News of Thursday, 25th September 2025
મોટી ટાંકી પાસે આવેલી લેબના માર્કેટીંગ હેડ સાથે ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાના નામે ૧.૬૦ લાખની ઠગાઇ
એચડીએફસી બેંકના કર્મચારીના નામે ગઠીયાએ ફોન કરી કહ્યું-હું કહું તેમ કરતાં રહેજો એટલે અપડેટ થઇ જશેઃ અલગ અલગ ઓટીપી મેળવી બારોબાર ખરીદી કરી લીધીઃ બેંકમાંથી રકમ ભરવાનો કોલ આવતાં છેતરાયાની ખબર પડીઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૫: સાયબર ફ્રોડના વધુ એક બનાવમાં ગાંધીગ્રામમાં રહેતાં અને મોટી ટાંકી ચોક પાસે આવેલી સુપ્રાટેક લેબોરેટરીમાં નોકરી કરતાં યુવાનને ગઠીયાએ એચડીએફસી બેંકના ક્રેડીટ કાર્ડ વિભાગના કર્મચારીની ઓળખ આપી ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરવાનું છે કહી મેસેજ મોકલી ઓટીપી મેળવી તેના ક્રેડીટ કાર્ડમાંથી ૧.૧૬ લાખની ખરીદી કરી લેતાં આ યુવાનને બેંકમાંથી બીલભરવા કોલ આવતાં ઠગાઇની ખબર પડી હતી.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ લાખના બંગલા સામે અક્ષરનગર મેઇન રોડ પર ઓમ એપાર્ટમેન્ટમાં રહેતાં ધ્રુવ દિલીપભાઇ ભટ્ટ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અજાણ્યા બે અલગ અલગ નંબરમાંથી ફોન કરનારા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ધ્રુવ ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટી ટાંકી ચોક પાસે ન્યુબર્ગ સુપ્રાાટેક લેબોરેટરીમાં માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરે છે અને એચડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે.ગઇ તા. ૧૬/૭/૨૦૨૪ ના યુવાનના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી અને કહ્યું હતું કે, તમે જે ક્રેડિટ કાર્ડ લીધું છે તે હાલ એક્ટિવ નથી તમારે એક્ટિવ કરાવવું હોય તો હું કહું તેમ કરો તો તમારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ થઈ જશે તેમ કહેતા યુવાને આ શખ્સ પર વિશ્વાસ કરી તેણે વોટસએપ નંબર પર એક મેસેજ મોકલ્યો હતો. જેમાં યસ આપવાનું કહેતા યસ કહ્યું હતું. બાદમાં ઓટીપી આવ્યો હતો જે યુવાને આપ્યો હતો. બાદમાં આ પ્રકારે પાંચેક વખત ઓટીપી આવતા યુવાને વિશ્વાસ કરી આ ઓટીપી નંબર આપ્યો હતો બાદમાં તા. ૧૮/૭/૨૦૨૪ ના ફરી આ શખસનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે આપણી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાની અડધી પ્રોસેસ બાકી છે તમારો ફોન ચાલુ રાખજો હું તમને ફોનમાં જેમ કહું તેમ કરતા જાવ તેમ કહી ફરી ઓટીપી નંબર મેળવી લીધા હતા અને ત્યારબાદ તેણે કહ્યું હતું કે હવે ૨૪ કલાકમાં તમારું કાર્ડ એક્ટીવ થઇ જશે.
આ પછી તા. ૨૭/૯/૨૦૨૪ ના યુવાનને એચડીએફસી બેન્કમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ક્રેડીડ કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા ૧.૧૬ લાખ વાપર્યા છે જે ક્રેડિટ કાર્ડનું બિલ ભરી દેજો. તેમ કહેતા યુવાને કહ્યું હતું કે, મેં ક્રેડિટ કાર્ડનો કોઈ ઉપયોગ કર્યો નથી. જેથી તેઓએ કહ્યું હતું કે, તમે ક્વીકલીવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં ખરીદી કરી છે. જેથી યુવાનને અગાઉ તેને એચડીએફસીના કર્મચારી તરીકે ઓળખ આપનાર શખ્સે છેતરપિંડી કરી હોવાની ખબર પડતાં આ અંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦માં અરજી કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એસ. આર. મેઘાણીએ તપાસ હાથ ધરી છે.
(3:00 PM IST)










