<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

હેલ્‍મેટના મુદે મહિલા વકીલને એક જ દિવસમાં બે મેમા અપાતા ટ્રાફિક પોલીસની નિયમ વિરૂધ્‍ધની કાર્યવાહીને કોર્ટમાં પડકારાશે

૨૪ કલાકમાં બે મેમા આપી શકાય નહિ! પોલીસ કમિશનર પગલા નહિ ભરે તો ઇ-ચલણને કોર્ટમાં ચેલેન્‍જ કરાશેઃ પોલીસને ૯૦ દિવસનો સમય અપાયોઃ મહિલા વકીલ દ્વારા તંત્રને કોર્ટમાં ભીડવશેઃ હેલ્‍મેટ મુદે હવે કાનુની જંગ મંડાશે...

રાજકોટ તા.૧૮: હેલ્‍મેટના મુદે પ્રજા અને પોલીસ તંત્ર વચ્‍ચે હજુ પણ ઘર્ષણ ચાલી રહયું છે. ત્‍યારે રાજકોટના મહિલા વકીલ દિક્ષીતાબેન રૈયાણીને પોલીસે એક જ દિવસમાં જુદી-જુદી જગ્‍યાએ બે મેમાઓ આપી ઉધ્‍ધત વર્તન કરતાં મહિલા વકીલે આ મેમાને કોર્ટમાં ચેલેન્‍જ કરી પોલીસ તંત્રને કાનુની મુદા ઉપર ભીડવશે તેવા સંકેતો મળી રહયા છે.

મળતી માહિતી મુજબ રાજકોટની કોર્ટમાં પ્રેકટીશ કરતાં મહિલા વકીલ દિક્ષીતાબેન રૈયાણીને ટ્રાફિક પોલીસે ખોટી રીતે અને ગેરકાયદે રીતે કાયદાની ઉપરવટ જઇને મેમા આપતા તેઓએ ગૃહમંત્રી તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર આસી. પોલીસ કમિશનર (ટ્રાફિક)ને ફરીયાદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે મહિલા ધારાશાષાી દિક્ષીતાબેન તા.૮ના રોજ પસાર થતા હતા ત્‍યારે વાહન નં. જીજે ઓ-૩ એનએ ૦૪૪૫ લઈને નીકળતા ૮૦ ફુટ રોડ મવડી પર હે.કોન્‍સ. અક્ષય રાજેશભાઈએ ઈ-ચલણથી દંડ રૂા.૫૦૦ કરેલ ત્‍યારબાદ ૧૦ મીનીટ બાદ સવર્ણભૂમિ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, અંબીકા ટાઉનશીપ મેઈન રોડ પર આસી. સબ ઈન્‍સ. સલીમ મુસાભાઈએ બીજો ઈ-ચલણનો દંડ રૂા.૫૦૦ કરેલ અને મહિલા વકીલે રજૂઆત કરતા તેમનું સાંભળેલ નહીં તેમજ પોલીસે ત્રીજુ પણ ઈ ચલણ બની જશે તેમ કહેલ હતું.

હેલ્‍મેટ પહેરવાથી હાડમારીનો સામનો કરવો પડે છે તેમજ એક મેમા બાદ ૨૪ કલાક બાદ બીજુ ઈ ચલણ બનાવી દંડ વસુલી ન શકાય. પોલીસ કમિશનરે આ અંગે પગલા નહીં લે તો ૯૦ દિવસમાં આ ઈ ચલણને કોર્ટમાં પડકારવામાં આવશે તેમ વકીલોનો સમુદાયે જણાવેલ છે. મહિલા ધારાશાષાીના આ પ્રશ્ને વકીલો લડી લેવાના છે તેમ હોદેદારોએ જણાવેલ હતું.

