉપરોકત તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું પાઘડી પહેરાવી સન્માન કરતા સંજયભાઇ તથા બાજુની તસ્વીરમાં નરેન્દ્રભાઇના ૭૫મા જન્મદિવસ અનુલક્ષીને બનાવવામાં આવેલ ૨૫ કિલોની મહાકાય પાઘડી દર્શાય છે.
રાજકોટઃ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇના કાલે જન્મ દિવસે તેમને છાજે એવી વિશાળકાય ‘‘પાઘડી'' ની રાજકોટ ના સંજયભાઈ જેઠવા દ્વારા બનાવવામાં આવી છે.
શહેરના બજરંગવાડી-ર વિસ્તાર મા સંજયરાજ સાફા નામે પાઘડી સાફાના કસબી સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની ચાહના અને પ્રેમથી કાલે ૧૭ સપ્ટેમ્બરના જન્મ દિવસે ભેટ આપવાં વિશાળ બેનમૂન વિશિષ્ટ પાઘડી તૈયાર કરી છે.
‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સંજયભાઇએ પાઘડી પહેરાવી આર્શીવાદ લીધા હતા. પાઘડી અંગેની વિગતો આપતા જણાવેલ કે, આ પાઘડીની વિશેષતા જણાવેલ કે તેની લંબાઈ ૭૫ મીટર છે, જે વડાપ્રધાન મોદીજી ના ૭૫ મા જન્મદિવસનું પ્રતીક છે. વડાપ્રધાન તરીકેના મોદીજીના શાસનકાળને ૧૦ વર્ષ થયા હોવાથી, આ પાઘડી ૧૦ ફૂટની પહોળાઈમાં રાખવામાં આવી છે. નરેન્દ્રભાઇ દેશના ૧૬ મા વડાપ્રધાન છે, તેથી આ પાઘડીની ઊંચાઈ ૧૬ ઇંચની છે. ઉપરાંત આ ૨૦૨૫ મુ વર્ષ ચાલે છે જે આ પાઘડીનું વજન ૨૫ કિલોગ્રામ છે.
સંજયભાઈ છેલ્લા બે વર્ષથી રાજકોટના ઈશ્વરીયા મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ ના પહેલાં સોમવારે ભોળાનાથ માટે ૪૫ રિંગવાળી અનોખી પાઘડી નો અભિષેક કરે છે , જે આ નરેન્દ્રભાઇની પાઘડી માટે પ્રેરણા બની હતી. સંજયભાઈની ઈચ્છા છે કે તેઓ મોદીજીને પ્રત્યેક્ષ મળીને આ પાઘડી અર્પણ કરે.આ વિશિષ્ટ પાઘડીની ખાસિયતો બાબતે સંજયભાઈ એ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે સાફો અને પાઘડી ચડાવું છું. જે બાદ મને વિચાર આવ્યો કે, મારે હવે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે પાઘડી બનાવવી છે. આ પાઘડી બનાવ્યા બાદ મને ખૂબ જ આનંદ થયો છે.સંજયભાઇએ આ પાઘડી પાંચ કારીગરો સાથે બનાવતા પાંચ દિવસ જેટલો સમય લાગ્યો છે. આ પાઘડી ગુજરાતની આંટીવાળી પાઘડી કહેવામાં આવે છે. ‘‘અકિલા'' કાર્યાલયની મુલકાત પ્રસંગે પાઘડીના કસબી સંજયભાઇ જેઠવા (મો.૯૮૨૫૯ ૦૮૨૧૭), અલ્પેશ ગોહિલ, સુભાષભાઇ રામાનુજ તથા પરેશ ગોહિલ ઉપસ્થિત રહયા હતા.
(2:35 PM IST)










