News of Thursday, 25th September 2025
આનંદો.... પ૦૦ ચો.મી.ના ફટાકડા સ્ટોલ ધારકોને ફાયર એનઓસીની જરૂર નહિ
સ્ટોલ ધારકે ફાયર સેફટીના સાધનો રાખવા ફરજીયાત : પોલીસના ચેકીંગ બાદ લાયસન્સ મળશે

રાજકોટ, તા.,૨૫ : ૫૦૦ ચો.મીટરથી ઓછી જગ્યામાં ફટાકડાના સ્ટોલ કરનારે ફાયર એનઓસી લેવુ નહીં પડે પરંતુ ફાયર સેફટીના નિયમો મુજબના સાધનો ફરજિયાત રાખવાના રહેશે જેનુ ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા કરાયા બાદ સ્ટોલ ધારકને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે તેમ સરકાર દ્વારા પરીપત્ર જાહેર કર્યો છે.
શહેરમાં દુકાનો તેમજ મુખ્ય માર્ગો ઉપર દિવાળી પહેલા ફટાકડાના સ્ટોલ ઉભા થઇ જાય છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ફટાકડના સ્ટોલ ધારકો પાસેથી જગ્યાનું ભાડુ વસુલવામાં આવે છે અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમ મુજબના સાધનોની ચકાસણી કર્યાબાદ ફાયર એનઓસી ફાળવવામાં આવતી હોય છે. પરંતુ નાના સ્ટોલ ધારકો પાસે જગ્યાનો અભાવ હોવાથી ફાયર એનઓસી મેળવવામાં મુશ્કેલી પડતી હોય આ મુદ્દે ગત વર્ષે પણ ઉહાપો બોલી ગયેલ જેના લીધે રાજ્ય સરકારના ફટાકડા વિતરકો માટે ફાયર એનઓસી અને સ્થળ તેમજ પોલીસ વિભાગને થતી ચેકિંગ કામગીરી અંતર્ગત ચેક લિસ્ટ જાહેર કર્યુ છે.. જેમાં કોઇપણ સ્થળે ૫૦૦ ચો.મીટર બિલ્ટ અપ એરીયામાં ફટાકડાનો સ્ટોલ કરેલ હોય ત્યારે ફાયર એનઓસીમાંથી મુકિત આપવામાં આવી છે. જેની સામે એસ્ટેટ વિભાગને જગ્યાનું ભાડુ ચૂકવવાનું રહેશે અને પોલીસ વિભાગમાં ફટાકડા સ્ટોલ માટેની અરજી કર્યા બાદ પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી સ્ટોલ ધારકે સરકારે જાહેર કરેલા ચેક લીસ્ટ મુજબના ફાયર સેફટીના સાધનો હસે તો જ સ્ટોલની મંજૂરી આપવામાં આવશે.
(3:30 PM IST)










