News of Thursday, 25th September 2025
રતનપરમાં ત્રણેક કલાક રેઢા રહેલા જયદિપભાઇ સોલંકીના ઘરમાંથી ૧.૧૭ લાખના દાગીનાની ચોરી
કબાટ-તિજોરીના લોક બગડેલા હોઇ ખુલ્લા જ હતાં: કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી : રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ગામમાં બનાવઃ માતા-પિતા બહારગામ ગયા હતાં: ભાઇઓ કામે ગયા હતાં: દંપતિ નજીકના બીજા ઘરે રસોઇ કરવા ગયું હતું: ઘરને તાળુ નહિ નકુચો લગાવ્યો હતો

રાજકોટ તા. ૨૫: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર ગામમાં સવારે દસથી બપોરે એક સુધી બંધ રહેલા મકાનમાં ત્રાટકી તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા છે. દંપતિ તેના પુત્રને લઇ નજીકમાં આવેલા બીજા મકાને ગયા હતાં.
દરવાજાને તાળુ નહિ પણ નકુચો લગાવ્યો હતો. કબાટ તિજોરીના લોક પણ બગડી ગયા હોઇ ખુલ્લા જ હતાં. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર આવેલા રતનપર ગામ શાન્તમ રેસીડેન્સીમાં રહેતાં જયદિપભાઇ વસંતભાઇ સોલંકી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
જયદિપભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે અને એચજે સ્ટીલમાં નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે હું બુધવારે ૨૪મીએ સવારે મારા માતા મંજુબેન અને પિતા વસંતભાઇ મોરબી કામ માટે ગયા હતાં. મારા ભાઇ સુનિલભાઇ અને મહેન્દ્રભાઇતેના કામે જતા રહ્યા હતાં. હું અને મારા પત્િ ન દયા (દક્ષા) તથા દિકરો ઘરે હતાં.
અમારે બીજુ ઘર જે આ મકાનથી થોડે દૂર છે ત્યાં અમે રસોઇ કરવાની હોઇ જેથી હું પત્નિ અને પુત્રને લઇને તયાં ગયો હતો. સવારે દસેક વાગ્યે અમે નીકળ્યા ત્યારે ઘરનો નકુચો બંધ કર્યો હતો તાળુ માર્યુ નહોતું.
આ પછી અમે ત્યાં રસોઇ બનાવી હતી અને જમીને એકાદ વાગ્યે મારા પત્નિ મારી પહેલા ઘરે પહોંચ્યા હતાં. ત્યારે ઘરમાં જતાં તિજોરીનું ખાનુ ખુલ્લુ જોવા મળ્યું હતું અને સામાન પલંગ પર વેરવીખેર પડયો હતો. જેથી મેં મારા પિતાજીને ફોન કરી જાણ કરીહતી. માતા-પિતા રસ્તામાં જ હોઇ તેઓ પણ થોડીવારમાં આવી ગયા હતાં. બાદમાં અમે તપાસ કરતાં ખબર પડી હતી કે કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ગાયબ છે.
જેમાં સોનાનો દોરો પેન્ડલ સાથેની રૂા. ૬૧૦૧૧નો, એક જોડી નાની બુટી ૨૬ હજારની, તેમજ સોનાની બે નાની વીંટી ૨૦ હજારની, ચાંદીના પાયલ ૭ હજારના અને ચાંદીના હાથમાં પહેરવાના પાટલા રૂા. ૩ હજારના મળી કુલ ૧,૧૭,૦૧૧ના દાગીના કોઇ ચોરી ગયાનું જણાયુ હતું.
ઘરના દરવાજાનો નકુચો ખોલી ચોર અંદર ઘુસી ગયા હતાં. લોખંડના કબાટ અને તિજોરીના લોક બગડી ગયા હોઇ જેથી તેમાં લોક નહોતાં. ચોરીનો બનાવ બનતા મેં ૧૧૨માં ફોન કર્યો હતો.
બાદમાં પોલીસ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં જયદીપભાઇએ જણાવતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ પી.આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આસપાસમાં કોઇ કેમેરા પણ નથી.
ભેદ ઉકેલવા ડી. સ્ટાફની ટીમ અને એલસીબી ટીમ કામે લાગ્યા છે. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે મકાન અને વેરવિખેર ચીજવસ્તુ જોઇ શકાય છે. તસ્વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.
(2:00 PM IST)










