તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Saturday, 27th September 2025
સ્કૂલે અને ગરબામાં જતી બે બાળાનો પીછો કરી ફોટા પાડી ચાકુ બતાવ્યું: બે સગીરની અટકાયત
રાજકોટની ઘટનાઃ ચારેક દિવસથી સતત પજવણી થતી હોઇ ૧૩ અને ૧૪ વર્ષની બાળાઓ ગભરાઇ ગઇ હતીઃ વાલીઓએ ગત રાતે દિકરીઓની પાછળ-પાછળ જઇ બે છોકરાને પકડી પોલીસને સોંપ્યા : સામા કાંઠાનો બનાવઃ બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણે અને ટીમની ગુનો નોંધી બંને ૧૬-૧૬ વર્ષના સગીર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: શહેરમાં સગીરાઓ, વિદ્યાર્થીનીઓની પાછળ જઇ અમુક શખ્સો પજવણી છેડતી કરતાં હોવાના કિસ્સાઓ અગાઉ બન્યા છે. દરમિયાન સામા કાંઠે રહેતી ૧૩ અને ૧૪ વર્ષની બે બહેનપણી સ્કૂલે જાય-આવે, રાતે વિસ્તારમાં ગરબી જોવા માટે જાય-આવે ત્યારે ત્રણ છોકરા સતત પીછો કરી તેણીના મોબાઇલથી ફોટા પાડી લેતાં હોઇ અને એક છોકરો ચાકુ બતાવતો હોઇ આ બંને બહેનપણી ગભરાઇ ગઇ હતી. દિકરી ગુમસુમ રહેતી હોઇ પિતાએ પૃછા કરતાં તેણે હકિકત જણાવતા બંને દિકરીઓના પિતા, સોસાયટીના રહેવાસીઓએ ગત રાતે આ બંને ગરબી જોવા નીકળી ત્યારે પાછળ પાછળ જઇ બે છોકરાને પકડી લીધા હતાં. બંનેને પોલીસને સોંપવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ૧૩ વર્ષની બાળાની ફરિયાદ પરથી ૧૬-૧૬ વર્ષના બે સગીર વિરૂધ્ધ બીએનએસની કલમ ૭૮ (૨), ૫૪ અને જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બાળાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સામા કાંઠે રહુ છું અને માર્કેટીંગનું કામ કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં દિકરી ૧૪ વર્ષની છે અને ધોરણ-૯માં અભ્યાસ કરે છે. ૨૨/૯ના રાતે નવેક વાગ્યે મારી દિકરી અમારી સોસાયટી પાછળના ભાગે પ્રાચીન ગરબી યોજાય છે ત્યાં ગરબી જોવા ગઇ હતી. રાતે સાડા દસેક વાગ્યે તે પરત ઘરે આવી ત્યારે ગભરાયેલી હાલતમાં હોઇ મેં તેણીને પુછ્યું હતું કે શું થયું છે? આથી તેણે કંઇ જવાબ આપ્યો નહોતો. પણ દિકરી સતત બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતી હોઇ જેથી ફરીથી ૨૫મીએ રાતે સાડા દસેક વાગ્યે મેં તેને હિમ્મત આપી હતી અને શું થયું છે તે પુછતાં તેણે કહેલું કે-પપ્પા છેલ્લા ચારેક દિવસથી ત્રણ છોકરાઓ મારો અને મારી બહેનપણી કે જે ૧૪ વર્ષની છે તેનો પીછો કરે છે.
અમે સ્કૂલે આવ-જા કરીએ, ગરબામાં જઇએ-આવીએ ત્યારે આ છોકરા સતત પીછો કરે છે અને અમારા મોબાઇલથી ફોટા પાડે છે અને જાહેરમાં ચકુ પણ બતાવેલ છે, જેથી મને ખુબ બીક લાગે છે. દિકરીની આ વાત સાંભળી મેં તેને સાંત્વના આપી સુવડાવી દીધી હતી. બીજા દિવસે અમારા લત્તમાં રહેતાં વેપારીએ મને વાત કરી હતી કે મારી દિકરી સવારે કહેતી હતી કે તેને અને તમારી દિકરીને છોકરઓ હેરાન કરે છે. આથી અમે સોસાયટીના લોકોને ભેગા કર્યા હતાં અને રાતે દિકરીઓ ગરબી જોવા જાય તો તેની પાછળ પાછળ જઇ નજર રાખવાનું નક્કી કર્યુ હતું.
બાદમાં ૨૬મીએ રાતે શુક્વારે અમે સોસાયટીના રહેવાસી મહિલાઓ, પુરૂષો સાથે મળી બંને દિકરીઓ ગરબી જવા માટે નીકળી ત્યારે તેમની પાછળ પાછળ ગયા હતાં. દરમિયાન પેડક રોડ ડો. ડોબરીયાના દવાખાના તરફના રસ્તા પર બે શંકાસ્પદ છોકરા આટાફેરા કરતાં દેખાયા હતાં. આથી અમે આ છોકરાઓને અટકાવ્યા હતાં અને આગળ જઇ રહેલી અમારી દિકરીઓને બોલાવી પૃછા કરતાં બંને દિકરીઓએ આ છોકરાઓ જ ત્રણ ચાર દિવસથી પીછો કરતાં હોવાનું અને આ બંને સાથે હજુ એક ત્રીજો છોકરો પણ હોય છે તે આજે સાથે નથી તેવું કહ્યું હતું.
આથી અમે આ છોકરાઓની પુછતાછ કરતાં બંનેએ પોતાની ઉમર ૧૬-૧૬ વર્ષની જણાવી હતી અને પેડક રોડ-આર્યનગર વિસ્તારના જ રહેવાસી હોવાનું કહ્યું હતું. આ બે પૈકી એક છોકરાએ મારી દિકરીને ચાકુ બતાવ્યું હતું તે પણ હતો. આ પછી મારી દિકરીની બહેનપણીના પિતાએ ૧૧૨ નંબર ઉપર ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે અમે ફરિાયદ કરી હતી. પીઆઇ એસ. એસ. રાણે અને હીરાભાઇ રબારી સહિતએ જરૂરી કાર્યવાહી કરી બંને સગીરની સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:58 PM IST)










