News of Wednesday, 24th September 2025
ન્યુ કોલેજવાડીના વેપારી તુષાર ઇલાણી સાથે ખાંડના સોદામાં ચેન્નાઇના શખ્સની ૪૪.૯૧ લાખની ઠગાઇ
કાલાવડ રોડ પર રહેતાં વેપારીને દુબઇની કંપનીએ ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર આપતાં તેણે ચેન્નાઇના વેપારીને એડવાન્સ પેમેન્ટ ચુકવી ૧૩૫ ટનનો ઓર્ડર દીધો હતોઃ પરંતુ તેણે કંઇ મોકલ્યું નહિઃ તાલુકા પોલીસે તમીલરસી પેરૂમલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર રહેતાં અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વેપાર કરતાં વેપારી સાથે ચેન્નાઇના શખ્સે ખાંડના સોદામાં રૂા. ૪૪,૯૧,૨૦૦ની ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે. વેપારીને દુબઇની કંપની તરફથી ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર મળ્યો હોઇ તેણે ચેન્નાઇના વેપારીનો સંપર્ક કરી પોતાને ખાંડ પુરી પાડવા અને શરૂઆતમાં ૧૩૫ ટન માલનો ઓર્ડર આપી તેના પેટે એડવાન્સમાં પેમેન્ટ આપી દીધુ હોવા છતાં ચેન્નાઇના શખ્સે ખાંડ ન મોકલી આજ સુધી બહાના બતાવ્યે રાખી રકમ પરત ન આપતાં અને તેણે આપેલો વીસ લાખનો ચેક પણ રિટર્ન થતાં વેપારીએ ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ પંજાબ હોન્ડા પાછળ ન્યુ કોલેજવાડી-૩માં રહેતાં તુષારભાઇ મનહરભાઇ ઇલાણી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી ચેન્નાઇના વલાસરાવકમ સરસ્વતિ રામક્રિષ્ના શેરી પ્રકાશમ સલીયા પાસે નંબર-૨૦૩ ખાતે રહેતાં તમીલરસી પેરૂમલ અને તપાસમાં ખુલે તેની સામે રૂા. ૪૪,૯૧,૨૦૦ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તુષારભાઇ ઇલાણીએ જણાવયું છે કે હું પરિવાર સાથે રહી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરુ છું. મારી બારોટજી ઇન્ટરનેશનલ નામની ભાગીદારી પેઢી છે જેમાં હું અને મારા પત્નિ વિધી ભાગીદાર છીએ. આ પેઢીની ઓફિસ સત્યસાઇ હોસ્પિટલ સામે શ્રી બિલ્ડીંગમાં બીજા માળે ૨૦૨૧થી ૨૦૨૪ સુધી હતી. હાલમાં અમારી ઓફિસ કૃતિ ઓનેલા બિલ્ડીંગમાં પહેલા માળે ૧૩૧ નંબરની ઓફિસમાં છે. અમારી પેઢીનું ભાગીદારી ખાતુ શારદાબાગ પાસેની આઇસીઆઇસીઆઇ બંકમાં છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી ફૂડ આઇટમનો વેપારી કરીએ છીએ અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વેપારીઓ પાસેથી અમોને વિદેશમાંથી મળેલા ઓર્ડર મુજબ ફૂડ આઇટમનો માલ મંગાવીએ છીએ અને આ માલ જે તે દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ.
