News of Tuesday, 23rd September 2025
મન મોર બની થનગટ કરે મન મોર બની થનગાટ કરે, આજે મારું મન....
‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવ''નો પ્રથમ નોરતે યુવા ધન હિલોળે ચડયું : મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્વરો સાથે ખેલૈયાઓ મન મૂકીને ડોલ્યાઃ ગ્રાન્ડ ઓપનિંગમાં લેસર શો અને ફાયર શોએ ખેલૈયાઓના દિલ જીતી લીધા

રાજકોટઃ નવરાત્રીના પાવન પર્વે કાલે ‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવ''નો પ્રથમ નોરતાનો પ્રારંભ માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય રીતે યોજાયો હતો. સાંજ પડતાં જ રંગબેરંગી લાઇટિંગ, લેસર શો અને ફાયર શો સાથે સમગ્ર સ્ટેડિયમ ઝળહળતી દીપાવલી જેવું બની ગયું હતું. ખેલૈયાઓ માટે આ પળ એવી બની ગઈ કે જાણે રાત્રે જ સૂર્યોદય થઈ ગયો હોય.
આ રાસોત્સવનો આરંભ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પળે સમગ્ર પરિસર ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. જેથી સમગ્ર મેદાનમાં પાવન તેજ પ્રસરી ગયું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર,સિલ્વર પંપના ઓનર ધરમશીભાઈ બેડીયા તથા તેમની ધર્મપત્ની શારદાબેન બેડીયા, જે.ડી. મોલના ઓનર અમિતભાઈ રૂપારેલીયા, આશિષભાઈ સોની અને ચેતનભાઈ ધાનક ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમની શોભા અનેકગણી વધારી દીધી હતી. ગ્રાન્ડ ઓપનિંગમાં યોજાયેલ લેસર શો અને ફાયર શોએ ખેલૈયાઓ તેમજ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીતની તાલ સાથે રંગબેરંગી કિરણો આકાશમાં ગુંથાતી હતી. ફાયર શોના ઝળહળતા દ્રશ્યો સાથે એવું લાગી રહ્યું હતું કે રાત્રે તારો તૂટીને જમીન પર વરસી રહ્યા હોય.
જીલ એન્ટરટેનમેન્ટના સથવારે સ્ટેજ પર પ્રખ્યાત કલાકાર મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્વરો ગુંજી ઉઠ્યા. પરંપરાગત ગીતો અને ભક્તિગીતોની સાથે આધુનિક ગરબા ગીતો પણ રજૂ થયા. તેમન સૂરથી એવો માહોલ ઉભું કર્યો હતો કે ખેલૈયાઓ પગ થંભાવી શક્યા નહીં. યુવા ખેલૈયાઓ સાથે પરિવાર અને બાળકો પણ ગરબાની રમઝટમાં ઝૂમી ઉઠ્યા.
આ વર્ષે પ્રથમવાર માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આ મહોત્સવ યોજાયો હતો. વિશાળ મેદાન, ગાલીચા જેવી જમીન અને ઊંચી સ્તરની સુવિધાઓ ખેલૈયાઓ માટે અદભૂત અનુભવ બની રહી. મેદાનમાં ખાસ હાઇ-ફાઇ સાઉન્ડ સિસ્ટમ, ફલડ લાઇટિંગ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, તેમજ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
મનહર પ્લોટમાં અધિષ્ઠા એપાર્ટમેન્ટમાં બનાવઃ એ-ડિવીઝન પોલીસે ભેદ ઉકેલ્યો
ભંગાર વીણવા નીકળેલી લીલી વાઘેલાએ નેપાળી પરિવારના ઘરમાંથી દાગીના ચોરી લીધાઃ ધરપકડ
પીઝા પાર્લરમાં કામ કરતાં સંતોષ પરિયારની ફરિયાદ પરથી કાર્યવાહી
આયોજકો દ્વારા ખેલૈયાઓ અને દર્શકોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ પ્રવેશદ્વારો પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. પાન-માવા-ફાંકી પર પ્રતિબંધ મૂકાયો હતો, જેથી સ્વચ્છ અને શિસ્તબદ્ધ માહોલ સર્જાયો. આરોગ્ય માટે મેડિકલ ટીમ પણ તૈયાર રાખવામાં આવી હતી.
પ્રથમ નોરતે યુવાધન ઉત્સાહથી ગરબે ઝૂમી ઉઠ્યું હતું. રંગીન વષો, ઝગમગતા આભૂષણો અને ઉત્સાહભર્યા ચહેરાઓથી સ્ટેડિયમ સજ્જડ રંગીન બની ગયું હતું. છોકરીઓના ચણિયાચોળી અને છોકરાઓના કેડીયુ-કુર્તા પર લેસર લાઇટની ઝળહળતી કિરણો પડતાં દ્રશ્ય અદ્દભૂત બની ગયું હતું.
‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવ''માં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. એક તરફ ભક્તિગીતો અને પરંપરાગત ગરબા હતાં, તો બીજી તરફ લેસર શો, ફાયર શો અને આધુનિક સંગીત ખેલૈયાઓ માટે યાદગાર અનુભવ બની રહ્યાં હતાં.આ સમગ્ર મહોત્સવ પાછળ અબતક સુરભી ટીમની રાત-દિવસની મહેનત હતી. અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા, વિજયભાઈ વાળા, અને તેમની આખી ટીમે મેદાન, સ્ટેજ સેટઅપ, સુવિધાઓ અને સુરક્ષાની સુવ્યવસ્થા માટે ખાસ પ્રયત્નો કર્યા હતા. તેમની કઠિન મહેનતનું ફળ કાલે ખેલૈયાઓ અને દર્શકો માટે એક યાદગાર અનુભવ રૂપે જોવા મળ્યું હતું.
રાસોત્સવમાં પ્રવેશમા ખેલૈયાઓને કુમકુમ તિલક કરાયું
અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં જેમાં ખેલૈયાઓને પ્રવેશદરમિયાન પાવન કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. કુમકુમ તિલક કરી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે
આ પાવન પ્રસંગે જગદંબાની આરતી કરી ને સમગ્ર મેદાન ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. દીપોની જ્યોતિ અને આરતીના દર્શ્યો સાથે મેદાનમાં પાવન તેજ પ્રસરી ગયો. ખેલૈયાઓ અને દર્શકો બંને રાસોત્સવના પાવન આરંભમાં ઉમંગભરી રીતે જોડાયા હતા.
(3:05 PM IST)










