<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સોમવારે કુદરતનો અનોખો કરિશ્‍માઃ દિવસ અને રાત થશે સરખા, મંગળવારથી દિવસ ટૂંકો-રાત્રિ લાંબી

રાજકોટમાં દિવસ ૧૨ કલાક, ૪ મિનિટનો રહેશે

રાજકોટઃ ૨૨મી સપ્‍ટેમ્‍બરના સોમવારના રોજ એક અદ્ભુત ખગોળીય ઘટના જોવા મળશે, જેમાં દિવસ અને રાત્રિ લગભગ સરખા સમયના, એટલે કે ૧૨-૧૨ કલાકના થશે. ભારત જન વિજ્ઞાન જાથાએ આ ઘટનાને શરદસંપાત તરીકે ઓળખાવી છે અને લોકોને આ કુદરતી કરિશ્‍માનો અનુભવ લેવા માટે અપીલ કરી છે. આ દિવસ પછી એટલે કે મંગળવારથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થવાની શરૂઆત થશે.

વિજ્ઞાન જાથાના રાજ્‍ય ચેરમેન, એડવોકેટ જયંત પંડ્‍યાએ માહિતી આપતા જણાવ્‍યું કે, પૃથ્‍વી પોતાની ધરી પર ૨૩.૫ અંશે નમેલી હોવાને કારણે ઋતુઓ અને દિવસ-રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. વર્ષમાં બે વાર, ૨૧ માર્ચ (વસંતસંપાત) અને ૨૨ સપ્‍ટેમ્‍બર (શરદસંપાત)ના રોજ, સૂર્ય બરાબર વિષુવવૃત્ત પર હોવાથી પૃથ્‍વીના બંને ગોળાર્ધમાં દિવસ અને રાતની લંબાઈ લગભગ સમાન હોય છે.

ગુજરાતના મુખ્‍ય શહેરોમાં દિવસની લંબાઈઃ સોમવારે ગુજરાતના મોટા શહેરોમાં દિવસની લંબાઈમાં નજીવો તફાવત જોવા મળશે.

રાજકોટઃ દિવસ ૧૨ કલાક ૦૪ મિનિટ (સૂર્યોદયઃ સવારે ૬:૩૬, સૂર્યાસ્‍ત : સાંજે ૬:૪૦) અમદાવાદઃ દિવસ ૧૨ કલાક ૦૫ મિનિટ (સૂર્યોદયઃ સવારે ૬:૨૯, સૂર્યાસ્‍તઃ સાંજે ૬:૩૪)  સુરતઃ દિવસ ૧૨ કલાક ૦૩ મિનિટ (સૂર્યોદયઃ સવારે ૬:૨૯)

શ્રી પંડ્‍યાએ ઉમેર્યું કે, સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બર મહિનામાં આવતો આ સમપ્રકાશીય દિવસ ઉત્તર ગોળાર્ધમાં પાનખર ઋતુનો પ્રથમ દિવસ ગણાય છે. પૃથ્‍વીની આ જ ઝૂકેલી ધરીને કારણે આપણે ગરમી, ઠંડી અને વિવિધ આબોહવાનો અનુભવ કરીએ છીએ. જો પૃથ્‍વીની ધરી સીધી હોત, તો ઋતુઓનો અનુભવ કરવો શક્‍ય ન બનત. આ ખગોળીય ઘટના પ્રકૃતિની સુંદર વ્‍યવસ્‍થાનું ઉત્તમ ઉદાહરણ છે

(3:09 PM IST)