તુષારભાઇએ વધુમાં જણાવ્યું છે કે ૨૦૨૧માં હું મારી પેઢીના નામે ખાંડ-સુગરનો ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ઓર્ડર મુજબ ધંધો કરતો હતો. ત્યારે અલગ અલગ ખાંડના વેપારીઓનો સંપર્ક થયો હતો. જેમાં ચેન્નાઇના એલીપ્સ યુનિવર્સલ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રા.લિ.ના ડિરેકટર તમીલરસી પેરૂમલ સાથે મારે ફોનમાં વાત થઇ હતી. તે વખતે મને દુબઇ સુપ્રીમ ગલ્ફ કંપનીમાંથી ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર મળ્યો હોઇ જેથી મેં તમીલરસી પેરૂમલને આ ઓર્ડરની વાત કરી હતી અને મારે ખાંડ જોઇએ છે તેમ કહેતાં તેણે ૧ કિલોના ૩૬ લેખે ભાવ આપ્યો હતો. જેથી મેં તેને ૫૪૦ ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો. તેણે આ જથ્થો પોતે પુરો પાડી દેશે તેવી ખાત્રી આપી હતી.
જેથી મેં સોૈ પહેલા તેની પાસેથી ૧૩૫ ટન માલ મંગાવ્યોહ ત, આનું પેમેન્ટ તેણે એડવાન્સમાં માંગતા મેં તેને ૧૦ લાખ અને બીજા ૧૫ લાખ આરટીજીએસથી મોકલી દીધા હતાં. આ પછી તેણે મને ટેક્સ મેસેજથી ઇ-વે બીલ મોકલ્યા હતાં. જેમાં ચાર ટ્રકના બીલ હતાં. એક ટ્રકમાં ૨૫ ટન માલ થાય એ રીતે કુલ ૧૦૦ ટન માલના બીલ હતાં. પરંતુ આ માલ એટલે કે ખાંડનો જથ્થો મને મળ્યો નહોતો. આથી હું ચેન્નાઇ ખાતે તમીલરસી પેરૂમલની ઓફિસે ૨૫/૧/૨૩ના રોજ ગયો હતો અને તેને મળી જાણ કરી હતી કે મને હજુ સુધી માલ મળ્યો નથી. તેણે તેણે કહેલું કે મારે ઉપરથી માલ ન આવતાં તમને મોકલી શક્યો નથી. આથી મેં તેને કહેલું કે મેં જે કન્ટેનર બૂક કરાવ્યા તેની પેનલ્ટીના રૂા. ૯,૯૧,૨૦૦ મને લાગી છે, કારણ કે બૂકીંગ કેન્સલ કરાવવા પડયા છે.
આથી તમીલરસી પેરૂમલે મને તેની એલીપ્સ યુનિવર્સલ ટ્રેડીંગ ઇન્ડિયા કંપનીના ખાતાનો રૂા. ૨૦ લાખનો ચેક આપ્યો હતો અને કહ્યું હતું કે હું થોડા દિવસમાં જ તમારો માલ તમને મોકલી દઇશ. આથી હું વિશ્વાસ રાખી રાજકોટ આવી ગયો હતો. પરંતુ ત્યારબાદ પણ ઘણા દિવસ સુધી મને ખાંડ ન મોકલતાં મેં તેણે મને આપેલો ચેક બેંકમાં નાંખતા તે રીટર્ન થઇ ગયો હતો. આ પછી હું જ્યારે પણ ખાંડ મોકલવા ફોન કરુ ત્યારે તે અલગ અલગ બહારના આપી સમય પસાર કરતો હોઇ દુબઇથી મને મળેલો ઓર્ડર પણ સમયસર હું માલ આપી ન શકવાને લીધે કેન્સલ થઇ ગયો હતો. આ પછી મેં વારંવાર મારા પૈસાની ઉઘરાણી કરી હતી. મેં તેને કુલ ૩૫ લાખ એડવાન્સમાં આપી દીધા હતાં. તે રકમ તથા કન્ટેનર બૂકીંગ કેન્સલ કરાવ્યા તેના ૯,૯૧,૨૦૦ મળી કુલ રૂા. ૪૪,૯૧,૨૦૦ મારે તેની પાસેથી લેવાના નીકળે છે. આજ સુધી વારંવાર ઉઘરાણી કરવા છતાં મને રકમ પાછી અપાતી ન હોઇ અને માલ પણ અપાયો ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં તુષારભાઇએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૯)
(3:11 PM IST)