વરસાદમાં હેલમેટ પહેરવું શકય ન હોય અને દસ મીનીટ પહેલા જે બાબતે દંડ કરવામાં આવેલ તે જ બાબતે બીજી વખત કેમ દંડ થાય ૨૪ કલાક સુધી તમે એક જ નિયમ ભંગનો બીજો દંડ વસુલી શકો નહી અને તમારી સીસ્‍ટમમાં ચેક કરો મેમો જનરેટ થયેલ છે તે બતાવશે તેમને તમામ કહેવા છતા અમોની એકપણ વાત સાંભળેલ નહી અને એક અન્‍ય પોલીસ કર્મીને બોલાવેલ અને કહેલ કે, અમારે તો ટારગેટ પુરો કરવાની વાત છે. આ તમામ હકીકત જણાવેલ હોવા છતા અમોની સાથે અસભ્‍યતા પુર્વક વાત કરેલ અને એક પોલીસ કર્મીને બોલાવેલ અને તેમને કહેલ કે હેલ્‍મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ ઈ-ચલણ બનાવી નાખો. આમ તે પોલીસ કર્મીને પણ તમામ હકીકત જણાવેલ તેમ છતા તેમણે પણ અમારી એક પણ વાત સાંભળ્‍યા વગર જબરદસ્‍તી કાયદાની ઉપર વટ જઈને પોતાની કામગીરી બતાવવા માટે સમય ૧૮:૧૧ કલાકે ફરી વખત અમોને રોકી હેલ્‍મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ ઈ-ચલણથી દંડ રૂ.૫૦૦/- કરેલ છે. અને કહેલ કે અમારા એ.સી.પી.  તથા પોલીસ કમિશનરનો આદેશ છે એટલે એક-બે તો ઠીક જરૂર પડશે તો ત્રીજુ પણ ઈ-ચલણ બની જાશે. જે ઈ-ચલણ મુજબ આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સ્‍પેકટર સલીમભાઈ મુસાભાઈએ ઈ-ચલણ ઈસ્‍યુ કરવામાં આવેલ છે.

અમોએ તેમને જણાવેલ કે વરસાદ આવી રહયો હોય અને વરસાદમાં હેલમેટ પહેરીએ તો કાંઈ દેખાય નહી અને હેલમેટ પણ અંદરથી પલળી જાય અને હજી ૧૦-૦૦ મીનીટ પહેલા જ ઈ-ચલણથી કડ થયેલ છે તેમ છતા તેઓએ અમારી કોઈ વાત સાંભળેલ નહી. અને ૧૦-૦૦ મીનીટના સમયગાળામાં બીજો દંડ કરેલ છે. આમ ત્‍યા ફરજ પરના તમામ અધીકારીઓને કોઈ ઈ-ચલણ બનાવવાની સતા ન હોય છતા પણ કાયદાની ઉપરવટ જઈને ગેરકાયદેસર રીતે આમ જનતાને રોકી રોડ પર ટ્રાફીક જામ કરીને ગેરકાયદેસર અને નિયમો વિરૂધ્‍ધ બીજુ ઈ-ચલણ બનાવીને દંડ કરેલ છે.

આથી સંબંધિત અધિકારી / કર્મચારીએ અમારી કોઈ વાત સાંભળેલ નહિ અને ૧૦-૦૦ મીનીટના સમયગાળામાં બે-બે વખત હેલ્‍મેટના ઈ-ચલણથી દંડ કરેલ હોય જે બન્ને ઈ-ચલણ બનાવવાનો તેમને કોઈ જ સતા અને અધીકાર ન હોવા છતા ઈ-ચલણ બનાવેલ હોય જે બન્ને ઈ-ચલણ રદ કરવા તથા ઉપરોકત સંબંધિત અધિકારીઓ સામે ધોરણસરના પગલા લઈ તેમની સામે ફરીયાદ દાખલ કરવા મહિલા એડવોકેટ દિક્ષીતાબેન વિજયકુમાર રૈયાણીએ અરજ કરી છે

(2:34 PM IST)