News of Friday, 19th September 2025
રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનું ફેબ્રીકેશનનું કામ પુરુ કર્યા પછી ૮ લાખ ન ચુકવાયાનો આક્ષેપ
ગાંધીગ્રામના ઋષિક ચાવડાની આદિપુરની પેઢી વિરૂધ્ધ ફરિયાદ માત્ર ત્રણ લાખ ચુકવી બાકીની રકમ ન આપતાં યુવાન આર્થિક મુશિબતમાં મુકાઇ ગયાઃ ઉઘરાણી કરતાં ધમકી ભર્યો ફોન આવ્યોઃ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી

રાજકોટ તા. ૧૮: શહેરના ગાંધીગ્રામ ભારતીનગર-૪-કેમાં રહેતાં અને ફેબ્રીેકેશનનું કામ કરતાં ઋષિકભાઇ અજયભાઇ ચાવડાએ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ અરજી કરી છે. તેણે આદિપુર કચ્છ ખાતે શ્રીહોલકૃપા કન્ટ્રક્શન પેઢીના સંચાલકો વિરૂધ્ધ આરોપો કર્યા છે. રાજકોટ રેલ્વે સ્ટેશના બે પ્લેટફોર્મનું કામ આ પેઢી દ્વારા મળ્યું હોઇ તે ઋષિકભાઇએ પુરૂ કરી દીધું હોવા છતાં તેને માત્ર ત્રણ લાખ જેવી રકમ ચુકવી બાકીના આઠ લાખથી વધુ નહિ ચુકવી છેતરપીંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
ઋષિકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આર. એ. એન્ટરપ્રાઇઝના નામથી ફેબ્રીકેશનનો ધંધો કરુ છું અને સામેવાળાની કન્ટ્રક્શન પેઢીની ઓફિસ આદિપુર કચ્છ ખાતે છે, આ પેઢીના ઓનર નવીનભાઇ સોરઠીયા છે. તે ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટના કામ કરે છે. અમદાવાદ ફેબ્રીકેશનનું કામ કરતાં ચેતનભાઇ મારફ મારો સંપર્ક થયો હતો. આ પછી મને રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૪ અને ૫નું ફેબ્રીકેશનનું કામ શરતોને આધીન પુરુ કરી દેવાનું નક્કી કરી આ પેઢીએ આપ્યું હતું. આ માટે અમને ૧૨/૮/૨૪ના રોજ વર્ક એલોટમેન્ટ લેટર પણ તેણે આપ્યો હતો. એ પછી મેં કામ ચાલુ કર્યુ હતું. એક કિલોના રૂા. ૧૫ તથા જીએસટી ૧૮ ટકા ગણી ૭૫થી ૮૦ મેટ્રીક ટન જેટલુ કામ મને અપાયું હતું.
આ કામ માટે મને ૪૦ ટકા રૂપિયા કામ શરૂ થયા બાદ અને ૩૦ ટકા બાંધકામ થઇ ગયા પછી તથા બાકીના ૩૦ ટકા સંપુર્ણ કામ પુરુ થયા પછી ૧૫ દિવસમાં તેણે મને ચુકવવાના હતાં. મને આજ સુધીમાં રૂા. ૩,૦૬,૮૪૪ પેઢી તરફથી ચુકવાયા છે. જે કામ મેં વર્ક ઓડર કરતાં પણ વધુનું હતું તે સમયસર માણસો રાખી પુરુ કરી દીધુ હતું. કુલ અંદાજીત ૧૦૨ મેટ્રીક ટન જેટલુ કામ થયું છે. જેના માલ-મટીરીયલ્સનો ખર્ચ, મજૂરી, જીએસટી ગણી મારે હજુ આ સામેવાળા પાસેથી ૮ લાખ (જીએસટી સહિત રૂા. ૧૫,૦૪,૮૯૪) લેવાના થાય છે. પરંતુ વારંવાર આ રકમની ઉઘરાણી કરવા છતાં મને આ રકમ અપાતી નથી. આથી અમે તેને એડવોકેટ મારફત લીગલ નોટીસ આપી હતી. તેનો પણ કોઇ જવાબ આપ્યો નથી. ફોન કરતાં મને અજાણ્યા શખ્સ મારફત ધાકધમકી ભર્યો ફોન આવ્યો હતો. આથી નાછુટકે મારે લેખીત ફરિયાદ અરજી કરવી પડી છે. મને મારા કામની રકમ નહિ ચુકવાતાં મોટા આર્થિક સંકટમાં મુકાઇ ગયો છું. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગણી છે. તેમ વધુમા ઋષિકભાઇએ લેખિત ફરિયાદ અરજીમાં જણાવ્યું છે.
(3:51 PM IST)










